અમદાવાદ : જ્યુબીલીએન્ટ ફૂડવર્ક્સ દ્વારા અમદાવાદ ખાતે મિલેટ્સ પિત્ઝા લોન્ચિંગ કાર્યક્રમ યોજાયો હતો. આંતરરાષ્ટ્રીય મિલેટ યર નિમિત્તે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં અમદાવાદ ખાતે મિલેટ્સ પિત્ઝાનો લોન્ચિંગ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મુખ્યપ્રધાનના હસ્તે રાગીના બેઝ સાથે નિર્મિત વેરાયટી 'રાગી ક્રસ્ટ પિત્ઝા'નું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ તકે મુખ્યપ્રધાને સાણંદમાં બનનાર જ્યુબીલીએન્ટ ફૂડવર્ક્સના યુનિટનો ઈ-શિલાન્યાસ પણ કર્યો હતો.
વિશ્વ કલ્યાણના પ્રયાસો : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમસ્યા પહેલા જ સમાધાન શોધી લે છે. વિશ્વ કલ્યાણના પ્રયાસોમાં ભારતના પ્રદાન માટે તેઓ હંમેશાં તત્પર રહે છે. યોગ, પર્યાવરણને અનુરૂપ જીવનશૈલી, પ્રાકૃતિક ખેતી અને સ્વાસ્થ્યપ્રદ અન્નના વ્યાપક ઉપયોગની પ્રેરણા પણ તેમણે જ પૂરી પાડી છે, ત્યારે આજથી શરૂ થતા અન્નમાંથી બનેલા પિત્ઝા સફળ થશે અને લોકોમાં સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલી માટે જાગૃતતા વધારશે.
નિયમિત હેલ્થ ચેકઅપ : મુખ્યપ્રધાન વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લાં થોડાં વર્ષોમાં આપણી જીવનશૈલી ખૂબ બદલાઈ છે. અગાઉના સમય સાથે તુલના કરીને તેમણે ઉમેર્યું હતું કે હવે 40 વર્ષ બાદ નિયમિત હેલ્થ ચેકઅપ કરાવવું પડે છે. તેની પાછળ બદલાયેલી ભોજન પદ્ધતિ અને વાનગી કારણભૂત છે. હાલમાં બાળકો અને યુવાનોમાં પિત્ઝા-બર્ગર જેવી વાનગીઓનું ચલણ વધ્યું છે. ત્યારે પિત્ઝાના બેઝમાં પરિવર્તનની આ પહેલને તેમણે ખૂબ સારી ગણાવી હતી.
પ્રાકૃતિક ખેતીની જાગૃતિ : ભૂપેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું હતું કે, બદલાયેલી જીવનશૈલી વચ્ચે સતત આગળ કેવી રીતે વધવું તેની પ્રેરણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપે છે. રાસાયણિક ખાતરને કારણે જમીન અને માણસ બંનેના સ્વાસ્થ્ય પર વિપરીત અસર થઈ છે. આ સમસ્યામાંથી બચવાનો ઉપાય પ્રાકૃતિક ખેતીની પહેલ સ્વરૂપે વડાપ્રધાને આપ્યો છે. ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવી આપણે માત્ર જમીનની ગુણવત્તા જ નહીં ભવિષ્ય પણ સુધારી શકીશું. આ સંદર્ભે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના પ્રાકૃતિક ખેતીની જાગૃતિ માટેના પ્રયાસોને તેમણે સ્તુત્ય ગણાવ્યા હતાં. આ ઉપરાંત ગુજરાત સરકારના પ્રયાસો વિશે જણાવતા મુખ્યપ્રધાન ઉમેર્યું હતું કે, મિલેટ એક્સપો, મિલેટ ફેસ્ટિવલ, વર્કશોપ, ખેડૂતોને તાલીમ, બિયારણ વિતરણ તથા માહિતીની પુસ્તિકાનું વિતરણ વગેરે દ્વારા પ્રાકૃતિક ખેતી અને મિલેટ્સ પ્રત્યે લોકોમાં જાગૃતતા વધારવામાં ખૂબ મદદ મળી છે.
ટેક્સની આવક : મુખ્યપ્રધાને કહ્યું હતું કે, એપ્રિલ 2023માં દેશમાં 1.87 લાખ કરોડનું વિક્રમજનક GST કલેક્શન થયું છે. ટેક્સની આવક વધવી એ અર્થતંત્ર અને રોજગારી માટે સકારાત્મક નિશાની છે. અનેક વૈશ્વિક સમસ્યાઓ વચ્ચે પણ ભારતીય અર્થતંત્રની નિરંતર વૃદ્ધિ શ્રી નરેન્દ્રભાઇના નેતૃત્વને આભારી છે.
મિલેટ યર જેવી પહેલ : આ પ્રસંગે સ્વાગત સંબોધન કરતા જ્યુબીલીએન્ટ ફૂડવર્ક્સના પ્રેસિડેન્ટ અવિનાશ કાંત કુમારે જણાવ્યું કે, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના મિલેટ બેઝડ પિત્ઝાના વિચારને સાકાર કરવાનો આનંદ છે. મિલેટ યર જેવી પહેલ માટે અમે સરકારને સતત સહયોગ આપતા રહીશું. સાથોસાથ રોજગારી અને નાગરિકોને ગુણવત્તાયુક્ત આહાર મળે તે દિશામાં કંપનીનો પ્રયાસ રહેશે તેવી ખાતરી તેમણે આપી હતી.
ડુંગળી, લસણ વગરની વેરાયટી : આજના સમારોહમાં કંપનીએ ડુંગળી, લસણ વગરની વેરાયટી શરૂ કરવાની મહત્ત્વપૂર્ણ જાહેરાત પણ કરી હતી. આ પ્રસંગે જ્યુબીલીએન્ટ ફૂડવર્ક્સના કો-ચેરમેન હરિ એસ. ભારટીયા, પ્રેસિડેન્ટ અને ચીફ બિઝનેસ ઓફિસર સમીર બત્રા સહિત ઉચ્ચ હોદ્દેદારો, કંપનીના કર્મચારીઓ તેમજ આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.