અમદાવાદ: સમગ્ર દેશમાં ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયાને ઘણો સમય વીતી ચૂક્યો છે. ત્યારે હોશિયાર વિદ્યાર્થીઓ નીટ અને જેઇઇની પરીક્ષા આપીને પોતાનું કરિયર મેડિકલ અને એન્જિનિયરિંગની ક્ષેત્રમાં બનાવવા માગતા હોય છે. આ પરીક્ષાઓના આધારે જ દેશની શ્રેષ્ઠ ઇન્સ્ટિટ્યૂટમાં મેરીટ યાદી પ્રમાણે પ્રવેશ મળે છે.
કેન્દ્ર સરકાર દ્વારા બે વખત પરીક્ષાઓના કાર્યક્રમ જાહેર કરીને કોરોના મહામારીના કારણે તેને રદ્દ કરવામાં આવ્યા છે અને હવે સપ્ટેમ્બર મહિનામાં પરીક્ષા યોજવાનું જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે જે રાજ્યોમાં ભાજપની સરકાર નથી, તે રાજ્યોએ કોરોના વાઇરસના સંક્રમણને લઈને વિદ્યાર્થીઓ પર કોરોનાનું જોખમ જોતા આ પરીક્ષાઓ રદ કરવાની માગ કરી છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં રાજ્યકક્ષાની ગુજકેટની પરીક્ષા તાજેતરમાં જ સફળતા પૂર્વક યોજાઈ હતી. જેમાં 1,27,000 જેટલા વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી. જો આંકડાઓની વાત કરવામાં આવી તો, જેઇઇ માટે ગુજરાતમાંથી 38 હજાર વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે અને બંને પરીક્ષાઓ મળીને ગુજરાતમાં કુલ 1,20,000 જેટલા વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હોવાનું મનાય છે. દેશમાં કુલ 26 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષામાં જોડાવાના છે. ત્યારે આ પરીક્ષા ઉપર કોરોના વાઇરસના સંક્રમણનો ભય સતાવી રહ્યો છે.
કોંગ્રેસ અને તેની યુવા પાંખ એનએસયુઆઇ દ્વારા પણ આ પરીક્ષાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. પરંતુ શિક્ષણ જગતના નિષ્ણાંત, ડોક્ટર અને વિદ્યાર્થીઓનું માનવું છે કે, આ પરીક્ષાઓ વિદ્યાર્થીઓના ભવિષ્યને જોતા યોજવી જોઇએ. પરંતુ વિદ્યાર્થીઓની સલામતીને લઈને તમામ પ્રકારના જવાબદારી કેન્દ્ર સરકારની રહેશે.
ઉલ્લેખનીય છે કે, આ પરીક્ષાઓને રાજકીય રંગ અપાતા આશ્ચર્ય ફેલાયું છે. કારણ કે, એક તરફ રોજગાર માટે લોકો ભરતી પરીક્ષા લેવાની વાત અમુક લોકો કરી રહ્યા છે. ત્યારે અભ્યાસ હેતુની આ પરીક્ષાઓનો રાજકીય વિરોધ થઈ રહ્યો છે.