અમદાવાદ: સુરક્ષિત સફર નામની એપ અંદાજે 10 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવી હતી અને આજે રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાના હાથે શહેર પોલીસ કમિશ્નર આશિષ ભાટિયા, CID ક્રાઈમના એડિશનલ DG સંજય શ્રીવાસ્તવ તથા રેલ્વે વિભાગના અનેક અધિકારીઓની હાજરીમાં લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. ઇમરજન્સીમાં આ એપમાં પેનિક બટન દબાવતા જ પોલીસની તાત્કાલિક મદદ મળી રહેશે.
સિનિયર સિટીઝનો અને મહિલાઓ એકલી મુસાફરી કરી રહી હશે, ત્યારે ટ્રેક માય રૂટથી ધ્યાન રાખવામાં આવશે. જરૂર પડે એક બટન દબાવતા લોકોની મદદે પણ પોલીસ આવશે. 24 કલાક એપ્લિકેશનનું મોનિટરીંગ કરી મુસાફરોને મદદ આપવા 3 એડમીન પેનલ બનાવવામાં આવી છે. જેમાં પશ્ચિમ રેલ્વે અમદાવાદ અને વડોદરા જિલ્લા કંટ્રોલ ખાતે તથા એક એડમીન પેનલ નાયબ પોલીસ મહાનિરીક્ષક અને રેલ્વે કંટ્રોલ ખાતે કાર્યરત રહેશે.
આ એપ દ્વારા સમયે ટ્રેન પેટ્રોલિંગના માણસોને સૂચના પણ આપવામાં આવશે. જેની સાથે ફરિયાદ કરનાર મુસાફરનો સંપર્ક કરી તેની ફરિયાદ બાબતે ફીડબેક પણ લેવામાં આવશે. આ એપ દ્વારા મુસાફરો પાસેથી પ્રતિભાવ મેળવવામાં આવશે અને તે બાબતે જરૂરી અમલ પણ કરવામાં આવશે. રેલવેના નાયબ પોલીસ મહાનિરીક્ષક દ્વારા ટ્રેનમાં પેટ્રોલિંગ કરતા કર્મચારીઓની ફરજો અને કામગીરી તેમજ મુસાફરોની ફરિયાદ બાબતે થયેલી કાર્યવાહી બાબતે સીધુ સુપરવિઝન રાખવામાં આવશે.
સુરક્ષિત સફર એપની મદદથી પોલીસકર્મચારીઓની ટ્રેન પેટ્રોલિંગ અસરકારક રીતે થઈ શકશે. જેમાં પોલીસ અધિકારીઓ કુલુઝ, હોકર્સ, કોચ એટેન્ડેન્સ તથા અન્ય કોન્ટ્રાક્ટ બેઝડ કર્મચારીઓનું રજીસ્ટ્રેશન કરશે અને તેની માહિતી પોલીસ ત્વરિત મેળવી શકશે. આજે લોન્ચિંગ સમયે જ અલગ અલગ 250 લોકોના ખોવાયેલા ફોન પરત કરવામાં આવ્યા છે. આમ આ એપ લોકો માટે ખૂબ જ મદદરૂપ રહેશે.