જિલ્લા મહેસૂલ તંત્ર દ્વારા શહેરના બાપુનગર વિસ્તારમાં સુચિત સોસાયટીના વટહુકમોના વિતરણનો સાતમો ઓપન હાઉસ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે તમામ દાવા, પ્રમાણપત્ર તથા પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મુખ્યપ્રધાન દ્વારા 3500 થી વધુ હુકમોનું વિતરણ કરવામાં આવ્યું હતું. સૂચિત સોસાયટીના કાયદા અનુસાર ગેરકાયદેસર મકાનને કાયદેસર કરવા માટે 6 જેટલા ઓપન હાઉસ કાર્યક્રમ યોજાયા છે. જેમાં 6400 જેટલાં હુકમનું વિતરણ કરાયું હતું. તેમજ 10 હજારથી વધુ મકાનો કાયદેસર કરાયાં છે.
સામાન્ય રીતે મહેસૂલ વિભાગના કામો મેળવવા માટે ગાંધીનગર મહેસૂલી કચેરી તથા કલેકટર કચેરી ખાતે જવું પડે છે, પરંતુ હવે રાજ્યનું મહેસૂલ વિભાગ પણ હાઈટેક બન્યું છે. જેથી ખેડૂતો અને જમીન માલિકો દસ્તાવેજી કામકાજ માટે સરકારી કચેરીઓના ધક્કા ખાવ નહીં પડે. ખેડૂતોને હવે માત્ર એક જ ક્લિકમાં તમામ હુકમો અને દસ્તાવેજો મળી રહેશે.
મહેસૂલ વિભાગની વેબસાઈટ પર 8 કરોડ જેટલાં દસ્તાવેજો ઓનલાઈન કરવામાં આવ્યા છે. જેના પગલે 1931થી અત્યાર સુધીના બધા જ 7/12ના ઉતારા ખેડૂતને મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.