ખાનગી શાળાઓને ટક્કર આપવા અમદાવાદ મ્યૂનિસિપલ કોર્પોરેશન દ્વારા કાંકરિયા મ્યુનિસિપલ શાળા નંબર-5 અને 6ને કુલ રૂપિયા 1.60 કરોડના ખર્ચે સ્માર્ટ સ્કૂલમાં તબદિલ કરવામાં આવી છે. આ શાળામાં ભણવા આવવાનું બાળકોને ગમે તે માટે પૂરતો ખ્યાલ રાખવામાં આવ્યો છે. અહીં થ્રીડી પેઇન્ટિંગની મદદથી વિદ્યાર્થીઓને શિક્ષણ અપાશે.
આ શાળામાં ફાયર બોલ મુખ્ય આકર્ષણ છે. આગ લાગવાના કિસ્સામાં ફક્ત 3 સેકન્ડમાં જ આ બોલ ફૂટશે અને આગ ઓલવાઇ જશે તેવો દાવો કરાઇ રહ્યો છે. નાના બાળકો માટે શાળામાં કુલ 36 પ્રકારના ઉપકરણો વસાવાયા છે. ઇન્ટીગ્રેડેડ ડિઝિટલ ટીચિંગ ડિવાઇસથી મલ્ટી મીડિયા કન્ટેન્ટ દ્વારા બાળકોને શિક્ષણ અપાશે. ગણિત-વિજ્ઞાાનની પ્રયોગશાળામાં 1થી 8ના અભ્યાસક્રમમાં વર્કિંગ મોડલ રજૂ કરાશે. આ માટે શિક્ષકોને સ્પેશિયલ તાલીમ અપાઇ છે. આગથી સુરક્ષિત એવો આંતરરાષ્ટ્રીયસ્તરનો 10 ફૂટ ઉંચાઇ ધરાવતો ડોમ છે. ડિજિટલ સ્વરૂપમાં પૃથ્વીનો ગોળો, નક્ષત્ર, સૂર્ય-ચંદ્ર ગ્રહણ દર્શાવાશે , 8 હજાર સ્કવેર ફૂટમાં થ્રીડી એજ્યુકેશન ચાર્ટ બનાવાયો છે. ઉપરાંત બાળકો રમી શકે તે માટે મલ્ટી પ્લે સ્ટેશનનું પણ નિર્માણ કરાયું છે.
નોંધપાત્ર છે કે, કોર્પોરેશનની શાળાઓની કાયાપલટ કરાઇ રહી છે. આ શાળાઓમાં ગરીબ અને મધ્યમવર્ગીય બાળકો પણ સારો અભ્યાસ પ્રાપ્ત કરી શકે તે હેતુથી માળખાકિય સુવિધા વધારાઇ છે. છેલ્લા સાત વર્ષમાં 33 હજારથી વધુ બાળકો ખાનગી શાળાઓમાંથી મ્યુનિસિપલ શાળામાં ભણવા આવ્યાં છે.