અમદાવાદ: અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી ભારે ગરમીનો અનુભવ થઈ રહ્યો હતો. પરંતુ આજે સાંજે અચાનક ભારે પવન તેમજ વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. શહેરમાં વિવિધ વિસ્તારમાં ઝાડ પડતા ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. જેના કારણે વાહનચાલકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
વૃક્ષો ધરાશાયી: શહેરમાં સાંજે ભારે પવન સાથે વરસાદ વરસતા શહેરમાં 50 જેટલા વૃક્ષો પડવાની ઘટના સામે આવી છે. ઝાડ પડતાં જ અનેક વાહનોને નુકસાન પણ થયું હતું. જેમાં પૂર્વ ઝોનમાં 17 જેટલી જગ્યા પર ઝાડ પડ્યા હોવાની ફરિયાદ મળી હતી. જેથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પૂર્વ ઝોનમાં સાત ટ્રેક્ટર મોકલીને રસ્તા ઉપરથી વૃક્ષો ખસેડવાની કામગીરી શરૂ કરી હતી.
એક વ્યક્તિનું મોત: મોડી સાંજે પડેલા વરસાદમાં સરસપુર ખાતે આવેલ ગોદાણી સર્કલ પાસે ઉભેલી રીક્ષા ઉપર એક મોટું વિશાળ વૃક્ષ પડતાં જ 50 વર્ષીય એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. ત્યાં જ તેનું મોત નીપજ્યું હતું તે મૂળ વતન રાજસ્થાન હોવાથી તેના મૃતદેહ રાજસ્થાન મોકલવામાં આવ્યો છે. આ ઉપરાંત શહેરમાં ભારે પવન સાથે વરસેલા વરસાદમાં હોર્ડીંગ પડી ગયા હતા.
ભુવો પડતા ગાડી ભુવામાં ખાબકી: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સારી ગુણવત્તાવાળા રોડ બનાવવામાં આવી રહ્યા હોય તેવા દાવા કરવામાં આવતા હોય છે. આજે મોડી સાંજે પડેલા સામાન્ય વરસાદમાં જ ફતેવાડી વિસ્તારમાં એક મોટો ખાડો પડ્યો હતો. જેની અંદર આખી કાર ખાબકી હતી. આ પહેલા જ ઓઢવ વિસ્તારમાં બનાવવામાં આવેલો રોડ માત્ર 24 કલાક ભુવો જ પડ્યો હતો.
પ્રિ મોન્સૂન કામગીરી પર સવાલ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લાખો રૂપિયા ખર્ચને કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે. ત્યારે એવા પણ દાવા કરવામાં આવતા હોય છે. પરંતુ આજે સામાન્ય વરસાદમાં જ તેમની કામગીરી સામે સવાલો ઊભા થઈ રહ્યા છે. કોર્પોરેશન દ્વારા રોડ બનાવનારા કોન્ટ્રાક્ટરોને કરોડો રૂપિયા ફાળવવામાં આવે છે. પરંતુ હજુ પણ સારી ગુણવત્તાવાળા રોડ બનાવવામાં નિષ્ફળ નીકળ્યા છે. હજુ તો સામાન્ય વરસાદમાં જ આવી પરિસ્થિતિ ઊભી થઈ હોય તો ચોમાસામાં કેવા પ્રકારની પરિસ્થિતિ ઉભી થશે તે સ્પષ્ટ જોવા મળી રહ્યું છે.