અમદાવાદ : શહેરના પૂર્વ વિસ્તારમાં બુટલેગરો બેફામ બન્યા હોય તેવી વધુ એક ઘટના સામે આવી છે. ઈસનપુર વિસ્તારમાં એક દિવસમાં અપહરણ અને ખંડણી, લૂંટ અને વાહન સળગાવવાની બે ઘટના બની છે. મહત્વની વાત તો એ છે કે, આ બંને ગુનામાં વિસ્તારના જ બે કુખ્યાત ગુનેગારો સામેલ છે. આ અંગે ફરિયાદ નોંધાયાના 24 કલાક ઉપર વીતી ગયા હોવા છતાં પણ આરોપીઓ પોલીસ પકડથી દૂર છે.
શું છે સમગ્ર મામલો : અમદાવાદના ઇસનપુરમાં રહેતા આરીફ અરબ નામના યુવક સાથે જૂના ઝઘડાની અદાવતમાં ચાર શખ્સોએ તેના ઘર પર તલવાર લાકડી પથ્થર અને કાચની બોટલો વડે હુમલો કર્યો હતો. તેમજ અને તેની ટુ વહીલર સળગાવી નાખી હતી. યુવકની બહેનની ટુ-વ્હીલરની લૂંટ પણ ચલાવી હતી. આ મામલે બે અલગ અલગ ફરિયાદો નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
અદાવતમાં અપહરણ : અમદાવાદમાં ઇસનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા આરીફ ઉર્ફે કટ્ટો અરબ નામના 43 વર્ષીય યુવકને જૂના ઝઘડાની અદાવતમાં અપહરણ કરવામાં આવ્યું હતું, 21મી જૂનના રોજ રાતના સમયે તે પોતાના મિત્રો સાથે શાહઅલમ ચોકીદાર બાબાની દરગાહ પાસે બેઠો હતો. તે દરમિયાન તેઓની ભાણીના સસરા મુસ્તાક હાજી ઉર્ફે કાણીયો તેની બર્ગમેન ટુ વ્હીલર પર છરી લઈને આવ્યો હતો અને આરીફને કહ્યું હતું કે તું જામીર ભાઈની સાથે મળીને ધંધો કરે છે. જોકે યુવકે ધંધો ન કરતો હોવાનો જણાવતા મુસ્તાક હાજીએ તેને ગાળો આપી બળજબરીપૂર્વક પોતાની ગાડી ઉપર બેસાડી તેના ઘરે લઈ ગયો હતો અને 50,000 રૂપિયાની ખંડણી માંગી હતી.
હાથમાં છરી લઈને ચાલતો : યુવક પાસે પૈસા ન હોવાથી તેણે પૈસાની વ્યવસ્થા કરવા માટે જવા દેવાનું કહેતા ઘરે જવા નીકળ્યો હતો અને ચોકીદાર બાવાની દરગાહ પાસે સંતાઈ ગયો હતો. થોડીવાર પછી મુસ્તાક હાજી તેના હાથમાં છરી લઈને તેના મિત્ર આદિલ અહુવા સાથે આરીફના ઘરે ગયો હતો. થોડા સમય પછી યુવક ઘરે પહોંચતા બંને શખ્સો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. અંતે આ સમગ્ર બાબતને લઈને તેઓએ મુસ્તાક હાજી ઉર્ફે કાણિયો તેમજ આદિલ અહુવા સામે અપહરણ ખંડણી સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે.
આ અંગે ETV ભારતે ઇસનપુર પોલીસ સ્ટેશનના PI ડી.ડી ગોહિલનો સંપર્ક કરતા તેઓએ ફોન ઉપાડ્યો ન હતો. જેથી આ અંગે જે ડિવિઝનના ACP પ્રદીપસિંહ જાડેજાને ટેલિફોનિક સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે, આ અંગે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે અલગ અલગ ટીમો કામે લગાડી છે.
બીજી ફરિયાદ : બીજી ફરિયાદની વાત કરવામાં આવે તો ભોગ બનનાર આરીફ ઉર્ફે કટ્ટોની પત્ની યાસ્મીન બાનુ અરબે ફરિયાદ નોંધાવી છે. જેમાં રાતના સમયે તેનો પતિ આરીફ મિત્રો સાથે બેસવા ગયો હતો, ત્યારે મોડી રાતના તેનો પતિ આરીફ કુરેશીની બાઈક પર ઘરે આવ્યો હતો. યાસ્મીનબાનુએ પતિ આરીફને આપડી ગાડી ક્યાં છે તેવું કહેતા પતિએ તેની ગાડી ચોકીદાર બાવાની દરગાહ પાસે છે, તેવું જણાવ્યું હતું.
રાત્રે ઘર બહાર પથ્થર, બોટલની ઘા : રાતના આશરે 12 વાગે તેના ઘરની બહાર પથ્થરો અને કાચની બોટલોના ઘા થવા લાગતા તેઓએ પતિને પાડોશીના ઘરમાં બેસાડી દીધો હતો. ત્યાં જોતા મુસ્તાક હાજી ઉર્ફે કાણિયો અને તેનો દીકરો અજજુ બંને તેના મિત્ર આદિલ અહુવા તેમજ કુલ ચાર લોકો બાઈકો ઉપર તલવારોને લાકડીઓ લઈને આવ્યા હતા. તેના પતિ સાથે અગાઉના ઝઘડાની અદાવત રાખી પથ્થરો અને કાચની બોટલથી તેઓના ઘર તરફ હુમલો કરી રહ્યા હતા. જે બાદ બૂમાબૂમ થતા રેહાને યાસમીન બાનુની બેનની એક્સેસ ગાડીની લૂંટ કરી હતી, ત્યારબાદ તેઓ ડરી જતા માતાના ઘરે જતા રહ્યા હતા. જે બાદ મોડી રાત્રે તેઓની પતિની ટુ-વ્હીલરને પણ આરોપીઓ દ્વારા સળગાવી દેવામાં આવી હોય અંતે આ સમગ્ર બાબતને લઈને તેઓએ ઇસનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.