અમદાવાદ : વર્લ્ડકપ 2023ની મેચને લઈને અમદાવાદ પોલીસનો લોખંડી બંદોબસ્ત નરેન્દ્ર મોદી સ્ટેડિયમની અંદર અને આસપાસના વિસ્તારોમાં ગોઠવી દેવાયો છે. ગુરુવારથી વર્લ્ડ કપ 2023નો અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પ્રારંભ થયો છે. સ્ટેડિયમ ખાતે એન્ટી ડ્રોન સિસ્ટમ અને બોમ્બ ડીસ્પોજલ ટુકડી સહિતનો પોલીસ કાફલો ખડકી દેવાયો છે.
સુરક્ષા બંદોબસ્તના કાફલા પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા માટેના પગલાં અંગે અમદાવાદ ડીસીપી કંટ્રોલ કોમલ વ્યાસે જાણકારી આપી હતી. ડીસીપી કંટ્રોલ કોમલ વ્યાસે સુરક્ષા બંદોબસ્તના કાફલાની તમામ વિગતો આપતાં જણાવ્યું હતું કે વર્લ્ડ કપ મેચો દરમિયાન 3 એડી. CP, 13 DCP, 18 ACP, 56 PI, 117 PSI, 3500 પોલીસ, 1 SRP કંપની, 500 હોમગાર્ડનો કાફલો તહેનાત રહેશે.
સર્વેલન્સ સીસ્ટમની તૈયારીઓ આ ઉપરાંત 2000 સીસીટીવી કેમેરા, 700થી 1000 બોડી વોર્ન કેમેરા ઉપરાંત બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડની નવ ટીમો, સ્નીફર ડોગ સ્કવોર્ડ પણ ખડેપગે રહેશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે મીની કંટ્રોલ રૂમ પણ તૈયાર કરાયો છે. મેચ જોવા આવતાં ક્રિકેટરસિક પ્રેક્ષકો અને તેમની સાથે લાવવામાં આવતી ચીજવસ્તુઓની ચકાસણી માટે 50 ડોર ફ્રેમ મેટલ ડિટેક્ટર, 200 હેન્ડ હેલ્ડ મેટલ ડિટેક્ટરની મદદ લેવામાં આવી રહી છે.
સતત પેટ્રોલિંગ ડીસીપી કંટ્રોલ કોમલ વ્યાસે વધુમાં જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 1 એન્ટી ડ્રોન સિસ્ટમ, પાંચ કવીક રિસ્પોન્સ ટીમ સ્ટેન્ડ બાય રહેશે. આ ઉપરાંત 14 વ્રજ વાહનોનો શહેરમાં પેટ્રોલિંગ કરતાં રહેશે. મેચના પ્રથમ દિવસે ગાંધીનગરથી 40 હજાર જેટલી મહિલાઓ મેચ જોવા આવવાની હોવાથી 50 મહિલા પોલીસ અલગથી બંદોબસ્તમાં તહેનાત રહી હતી. તેની સાથે 2 પીઆઈ અને 4 મહિલા પીએસઆઇ બંદોબસ્તમાં તહેનાત કરાયા છે.
2000 સીસીટીવીનું સતત મોનિટરિંગ : મેચ દરમિયાન પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા શહેરનાં વિવિધ વિસ્તારોમાં ગોઠવવામાં આવેલાં બે હજાર સીસીટીવી કેમેરાનું સતત મોનીટરીંગ કરવામાં આવશે. કોઈ પણ શંકાસ્પદ હાલતમાં ત્વરિત પગલાં લેવામાં આવશે. કેનેડા દ્વારા આતંકી નિજ્જરની હત્યા મામલે કરાયેલા આક્ષેપને પગલે સ્ટેડિયમમાં કોઈ ખાલીસ્તાની સમર્થક પ્રવેશ ન કરે તેને લઈને પણ ખાસ તકેદારી રાખવામાં આવશે તેમ પણ પોલીસ અધિકારી દ્વારા જણાવાયું હતું. સ્ટેડિયમ આવતા જતા રસ્તાઓ પર પણ સઘન પોલીસ ચેકીંગ કરવામાં આવશે.
- New Zealand and England Match : વડોદરાના યુવાનોએ વેસ્ટ ઇન્ડિઝ ટીમને યાદ કરી, નોકરીમાં બહાનું કરીને આવ્યા મેચ જોવા
- World Cup Match in Ahmedabad : ઈંગ્લેન્ડના ક્રિકેટપ્રેમીઓ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચ્યાં, ફાઇનલમાં આ બે દેશ ટકરાય તેવી ઇચ્છા
- World cup 2023: નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આજથી વિશ્વકપનો પ્રારંભ, મેચને લઈને પોલીસનો લોખંડી બંદોબસ્ત