અમદાવાદ : ગાંજાના છોડને બધા લોકો ઓળખી શકતાં નથી હોતાં. જેનો ગેરલાભ ઉઠાવીને નશાના આદી લોકો દ્વારા સરેઆમ જાહેરમાં પણ ગાંડાના છોડ ઉગાડવામાં આવી રહ્યાં છે કે શું? શંકાની આ અણિયાળી સોય એટલા માટે તકાઇ રહી છે કે રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં ગાંજાના છોડ મળ્યાં હતાં. તેમ જ હજુ ગઇકાલે જ સોમવારે ગુજરાત યુનિવર્સિટીમાંથી ગાંજાના છોડ મળી આવ્યાં છે. એવામાં ખુદ અમદાવાદ કોર્પોરેશનની નર્સરીમાંથી પણ ગાંજાનો છોડ મળી આવ્યો છે.
ક્યાં મળ્યો ગાંજાનો છોડ : આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત નર્સરીમાંથી ગાંજાનો છોડ મળી આવ્યો છે. જાણવા મળ્યા મુજબ અમદાવાદના રીવરફ્રન્ટ પાસે કોર્પોરેશનની ઓફિસ છે ત્યાંથી ગાંજાનો છોડ મળ્યો છે. આ ઉપરાંત અમદાવાદના વિજય ચાર રસ્તા પાસે આવેલ નર્સરીમાં ગાંજાનો છોડ સુકાયેલો મળી આવ્યો છે. જેને પગલે ગાંજાનો છોડ કોણ ઉગાડી રહ્યું છે તે પ્રશ્ન સાથે ચર્ચા ચાલી હતી.
જાતે ઉગ્યો? : જોકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનો દાવો છે કે આ છોડ તેની જાગે ઉગી નીકળ્યો છે. AMC આગામી સમયમાં તમામ નર્સરીઓમાં જઇ તપાસ કરશે અને આવા પ્રકારના છોડ મળશે તો તેને દૂર કરશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત નર્સરીની અંદર ગાંજાનો છોડ તેની જાતે ઉગીને નીકળેલો મળી આવ્યો છે. આનું કોઈ ઈરાદાપૂર્વક વાવેતર કરેલું હોય તેવું નથી. ગાંજાના છોડનું ઈરાદાપૂર્વક વાવેતર કરેલું હોય અને બીજુ વાવેતર ન કર્યું હોય. આ બન્નેમાં અંતર એ છે કે કોઈપણ જગ્યાએ આપ ખાતર મંગાવતા હોય કે બહારથી માટી આવી હોય, અથવા કોઈ છોડ વાવવા માટે લાવ્યા હોય તેની માટી હોય કે પછી પક્ષીઓની ચરક હોય અને જંગલી પક્ષીઓ દ્વારા તેના બી જમીનમાં પડતા હોય છે. ચોમાસાની ઋતુ છે અને ભેજવાળા વાતાવરણને કારણે તે આપોઆપ ઉગી નીકળતા હોય છે...જીજ્ઞેશ પટેલ(ડાયરેક્ટર, એએમસી ગાર્ડન વિભાગ)
ચોમાસાનું વાતાવરણ અનુકૂળ : જીજ્ઞેશ પટેલે વધુમાં કહ્યું હતું કે જંગલી પ્રકારના આવા બી તેને જમીનમાં યોગ્ય ભેજ અને વાતાવરણ મળે ત્યારે તે ઉગી નીકળે છે. આને આપણે જંગલી ઘાસ કહીએ છીએ. તમારી જમીનમાં મુખ્ય પાક કરતાં તેની સાઈડમાં આવા છોડ હોય છે, તેને આપણે દૂર કરીએ છીએ.
મોટો થાય પછી ઓળખી શકાય : પટેલે વધુમાં ઉમેર્યું હતું કે ગાંજાના છોડ નહી પણ જંગલી ઘાસ ઉગે તો અમે તેને દૂર કરતાં જ હોઈએ છીએ. ગાંજાનો છોડ જ્યારે ઉગે ત્યારે શરૂઆતના ગાળામાં તેને ઓળખવો મુશ્કેલ હોય છે. ગલગોટાના છોડ હોય તેને આ છોડ મળતો આવતો હોય છે. ગાંજાનો છોડ 3 ફૂટ કે તેનાથી વધુ મોટો થાય ત્યારે અથવા તો આવી ખેતી સાથે સંકળાયેલ વ્યક્તિ હોય તે તેને ઓળખી શકે છે.
તપાસમાં એફએસએલ જોડાશે? : ગઈકાલ સોમવારે ગુજરાત યુનિવર્સિટીમાંથી ગાંજાનો છોડ મળ્યો હતો, ત્યારે તે મામલે એફએસએની મદદ લેવાઈ હતી અને પંચનામું કરાયું હતું. તેમજ એફએસએલનો રીપોર્ટ આવશે પછી કાર્યવાહી કરાશે. હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આમ કરશે કે કેમ?