અમદાવાદ : શહેરના ગોમતીપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી અને વકીલાત કરતી 48 વર્ષીય ફરિયાદી મહિલાના લગ્ન વર્ષ 2005માં સમાજના રીતરિવાજ મુજબ થયા હતા. જે બાદ મહિલા પતિ સાથે ગીતામંદિરમાં આવેલી કૃષ્ણનગરની ચાલીમાં રહેતી હતી. પરંતુ પતિ સાથે મનમેળ ન થતા તેણે પતિને છોડીને પોતાના પરિવારજનો સાથે રહેવાનું પસંદ કર્યું હતું. જોકે વર્ષ 2017માં યુવતીના પતિનું મૃત્યુ નીપજ્યું હતું.
શું હતો સમગ્ર મામલો : ગોમતીપુરમાં મુનીર શેઠના ટેકરા ઝૂલતા મિનારા પાસે રહેતા પપ્પુખાન ગનીખાન પઠાણ મહિલાના પિતાના મિત્ર હતા. અવારનવાર તેઓના ઘરે આવતા હતા અને પપ્પુખાન પઠાણના ભાઈ ભૂરેખાન પઠાણ સાથે ઘરે આવતા હતા. વર્ષ 2017માં મહિલાના પતિનું અવસાન થતા ભુરેખાન તેઓની પાસે આવીને પોતાની સાથે લગ્ન કરી લેવાનું કહેતા યુવતી ના પાડતી હતી. અવારનવાર ભૂરેખાન મહિલાને તને બીજાની સાથે લગ્ન નહીં કરવા દઉં તેમ જણાવતા અને બીજા સાથે લગ્ન કરીશ તો તું જેની સાથે લગ્ન કરીશ તેને મારી નાખીશ તે પ્રકારની ધમકી આપતો હતો. જેના કારણે અંતે મહિલાએ તેને વશ થઈને ભુરેખાન પઠાણ સાથે 19 ફેબ્રુઆરી 2019 ના રોજ સ્પેશિયલ મેરેજ એક્ટ મુજબ લગ્ન કર્યા હતા.
વશ ન થાય તો તેને માર મારતો : ભુરેખાન મહિલાની મરજી વિરુદ્ધ તેની સાથે સંબંધો બાંધતો હતો અને તે વશ ન થાય તો તેને માર મારતો હતો. જે બાદ ભુરેખાનના પરિવારજનો પણ તેને ત્રાસ આપતા હતા. જેના કારણે મહિલાએ 21મી નવેમ્બર 2020ના રોજ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે કેસ હાલમાં ચાલુ છે.
ઘરેલુ હિંસાની ફરિયાદ : જે બાદ ભુરેખાન અને તેના પરિવારના સભ્યોએ હેરાન ન કરવાનું કહેતા મહિલાએ જે એ સમયે જામીન અંગે વાંધો ઉઠાવ્યો ન હતો. પરંતુ જામીન મળ્યા બાદ તમામ આરોપીઓ મહિલાને દહેજની માંગ કરી ત્રાસ આપતા હતા. જેથી મહિલાએ બીજી વાર ગોમતીપુર પોલીસ મથકે 18મી મે 2022ના રોજ ઘરેલુ હિંસાની ફરિયાદ નોંધાવી હતી. જે કેસ પણ હજુ કોર્ટમાં ચાલે છે.
આ પણ વાંચો : 'અનુસૂચિત જાતિના હોવાથી અમારી પર અત્યાચાર થાય છે' કહી 45 હિન્દુઓએ અપનાવ્યો બૌદ્ધ ધર્મ
દીકરાએ મહિલા સાથે જબરદસ્તી : 29મી જાન્યુઆરી 2023ના રોજ ભુરેખાનને તેની પત્ની સાથે બહાર ફરવા જવાનું હોય તેના કપડાં મહિલાના ઘરે હોવાથી ફરિયાદી તેને કપડાં આપવા ગયા હતા. તે વખતે ઘરમાં ભુરેખાન તેનો દીકરો સલમાનખાન, સોહેલખાન , જાફરખાન ઉર્ફે જાવેડખાન અને ભુરેખાનની પત્ની હાજર હતી. ફરિયાદી ત્યાં પહોંચતા જ ભુરેખાન તેમજ તેની પત્નીએ અહીંયા કેમ આવી કહીને તેની સાથે ઝઘડો કરી મારામારી કરી તેનો ફોન ઝૂંટવી લીધો હતો. તેના દીકરા જાવેદખાને મહિલા સાથે જબરદસ્તી કરી હતી. બાદમાં પોલીસને બોલાવવામાં આવતા જાવેદખાને તે સમયે મહિલા સામે અરજી કરી હતી. જોકે તે સમયે મહિલાએ ફરિયાદ કરી ન હતી.
આ પણ વાંચો : Letter of conversion in Kutch : લાલચ સાથે ધર્મપરિવર્તનનો પત્ર, કચ્છમાં મચ્યો ખળભળાટ
જાનથી મારી નાખવાની ધમકી : જે બાદ મહિલા ઘરે પહોંચતા ભુરેખાન ત્યાં બેઠો હતો, મહિલાની માતાએ દીકરીનો ફોન ભુરેખાન પાસેથી લઈ લીધો હતો. બાદમાં ભુરેખાન ત્યાંથી જતો રહ્યો હતો. ભુરેખાન તેની પત્ની અવારનવાર ફરિયાદી મહિલાને જબરદસ્તી ધર્મ પરિવર્તન કરાવવા માંગતા હતો. ધર્મ પરિવર્તન કરી પોતાની સાથે નિકાહ કરે તો જ તેને સ્વીકારીશું અને અમારા ઘરમાં રહેવા દઈશું તેવું કહીને અવારનવાર જાનથી મારી નાખવાની તેજાબ એટેકની ધમકીઓ આપતો હતો. માથાના વાળ અને નાક કાપી નાખવાની ધમકીઓ આપવામાં આવતી હતી. અંતે આ સમગ્ર મામલે મહિલાએ મહિલાએ ગોમતીપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી અને SCST સેલ દ્વારા તપાસ કરવામાં આવતા ગુનામાં સામેલ આરોપીઓની ધરપકડ કરી છે.
પોલીસનું નિવદેન : આ અંગે SCST સેલના DYSP ઝેડ.એ. શેખે જણાવ્યું હતું કે, આ ફરિયાદના પગલે ગુનામાં સામેલ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. મહિલાઓના આક્ષેપને લઈને પકડાયેલા આરોપીઓની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. આ ગુનામાં સામેલ અન્ય આરોપીઓ અંગે પણ તપાસ હાથ ધરવામાં આવશે.