અમદાવાદ : યુરોપીય દેશ સ્વીડનમાં પવિત્ર ગ્રંથ કુરાન શરીફને બાળીને તેનું અપમાન કરવામાં આવ્યું હતું. આ પ્રકારની ઘટનાને લઇને દુનિયાભરના મુસ્લિમ સમુદાય દ્વારા વખોડવામાં આવી રહી છે અને સ્વીડન સરકાર સામે વિરોધ પ્રદર્શન પણ યોજાઇ રહ્યાં છે. આ કડીમાં અમદાવાદમાં મુસ્તુફા રઝા એકેડમી દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો હતો.
મુસ્તુફા રઝા એકડમી દ્વારા વિરોધ : અમદાવાદ સ્થિત મુસ્તુફા રઝા એકેડમી દ્વારા સ્વીડન દેશમાં મુસ્લિમ ધર્મના પવિત્ર ધર્મ ગ્રંથ કુરાન શરીફને બાળીને કરવામાં આવેલ અપમાનને કારણે સમગ્ર મુસ્લિમ સમુદાયની લાગણી દુભાયેલ છે તેમજ આસ્થાને ઠેસ પહોંચાડવામાં આવેલ છે. તેથી આ ગેરધાર્મિક કાર્યક્રમ કરનાર રાસ્મસ પાલુડનની વિરુદ્ધમાં દેખાવ કરવામાં આવ્યાં હતાં.જેમાં મુસ્તુફા રઝા એકડમીના સભ્યો તથા સ્થાનિક રહીશોએ ભાગ લીધો હતો.
કુરાન શરીફ સમગ્ર વિશ્વના લોકોને સાચા માર્ગ પર ચાલવાનું શીખવે છે. સ્વીડનમાં આવા કૃત્યને કારણે સમગ્ર વિશ્વમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે અને ભારતમાં પણ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. આ જ મુદ્દે, મુસ્તફા રઝા એકેડમી દ્વારા પણ અમદાવાદમાં સ્વીડન સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને અમે માગ કરીએ છીએ કે આ કામ કરનાર શૈતાનને વહેલી તકે ફાંસી આપવામાં આવે... ઈકબાલ શેખ (ગોમતીપુરના કાઉન્સેલર)
ગોમતીપુર ઝૂલતા મિનારા પાસે એકઠાં થયાં : ગોમતીપુરના કાઉન્સેલર ઈકબાલ શેખે આ મુદ્દે કહ્યું કે સ્વીડનમાં ઈદ અલ-ઝહા નિમિત્તે પવિત્ર ધર્મ ગ્રંથ કુરાન શરીફને બાળીને કરવામાં આવેલ અપમાન મામલે મુસ્તફા રઝા એકેડેમી વતી મોટી સંખ્યામાં મુસ્લિમો ગોમતીપુર ઝૂલતા મિનારામાં એકઠા થયા હતા અને ઈસ્લામના પવિત્ર પુસ્તક કુરાન શરીફના અપમાન બદલ વિરોધમાં પ્રદર્શન કર્યુ. સ્વીડન સરકારના વિરોધમાં પ્રદર્શન કર્યું હતું.
જે રીતે કુરાનનું અપમાન થઈ રહ્યું છે અમે કુરાનની મહિમાને કમ કરનારાઓને રોકવા માંગીએ છીએ. ઘણા લોકોએ પ્રયાસ કર્યો છે કે કુરાનની મહાનતા ઘટાડવું જોઈએ. પરંતુ કુરાન ગઈકાલે જીવંત હતું અને મુસ્લિમોના હૃદયમાં હજી પણ જીવંત છે. તેની મહાનતા આજે પણ એટલી જ છે...ઈમામ અબ્દુલ ગફાર રિઝવી(ચારતોડા કબ્રસ્તાન)
ફાંસી આપવા માગણી : આ પ્રસંગે સામાજિક કાર્યકર ફૈયાઝ ખાને જણાવ્યું હતું કે સ્વીડનમાં જે મુદ્દો સામે આવ્યો છે તેની સામે અમે અવાજ ઉઠાવ્યો છે. અમે સ્વીડનની તમામ પ્રોડક્ટનો બહિષ્કાર કરવા મેદાનમાં આવ્યા છીએ. મુસ્લિમ કોમ શાંતિપ્રિય કોમ છે. વિશ્વભરમાં શાંતિ ફેલાવે છે. અમે ઈચ્છીએ છીએ કે સ્વીડિશ સરકાર આવી હરકત કરનારની તાત્કાલિક ધરપકડ કરે અને ફાંસી આપે.