અમદાવાદ : અમદાવાદમાં ભગવાન જગન્નાથની 146મી રથયાત્રાના અવસરને લઈને મંદિર બહાર વહેલી સવારથી ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું હતું. આ રથયાત્રાને લઈને સમગ્ર રાજ્યના લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સરકાર પણ આ યાત્રાને લઈને ઘણી સતર્ક છે અને આ યાત્રા દરમિયાન પ્રથમ વખત એન્ટી ડ્રોન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ડ્રોન દ્વારા રથયાત્રાનો આકાશી નજારો પણ સામે આવી રહ્યો છે.
પોલીસનો ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા : અમદાવાદમાં રથયાત્રા દરમિયાન કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે અને મોટી સંખ્યામાં પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. રથયાત્રા પૂર્વે શહેરમાં પોલીસ વિભાગ દ્વારા રિહર્સલ પણ કરવામાં આવ્યું હતું. જેમાં જરૂરી સુધારા વધારા પણ કરવામાં આવ્યા હતા. ત્યારે આ વર્ષે રથયાત્રાના સમગ્ર રૂટ પર 3D મેપિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. જેમાં ખાસ ચિહ્નિત પોઈન્ટ્સ પણ હશે. જેમાં ભગવાન જગન્નાથની રથયાત્રામાં આ વખતે ભગવાનનો રથ ક્યાં પહોંચ્યો છે, તેની પળેપળની ખબર પોલીસને મળશે.
રથયાત્રા પર બાજ નજર : ભગવાન જગન્નાથની રથયાત્રાને પગલે અમદાવાદ શહેર પોલીસની સાથોસાથ ગૃહ વિભાગ પણ સંકલનમાં જોડાયું છે. ગાંધીનગરમાં આવેલા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર થકી પણ રથયાત્રા પર બાજ નજર રાખવામાં આવશે. અમદાવાદમાં જગન્નાથ મંદિર ખાતે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ મુલાકાત લીધી હતી અને રથયાત્રાના રોડ ઉપર સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ નિરીક્ષણ કર્યું હતું.
પ્રથમ વખત એન્ટી ડ્રોન : રાજ્ય સરકારના પ્રધાન હર્ષ સંઘવીનું કહેવું છે કે, રથયાત્રા દરમિયાન અનધિકૃત ડ્રોનનો ઉપયોગ ન થાય તે માટે પ્રથમ વખત એન્ટી ડ્રોન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. રાજ્યભરમાં અનેક જિલ્લામાં રથયાત્રાઓ કાઢવાની તૈયારીઓ છે. ભારે પોલીસ ફોર્સ અને CCTV કેમેરા યાત્રા દરમિયાન સુરક્ષા સુનિશ્ચિત કરશે. ઉલ્લેખનીય છે કે, આ વખતે પોલીસ વિભાગ અને સરકાર દ્વારા લોકોની સુરક્ષા તેમજ શાંતિ પૂર્ણ માહોલમાં સમગ્ર રથયાત્રાનો ઉત્સવ સંપન્ન થાય તે માટે અગાઉથી મહેનત કરવામાં આવી હતી.
- Ahmedabad Rath Yatra 2023: જગતના નાથ આજે નગરચર્યાએ, ભક્તો લેશે વધામણા, રંગેચંગે નીકળશે રથયાત્રા
- Ahmedabad Rathyatra 2023: અમિત શાહ જગન્નાથ મંદિરમાં મંગળા આરતી કરશે, 75 કરોડના પ્રોજેક્ટો ખુલ્લા મુકશે
- Valsad Rathyatra 2023: વલસાડમાં 28મી જગન્નાથ યાત્રા નીકળશે, ધાર્મિક કાર્યક્રમમાં વાતાવરણ ન બગાડવા પોલીસની અપીલ