અમદાવાદ : અમદાવાદ મહાનગરપાલિકાની બેદરકારીને અને ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરને કારણે હાટકેશ્વર બ્રિજ નબળી ગુણવત્તાનો બન્યો હતો તે સામે આવી ગયું છે. હાટકેશ્વર બ્રિજને લઈને જે કમિટી બનાવવામાં આવી હતી કમિટી એ પોતાનો વચગાળાનો રિપોર્ટ આપ્યો છે અને જેમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે બ્રિજ બનાવવા માટે જે મટીરીયલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે હલકી ગુણવત્તાનું હતું અને તેને જ કારણે બ્રિજ થોડા વર્ષોમાં ઉતારી લેવો પડે તેવી સ્થિતિ સર્જાઇ છે. બ્રિજ જોખમી હોવાથી તેનો ઉપરનો સમગ્ર ભાગ ઉતારી લેવા માટે ભલામણ કરવામાં આવી છે.
બ્રિજ તોડવા માટેનો ખર્ચ વસૂલાશે : વચગાળાના રિપોર્ટને આધારે પિલ્લર સિવાયનો તમામ ભાગ તોડી દેવામાં આવશે અને પિલરનો રિપોર્ટ આવ્યા બાદ તે અંગે નિર્ણય કરવામાં આવશે. જોકે મહત્વની બાબતે છે કે ઉપરનો ભાગ નબળો હોય તો પિલ્લર પણ નબળા હોય તેવી સંપૂર્ણ શક્યતા છે અને આથી આખો બ્રિજ નવો બનાવવામાં આવશે. બ્રિજ બનાવવાની સંપૂર્ણ ખર્ચ કોન્ટ્રાક્ટર અજય ઇન્ફા દ્વારા ચૂકવવામાં આવશે. આ સાથે બ્રિજ તોડવા માટેનો ખર્ચ તોડવા પણ કોન્ટ્રાક્ટર પાસેથી વસૂલ કરવામાં આવશે.
આ પણ વાંચો Bridge Scam: હાટકેશ્વર બ્રિજ કૌભાંડમાં AMC અને BJP અધિકારીને બચાવવામાં લાગી છે, વિપક્ષનો આક્ષેપ
એફઆઈઆર નોંધાવાઇ : વચગાળાના રિપોર્ટ બાદ કોર્પોરેશન દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી છે તેની વાત કરીએ તો કોન્ટ્રાક્ટર અજય ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પીએમસી કન્સલ્ટન્ટ એસ.જી એસ ઇન્ડિયા સામે એફઆઈઆર કરવામાં આવી છે. આ સાથે કોન્ટ્રાક્ટર અજય ઇન્ફ્રા તેમજ એપીએમસીના જ્યાં કામ ચાલતા હશે તે રોકી દેવામાં આવશે અને તેેેને બ્લેકલિસ્ટ કરવામાંં આવ્યા છે. કોન્ટ્રાક્ટર અને પીએમસી કંપની ઉપરાંત કોર્પોરેશનના જવાબદાર લોકો સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે.
ફરજ પરથી દૂર : જેઓને ફરજ પરથી દૂર કરવામાં આવ્યા છે. જેમાં સતીશ પટેલ (બ્રિજ કામગીરી દરમિયાન ટેકનિકલ સુપરવાઇઝર) હતા અને હાલ આસિસ્ટન્ટ ઇજનેર, અતુલ પટેલ (આસિસ્ટન્ટ ઇજનેર), આશિષ પટેલ (આસિસ્ટન્ટ સીટી ઇજનેર), મનોજ સોલંકી (બ્રિજ કામગીરી દરમિયાન આસિસ્ટન્ટ સીટી એન્જીનીયર ) હતા અને અત્યારે ડેપ્યુટી સીટી તરીકે કાર્યરત છે જેઓને સસ્પેન્ડ કરાયા છે. ત્યારે જે અધિકારીઓ રિટાયર્ડ થઈ ગયા છે તેવા સામે કાર્યવાહી ર્થશે. રીટાયર્ડ અધિકારીઓમાં પી.ડી પટેલ, નિવૃત્ત ડેપ્યુટી સિટી ઇજનેર, પરેશ શાહ એડિશનલ સિટી ઇજનેર, પરેશ પટેલ એડિશનલ સીટી ઇજનેર, હિતેશ કોન્ટ્રાક્ટર, ઇન્ચાર્જ એડિશનલ સિટી ઇજનેર સામેલ છે.
આ પણ વાંચો Ahmedabad News : બ્રિજની ડિફેક્ટ લાયેબિલિટી પિરિયડ 3 વર્ષ વધારીને 10 વર્ષની કરવા વિપક્ષની માંગ
પલ્લવ બ્રિજની તપાસ થશે? : આમ કોર્પોરેશન દ્વારા ઉદાહરણ બેસે તેવી કામગીરી કરવામાં આવી છે. પરંતુ પ્રશ્ન એ છે કે આ તો હાટકેશ્વર બ્રિજનો મુદ્દો ચગ્યો હતો અને થોડા વર્ષોમાં બ્રિજ ખખડી જતા કાર્યવાહી કરવામાં આવી. પરંતુ આવા કેટલા પ્રોજેક્ટ હશે જેમાં મટીરીયલ ખરાબ વાપરવામાં આવતું હશે તે એક પ્રશ્ન છે. આ સાથે આ કોન્ટ્રાક્ટર દ્વારા બનાવવામાં આવતા પલ્લવ બ્રિજ અને અન્ય કામોમાં પણ તપાસ થાય તેવી ચર્ચા ચાલી છે.
એએમસી વિપક્ષ નેતાના આક્ષેપ : આ અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા શહેજાદખાન પઠાણે જણાવ્યું હતું કે આ મામલે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ અને જે પણ અધિકારીઓ કર્મચારીઓ દ્વારા ગેરરીતિ આચરવામાં આવી છે તે વ્યક્તિઓ સામે પગલાં લેવા જોઈએ અને અમદાવાદના તમામ બ્રિજની ગુણવત્તા ચકાસવી જોઈએ.
કમિશનરનું નિવેદન : આ અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર એમ થેનારસને જણાવ્યું હતું કે કમિટીના રિપોર્ટ આવ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી દિવસોમાં બ્રિજના પીલ્લરનો પણ રિપોર્ટ આવશે, ત્યારે પિલ્લર તોડવા કે રાખવા તે અંગે તે સમયે નિર્ણય લેવામાં આવશે. જો કે હાલ તો બ્રિજની ઉપરનો તમામ ભાગ તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને સાથે જ કોન્ટ્રાક્ટર સામે પોલીસ ફરિયાદ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.