અમદાવાદ : 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસને લઈને અમદાવાદીઓને વધુ એક ઓક્સિજન પાર્કની ભેટ મળવા જઈ રહી છે. ગ્રીન અમદાવાદ, ક્લીન અમદાવાદ અભિયાન અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શહેરને હરિયાળું બનાવવાની દિશામાં કામગીરી કરી રહ્યું છે. 5 જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે ત્રાગડ ખાતે ઓક્સિજન પાર્કનું ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે. જે 24,270 ચોરસ મીટર જેટલા વિશાળ પાર્કમાં આકાર પામશે.
75,000 જેટલા વૃક્ષોનું વૃક્ષારોપણ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિર્માણ પામનાર આ ઓક્સિજન પાર્કની વિશેષતા વિશે વાત કરવામાં આવે તો, આ પાર્કમાં મિયાવાકી પદ્ધતિથી 75,000 જેટલા વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવશે. 5 જૂન વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે આ પાર્કમાં 7500 જેટલા વૃક્ષો લગાવવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આકાર પામનાર આ ઓક્સિજન પાર્કમાં મુલાકાતીઓ માટે અનેક આકર્ષણો મૂકવામાં આવશે. જેમ કે, નયનરમ્ય તળાવ, આકર્ષક લોન પ્લોટ, વોકિંગ ટ્રેક, આકર્ષક ગજેબો બનાવવામાં આવશે. આ ઉપરાંત ફિટનેસ માટે ઓપન જિમ્નેશિયમનું પણ નિર્માણ કરવામાં આવશે. તેમજ યોગા પોઇન્ટ બનાવવામાં આવશે. તથા બાળકો માટે રમત-ગમતના સાધનો પણ અહીં મૂકવામાં આવશે.
શહેરમાં ઓક્સિજન પાર્ક : આ અંગે વાત કરતા અમદાવાદ શહેરના શહેરના મેયર કિરીટ પરમાર જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શહેરને લીલુંછમ બનાવી ગ્રીન કવરના વિસ્તારમાં વધારો થાય તે દિશામાં સતત કામ કરી રહ્યું છે. તેના ભાગરૂપે કોર્પોરેશન શહેરીજનો માટે વધુ એક ઓક્સિજન પાર્ક બનાવવા જઈ રહ્યું છે. આ સમગ્ર ઓક્સિજન પાર્કને મિયાવાકી પદ્ધતિથી વિકસિત કરવામાં આવશે. આ તકે શહેરના મેયર કિરીટ પરમાર, મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારસન, ધારાસભ્યો અને કોર્પોરેશનના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે.