અમદાવાદઃ અમદાવાદમાં પોલીસ કર્મચારીઓને કોરોના પોઝિટિવના કિસ્સાઓ વધી રહ્યાં છે, ત્યારે પોલીસ પણ કોરોનાની ઝપટમાં આવી છે અને પ્રથમવાર પોલીસ ઈન્સ્પેક્ટરનો કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે.
ખાડિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીઆઇ પિયુષ સોલંકીને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેને લઈને હાલ તેઓને સારવાર હેઠળ રાખવામાં આવ્યાં છે. પીઆઇ પોલીસ સ્ટેશનના તમામ લોકોના સંપર્કમાં આવ્યાં છે, જેથી સમગ્ર પોલીસ સ્ટેશનનો સ્ટાફ હોમ ક્વોરેન્ટાઇન કરવો પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે.
ખાડિયા પોલીસ સ્ટેશનના પીઆઇએ 16મી તારીખે રિપોર્ટ કઢાવ્યો હતો. જો કે, તેઓએ ડોક્ટરને રિપોર્ટ અંગે પૂછતાં મહિલા ડોક્ટર તેમને હજુ રિપોર્ટ આવ્યો નથી, તમે લીંબુ વધારે પીઓ તેવી સલાહ આપતા હોવાની એક ઓડિયો કલીપ પણ વાયરલ થઇ હતી. તેવામાં આજે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને તાત્કાલિક સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યાં છે.
આ સાથે જ ખાડિયા પોલીસ સ્ટેશનના સ્ટાફને કે જેઓ આ પોલીસ ઈન્સ્પેક્ટરના સંપર્કમાં આવ્યા હતા. તે તમામને હોમ ક્વોરેન્ટાઇન કરવાની પણ તૈયારીઓ ચાલી રહી છે. આરોગ્ય વિભાગે પીઆઇને કેવી રીતે ચેપ લાગ્યો તેની તપાસ શરૂ કરી છે. આ સાથે જ તેમના પરિવારજનોને પણ હોમ ક્વોરેન્ટાઇન કરી ટેસ્ટ કરવાની કામગીરી હાથ ધરી છે.