અમદાવાદ : નિકોલમાં એક મહિલા સાથે બળાત્કારની ફરિયાદ નોંધાઈ છે. પુત્રની જન્મકુંડળી કઢાવવા અને ઘરમાં સત્યનારાયણની કથા કરાવવા મહિલાએ જ્યોતિષનો સંપર્ક કર્યો હતો. જે બાદ જ્યોતિષે મહિલાનો પતિ બહાર ગયો હોવાથી તેના ઘરે ગયો હતો. મહિલાની એકલતાનો લાભ લઇને બળજબરીથી પકડીને બળાત્કાર ગુજાર્યો હતો. આ અંગે મહિલાએ જ્યોતિષ સામે નિકોલ પોલીસ સ્ટેશનમાં બલાત્કાર સહિતની કલમ હેઠળ ફરિયાદ નોધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી છે.
પરણિત મહિલા : પોલીસમાંથી મળતી સત્તાવાર માહિતી અનુસાર કઠવાડામાં 36 વર્ષીય મહિલા પરિવાર સાથે રહે છે. જેમાં મહિલાના પ્રથમ લગ્ન ડભોડાના યુવક સાથે થયા હતા. પરંતુ પતિ દારૂ પીવાની ટેવ ધરાવતો હોવાથી મનમેળ ન આવતા મહિલાએ છૂટાછેડા લીધા હતા. જે બાદ મહિલાએ વર્ષ 2018 માં એક યુવક સાથે પ્રેમલગ્ન કર્યા હતા. ત્યારે મહિલાને પહેલા પતિ દ્વારા સંતાનમાં બે પુત્રો હતા.
જ્યોતિષની નિયત બગડી : મહિલાના ઘરે સત્યનારાયણની કથા કરાવવાની હોવાથી તેમજ પુત્રની જન્મકુંડળી કાઢવાની હોવાથી તેને બ્રિજેશ ત્રિવેદી નામના જ્યોતિષ સાથે સંપર્ક કર્યો હતો. ગત 28 જુલાઈએ મહિલાનો પતિ બહાર ગયો હોવાથી મહિલા તેના ઘરે એકલી હતી. તે સમયે જ્યોતિષ તેના ઘરે આવ્યો હતો.
આ મામલે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી છે. આરોપી પોતે પરિણીત છે. આરોપીને મહિલા સાથે અવારનવાર વાતચીત થતી હતી. તેણે મહિલાની એકલતાનો લાભ લઈને તેની પર બળાત્કાર ગુજાર્યો હતો. હાલ આ આરોપીની વધુ તપાસ ચાલુ છે.-- કુણાલ દેસાઈ (ACP, આઇ ડીવીઝન-અમદાવાદ)
એકલતાનો ગેરલાભ : આરોપીએ સત્યનારાયણ કથાના સામાનનું લિસ્ટ તૈયાર કરાવડાવ્યું હતું. ત્યારબાદ મહિલા બાથરૂમમાં ગઈ હતી. તે સમયે જ્યોતિષે ઘરનો દરવાજો બંધ કરીને મહિલા જેવી બાથરૂમમાંથી બહાર આવી ત્યારે તેને બળજબરીથી પકડીને બેડરૂમમાં લઇ જઇને બળાત્કાર ગુજાર્યો હતો. તેમજ આ અંગે કોઇને કહીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપીને જ્યોતિષ જતો રહ્યો હતો. આ અંગે મહિલાએ બ્રિજેશ ત્રિવેદી સામે નિકોલ પોલીસ સ્ટેશનમાં બલાત્કાર સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.