અમદાવાદ: મહિલા દિવસની ઉજવણી કરીએ એટલું જ છે તેવું જોવા મળી રહ્યું છે. જો ખરેખર મહિલાઓની કાળજી અને સન્માન કરવામાં આવતું હોત તો સમાજમાં કોઇ મહિલા સાથે ખોટી રીતે કોઇ બનાવ જ ના બનત. પરંતું હાલ મહિલા સાથેના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ફરી એક વાર અમદાવાદમાં એવો જ કિસ્સો સામે આવ્યો છે. જેમાં ચાણક્યપુરીમાં 34 વર્ષીય મહિલા તેના પતિ અને સંતાનો સાથે રહે છે. તેમના ઘરની સામે થોડા સમય પહેલા એક વ્યક્તિએ મેડિકલ સ્ટોર ચાલુ કર્યો હતો.
વીડિયો બનાવી લીધોઃ અવાર-નવાર વસ્તુઓ લેવા જવા થતુ હોવાથી મેડિકલ સ્ટોર વાળા ચંદ્રકાંત આ મહિલા સાથે વાતચીત કરવાની કોશિષ કરતો હતો. જો કે મહિલા તેની સાથે વાતચીત કરતી ન હોતી. ત્યાં એકાદ વર્ષ પહેલા મહિલા તેના મકાનની સાઇડના બાથરૂમમાં નહાવા ગઇ ત્યારે આ મેડિકલ સ્ટોરના ચાલક ચંદ્રકાંતે વિડીયો બનાવી લીધો હતો. બાદમાં મહિલાને તે વિડીયો બતાવી શારિરીક સંબંધ બાંઘવા દબાણ કરી વિડીયો વાયરલ કરવાની ધમકીઓ આપતો હતો.
લોકોએ ઢીબી નાખ્યો: છતાંય આ મહિલા ધમકીઓને તાબે ન થઇ શખ્સ સાથે વાત કરવાનું ટાળતી હતી. છતાંય આ શખ્સ બે ત્રણ મહિનાથી મહિલાનો પીછો કરતો હતો. ગત 25મી મેના રોજ મહિલા રાણીપ ખાતે કામ અર્થે ગઇ ત્યારે પણ આ શખ્સ તેનો પીછો કરી ત્યાં પહોંચ્યો હતો. મહિલાએ તેને જોઇને બુમાબુમ કરતા લોકો આવી જતા ચંદ્રકાંતને પકડી લોકોએ ઢીબી નાખ્યો હતો. જેથી ચંદ્રકાંતે મહિલાને હેરાન કરવાનું બંધ કર્યુ હતું.
" આ અંગે ગુનો દાખલ કરવામાં આવ્યો છે, આરોપી પણ ઘટનામાં બળી ગયો હોય તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, સારવાર પૂર્ણ થયા બાદ તેની અટકાયત કરવામાં આવશે"-- જીગ્નેશ અગ્રાવત ( સોલા પોલીસ મથકના PI)
જ્વલનશીલ પ્રવાહી: 16મી જૂને શુક્રવારે ચંદ્રકાંત જ્વલનશીલ પ્રવાહી લઇ મહિલાના ઘરે આવ્યો હતો. ચંદ્રકાંતે આ મહિલાને ક્યાં જાવ છો તેવું પૂછતા મહિલાએ ગામડે જાય છે, તેવું કહેતા ચંદ્રકાંતે મારી સાથે સંબંધ રાખવો છે કે નહિ તેમ કહી સળગાવી દેવાની મહિલાને ધમકી આપી હતી. ત્યારે મહિલાએ તેની ધમકીઓને તાબે ન થઇ સંબંધ રાખવા મનાઇ કરતા ચંદ્રકાંતે આ મહિલાની દીકરી પર પ્રવાહી છાંટી દેતા તેને બળતરા થવા લાગી હતી. આરોપી ચંદ્રકાંતે મહિલા અને તેની પુત્રી પર પ્રવાહી છાંટી આગ ચાંપી દેતા મહિલા અને તેની દીકરી બુમાબુમ કરવા લાગ્યા હતા. આસપાસમાંથી લોકો દોડી આવતા જ આગ બુઝાવી હતી અને બંનેને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. ત્યાં સોલા પોલીસને આ ઘટનાની જાણ થતાં પોલીસે આ મામલે ચંદ્રકાંત ઠક્કર સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.