અમદાવાદ : સીટીએમ વિસ્તારમાં આવેલા મારુતિ એસ્ટેટના મહાલક્ષમી જવેલર્સના માલિક ગુરુવારે બપોરે દુકાન પર હાજર હતા. ત્યારે બે ગ્રાહકને તેમના માંગ્યા મુજબની વસ્તુઓ બતાવતા હતા. આ દરમિયાન અચાનક જ ત્રણ અજાણ્યા શખ્સો મોઢા પર કપડું બાંધીને દુકાનમાં ઘુસ્યા હતા અને તેમના હાથમાં રિવોલ્વર જેવા હથિયાર હતા. તે ત્રણેય લૂંટારૂઓએ હથિયાર બતાવીને કહ્યું હતું કે, ચુપ રહે અવાજ મત નીકાલ. એક શખ્સ દુકાનના કાઉન્ટર પર ચઢી ડીસ્પલેમાં મુકેલ દાગીના લેવા માટે આગળ આવ્યો હતો. પરંતુ ફરિયાદીએ તેમની પાસે રહેલી ખુરશી ઉંચી કરીને તેને રોકવા માટે ગયેલા અને તેને કાઉન્ટરથી આગળ આવવા દીધો ન હતો. જેથી આ લૂંટનો પ્રયાસ નિષ્ફળ નીવડ્યો હતો.
એક લાખ રૂપિયાની માંગણી કરી : ત્રણેય શખ્સોએ ફરીથી રીવોલ્વર જેવું હથિયાર ફરિયાદી તરફ તાકીને કહ્યું કે, કહી સે ભી એક લાખ રૂપિયા મુજે દે. જોકે, ફરીયાદીએ બુમાબુમ કરતાં આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. જેથી ત્રણેય શખ્સો ત્યાંથી ફરાર થઇ ગયા. જે અંગેની જાણ પોલીસને કરતાં પોલીસએ આ સમગ્ર મામલે ગુનો દાખલ કરીને CCTV ફુટેજના આધારે વધુ તપાસ શરૂ કરી છે.
પંદર દિવસમાં બીજો બનાવ છે : ચોંકાવનારી બાબત તો એ છે કે, પંદર દિવસમાં આ પ્રકારે બીજો બનાવ સામે આવ્યો છે. જે ખુબ જ ગંભીર બાબત કહી શકાય કે લૂંટારૂઓને જાણે કે પોલીસનો કોઇ ડર જ ન હોય તેમ ખુલ્લેઆમ લૂંટનો પ્રયાસ કરી રહ્યાં છે. ત્યારે આરોપી સુધી પહોંચવામાં પોલીસ કેટલા સમયમાં સફળ થાય છે તે જોવાનું રહેશે.
આ પણ વાંચો : Ricksha Gang Robbery: 22 લૂંટ કરનાર રીક્ષાગેંગ રાજકોટમાંથી ઝડપાઈ, પરપ્રાંતીયોને બનાવતી શિકાર
ખુરશી લઈને હું સામે થઈ ગયો : જ્વેલર્સ બિપિન સોનીએ જણાવ્યું હતું કે, ગ્રાહકને દાગીના બતાવી રહ્યો હતો. દુકાનમાં ત્રણ જણ આવ્યા અને શાંતિ શાંતિ કહ્યું, ચુપ રહેના અને પિસ્તોલ બતાવી. તે વખતે 10-15 સેકન્ડ તો હૂં ગભરાઈ ગયો હતો. મે તેમને બહાર નીકળી જવા કહ્યું, તોય તેઓ અંદર ઘૂસી આવ્યા, પણ હું ખુરશી લઈને તેમની સામે થઈ ગયો હતો. મે ચોર ચોર એમ કરીને બૂમો પાડવા માંડી. તેમણે એક લાખ રૂપિયાની માંગ કરી હતી. મે તેમને ના પાડી હતી. તને એક પણ રૂપિયો મળશે નહી. ચોર ચોરની બુમો પાડી પછી તેઓ દુકાન છોડીને ભાગી ગયા હતા.
આ પણ વાંચો : Ahmedabad Crime : ભાડે રીક્ષા લઈને લૂંટફાટ કરનાર લવર મુછીયા ગેંગને પોલીસે પકડી પાડી
ચારેય બાજુ નાકાબંધી કરી છે : રામોલ પોલીસ સ્ટેશનના PI સી.આર. રાણાએ કહ્યું હતું કે, ત્રણ અજાણ્યા લોકો જવેલર્સની દુકાનમાં હથિયાર જેવું લઈને અંદર ધસી આવ્યા હતા. જ્વેલર્સ માલિકને ધમકાવીને પૈસાની માંગ કરેલી હતી. જો કે જ્વેલર્સ માલિકે હિંમત દાખવીને ચોર ચોરની બુમો પાડતા લૂંટારુઓ ફરાર થઈ ગયા હતા. પોલીસને ફોન મળતાં પાંચ મિનિટમાં ઘટના સ્થળે આવી ગઈ હતી. અને ચારેય બાજુ નાકાબંધી કરી દીધી હતી. સીસીટીવી ફૂટેજ ચકાસ્યા છે, અને તેની તપાસ ચાલી રહી છે.