અમદાવાદઃ અમદાવાદ વિશ્વનું પ્રથમ હેરિટેજ સિટી છે. ત્યારે આ શહેરમાં ઐતિહાસિક બોર્ડ હોય કે પછી સાબરમતી રિવરફ્રન્ટ પર તૈયાર કરવામાં આવેલ વોક વે બ્રિજ આવી અનેક જગ્યાઓ છે, જે વિશ્વભરના લોકોને અમદાવાદ આવવા મજબૂર કરી દે છે. ત્યારે હવે અમદાવાદને વધુ એક નજરાણું મળવા જઈ રહ્યું છે. અહીં સાબરમતી રિવરફ્રન્ટ તો વિશ્વ પ્રખ્યાત છે જ પરંતુ હવે અહીં ક્રૂઝ કમ ફ્લોટિંગ રેસ્ટોરાં આવી રહી છે, જે એપ્રિલ મહિનાના અંત સુધીમાં શરૂ થાય તેવી શક્યતા છે.
આ પણ વાંચોઃ PM મોદીના ડ્રીમ પ્રોજેક્ટ લોકો માટે બની ગયા 'ડ્રીમ', સી પ્લેન ને દહેજ ઘોઘા રોરો ફેરી સર્વિસ બંધ
આ ક્રૂઝ એપ્રિલ સુધીમાં નદીમાં મૂકાય તેવી શક્યતાઃ સાબરમતી રિવરફ્રન્ટ પર જ ક્રૂઝ કમ ફ્લોટિંગ રેસ્ટોરાં તૈયાર કરવામાં આવી રહી છે. આ ક્રૂઝની કામગીરી તડામારમાં રીતે ચાલી રહી છે. જાહેર જનતા માટે એપ્રિલ મહિના સુધીમાં તેને નદીમાં મૂકવામાં આવી શકે તેવી શક્યતા છે. જોકે, આ ક્રૂઝ બનાવવા માટે અક્ષર ટ્રાવેલ્સને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે. આ ક્રૂઝની ટેન્ડર પ્રક્રિયા વર્ષ 2011થી ચાલી હતી. આખરે તેની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થતા અક્ષર ટ્રાવેલ્સને આ ક્રૂઝ સંચાલન સોંપવામાં આવ્યું હતું.
આંબેડકર બ્રિજથી નહેરુ બ્રિજ વચ્ચે ચાલશેઃ ક્રૂઝ કમ ફ્લોટિંગ રેસ્ટોરાં તૈયાર કરવાની કામગીરી હાલ વાસણા બેરેજના રિવરફ્રન્ટ ખાતે ચાલી રહી છે. આ ક્રુઝને સાબરમતીના આંબેડકર બ્રિજથી નહેરૂ બ્રિજ સુધી ચલાવવામાં આવશે. આ રેસ્ટોરાંમાં 100 બાય 30 ફૂટની સાઈઝ રાખવામાં આવી છે. એટલું જ નહીં, આ ક્રૂઝમાં 150 જેટલા લોકો એક સાથે પ્રવાસ કરે શકે તેટલી ક્ષમતા છે. ઉપરાંત આ ક્રૂઝમાં 2 ફ્લોર રહેશે, જેમાં નીચેના ફ્લોર પર એર કન્ડિશન તેમ જ ઉપરનો ફ્લોર ખૂલ્લો રાખવામાં આવશે.
એક ફેરો દોઢ કલાકનો હશેઃ નહેરૂ બ્રિજથી આંબેડકર બ્રિજ સુધી અંતર કાપતા અંદાજિત 40થી 45 મિનિટનો જેટલો સમય લાગશે, જેથી કહી શકાય કે, એક ફેરો મારતા દોઢ કલાક જેટલો સમય લાગી શકે છે. આ ક્રૂઝમાં સાઉન્ડ સિસ્ટમ સહિત ભોજનની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવશે. ત્યારે અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર બોટિંગ, સાઈકલિંગ અને હેલિકોપ્ટર રાઈડ્સ પછી સૌની નજર હવે રિવર ક્રૂઝ કમ ફ્લોટિંગ રેસ્ટોરાં પર રહે તો નવાઈ નહીં.