- નબળી પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમને કારણે અડાલજ બસ સ્ટેન્ડની હાલત ભંગાર
- અડાલજ એક પ્રવાસન સ્થળ છે
- હેરિટેજ વાવને કારણે જગતમાં જાણીતું છે અડાલજ
અમદાવાદ : અડાલજ નામ પડતા જ હેરિટેજ વાવ નજર સમક્ષ તરવા માંડે છે. અડાલજ એવું સ્થળ છે, જે સાબરમતી મહેસાણા હાઇવે, સરખેજ ગાંધીનગર હાઇવેનું કેન્દ્ર સ્થાન છે. સરખેજ ગાંધીનગર હાઇવે પર આવેલા અડાલજના બસ સ્ટેન્ડમાં કાંટા, ઝાડ ઉગી ગયા છે. અડાલજ પીક અપ બસ સ્ટેન્ડ ગંદકીના થર, રખડતાં ભટકતાં લોકોનું મુકામ બની ગયું છે. ભંગાર હાલતમાં પડી રહેલા એસ.જી. હાઇવે પર આવેલા બસ સ્ટેન્ડની બાજુમાં આવેલા લોખંડના બસ સ્ટેન્ડની હાલત પણ દયનીય છે.
પેસેન્જરનું મુકામ ખંડેર હાલતમાં
અડાલજના જર્જરિત બસ સ્ટેન્ડની સામેની બાજુ આવેલા બસ સ્ટેન્ડની હાલત પણ ખરાબ જ હતી, પણ માર્ગ મોટા થતા એ પણ કાટમાળમાં ફેરવાઇ ગયું છે. બસ સ્ટેન્ડ એ એવી જગ્યા છે, જ્યાં પ્રવાસીઓને જ્યાં સુધી પ્રવાસ માટેનું વાહન ન મળે ત્યાં સુધી રાહ જોવા માટેનું સ્થળ છે. જે ઠંડી, ગરમી, વરસાદથી પ્રવાસીઓને રક્ષણ આપવામાં મદદરૂપ થાય છે, પરંતુ અડાલજમાં પબ્લિક ટ્રાન્સપોર્ટનું બસ સ્ટેન્ડ ભંગાર હાલતમાં છે.
ટ્વિન સિટીના માર્ગ પર વિકાસનો ધમધમાટ
કરોડોના ખર્ચે આખાય એસ.જી. હાઇવે પર માર્ગો મોટા થઇ રહ્યા છે. ફ્લાયઓવર બની રહ્યા છે. ટ્વિન સિટી અમદાવાદ ગાંધીનગરના વિકાસ માટે ધમધમાટ ચાલી રહ્યો છે, પણ સામાન્ય પ્રજાની સુવિધાઓ પબ્લિક ટ્રાન્સપોર્ટ અને બસ સ્ટેન્ડ તરફ ઓરમાયું વર્તન રાખવામાં આવી રહ્યું છે. હાલ તો અડાલજના માર્ગો પર પ્રવાસીઓ ખાનગી અને સરકારી વાહનોમાં બેસવા રસ્તા પર ઉભા રહેવાની ફરજ પડી રહી છે.