અમદાવાદ: PM મોદીની ડિગ્રીને લઈને ગુજરાત યુનિવસિર્ટીએ માનહાનિનો કેસ દાખલ કર્યો છે. અમદાવાદ મેટ્રો કોર્ટે CM કેજરીવાલ તેમજ સંજયસિંહને સમન્સ ઇશ્યુ કરીને હાજર રહેવા માટે ફરમાન કર્યું હતું. જોકે તેઓ હાજર રહ્યા ન હતા. કેસની ટ્રાયલના દિવસે કેજરીવાલ વતી તેમના વકીલો હાજર રહ્યા હતા. જેને લઈને કોર્ટે 13 જુલાઈએ CM કેજરીવાલ તેમજ સંજયસિંહને ફરજિયાત હાજર રહેવા માટે આદેશ આપ્યો છે.
કોર્ટમાં શું થયું: આજના કેસની સુનાવણી દરમિયાન આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે કોર્ટમાં અરજી કરી છે કે જ્યાં સુધી કેસમાં ટ્રાયલ દરમિયાન જરૂર ના હોય ત્યાં સુધી તેમને રાહત આપવાની માંગ કરી છે. કેજરીવાલના વકીલ તરફથી સમગ્ર કેસના દસ્તાવેજો પણ ફરિયાદી પાસે મેળવવા માંગ કરવામાં આવી છે. આ સાથે જ જ્યારે કેસની ટ્રાયલના દિવસે તેમના વકીલો હાજર રહેશે. જોકે તેમની આ માંગ સામે અરજદારના વકીલે વાંધો ઉઠાવ્યો હતો.
ફરિયાદીએ શું કહ્યું: અરજદાર ગુજરાત યુનિવર્સિટીના વકીલ અમિત નાયરે જણાવ્યું હતું કે અરવિંદ કેજરીવાલ તરફથી ફરિયાદીના તમામ ડોક્યુમેન્ટ્સ માંગવામાં આવ્યા છે. જેની ત્યારે અમારા તરફથી કોપી પણ આપી દેવામાં આવી છે. જો કે કોર્ટે પ્રશ્ન કર્યો હતો કે આજે તમને આરોપીઓ હાજર કેમ રહ્યા નથી? આરોપીઓ હાજર ન રહેતા અમારા તરફથી પણ આ બાબતે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો.
બે વખત સમન્સ ઇસ્યુ કરાયા: અરવિંદ કેજરીવાલના વકીલ પ્રણવ ઠક્કરે જણાવ્યું હતું કે સંજયસિંહ તેમજ અરવિંદ કેજરીવાલવતી આજે અમે વકીલાતનામું સમક્ષ રજૂ કર્યું હતું. જેમાં આજે બંને કોર્ટમાં હાજર રહી શકશે નહીં તેવી અરજી અમારા તરફથી અરજી કરવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે અત્યાર સુધીમાં અરવિંદ કેજરીવાલ અને સંજયસિંહ સામે બે વખત સમન્સ ઇસ્યુ કરવામાં આવ્યા પરંતુ હાજર ન રહ્યા નથી. આજે તમામ દલીલોને અંતે કોર્ટે 13 જુલાઈ ના રોજ બંને આરોપીઓને ફરજિયાત પણે હાજર રહેવા માટે હુકમ કર્યો છે.
કોર્ટે શું કહ્યું: સુનાવણી દરમિયાન કોર્ટે પણ એમપી - એમએલએના કેસો સામે ઝડપથી ટ્રાયલ ચલાવવા માટે ભાર મૂક્યો હતો. મહત્વનું છે કે સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર હાઇકોર્ટે સુઓમોટો લઈને એમપીએમએલએના કેસો ઝડપથી ચલાવવા માટે નિર્દેશ પણ આપેલા છે. કોર્ટે ટકોર કરતા પૂછ્યું હતું કે બંને આરોપીઓ ક્યારે હાજર રહેશે? એ પ્રમાણે આગળની કાર્યવાહી થઈ શકે. અરવિંદ કેજરીવાલના વકીલ તરફથી જણાવવામાં આવ્યું હતું કે 13 જુલાઈના રોજ હાજર રહેશે અને આગળની કાર્યવાહી પણ 13 જુલાઈના રોજ થશે.
શું છે મામલો: ગુજરાત યુનિવર્સિટી વિશે વાંધાજનક નિવેદનના પગલે ગુજરાતી યુનિવર્સિટીએ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને રાજ્યસભા સાંસદ સંજયસિંઘ સામે બદનક્ષીનો કેસ દાખલ કર્યો છે. મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે 1 એપ્રિલે વડાપ્રધાનની ડિગ્રી પર અયોગ્ય શબ્દો ઉચ્ચાર્યા હતા. તે બાબત ટ્વિટર હેન્ડલ પર પણ મૂકવામાં આવી હતી. બીજા દિવસે 2 એપ્રિલના રોજ રાજ્યસભા સાંસદ સંજયસિંઘે પણ વડાપ્રધાનની ડિગ્રીને લઈને પ્રેસ કરી હતી. આ પ્રેસ અને ટ્વીટમાં ગુજરાત યુનિવર્સિટીનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.