અમદાવાદ : શહેરના એલિસબ્રિજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક વર્ષ પહેલા IPL મેચ પર રમાનાર સટ્ટા કેસમાં સામેલ આરોપીને સાયબર ક્રાઇમ એ ઝડપી પાડ્યો છે. મહત્વનું છે કે, એલિસબ્રિજમાં કલગી ચાર રસ્તા પાસે આવેલા કેપ્સ ટોન બિલ્ડીંગમાં આવેલી એક ઓફિસમાં IPLની ગુજરાત ટાઇટલ્સ અને ચેન્નઈ સુપરકિંગ્સની T-20 મેચ પર સટ્ટો રમાડતા હોય તે મામલે પોલીસે દરોડા કરી આરોપીઓની ધરપકડ કરી હતી. જે ગુનામાં આઈડી આપનાર આરોપી વોન્ટેડ હોય તેને પણ પકડી પાડવામાં આવ્યો છે.
શું હતો સમગ્ર મામલો : આ સમગ્ર મામલે 15 મે 2022ના રોજ એલિસબ્રિજમાં કલગી ચાર રસ્તા પાસે કેપ્સ ટોન બિલ્ડિંગમાં સાતમા માળે 706 નંબરની ઓફિસમાં જુગાર રમતા હોવાની બાતમીના આધારે દરોડા પાડ્યા હતા. દરોડા પાડીને તપાસ કેટલાક શખ્સો સોફા બેસીને પોતાના મોબાઈલથી ઓનલાઈન સટ્ટા રમાડતા ઝડપાઈ ગયા હતા. આ મામલે તે સમયે પોલીસે જીગર પંચાલ, ભાવિન શાહ તેમજ રગ્નેશ દેસાઈ અને વિપુલ પાટડીયા નામના 4 શખ્સોની ધરપકડ કરી હતી. તેઓની પાસેથી પાંચ મોબાઇલ અને 3 એક્ટિવ સહિત 1.34 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
એક આરોપી વોન્ટેડ : આ કેસમાં પકડાયેલા આરોપીઓની સાથે અમદાવાદના બોડકદેવમાં રહેતો ગિરીશ ચંદુલાલ સંઘવી મુખ્ય આરોપી હોવાનું સામે આવ્યું હતું. તેની સામે વડોદરા શહેરમા ઠગાઈ મામલે અને ચેક બાઉન્સ મામલે કેસ ચાલતા હોય જેમાં તેને કોર્ટ દ્વારા સજા ફરમાવવામાં આવી હતી. જે ઘણા સમયથી વોન્ટેડ હતો.
એલિસબ્રિજમાં એક વર્ષ પહેલા જુગારનો કેસ દાખલ થયો હતો. જે કેસમાં આરોપી વોન્ટેડ હોય તેની કસ્ટડી મેળવી હાલ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. આરોપી અન્ય કેટલા ગુનાને અંજામ આપ્યો છે, તે અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે. આ સમગ્ર મામલે આરોપીને કોર્ટે સજા ફટકારી હોવાથી એલિસબ્રિજ પોલીસ દ્વારા તેને વડોદરામાં જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. - એમ.સી ચૌધરી (PI,એલિસબ્રિજ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ)
એક આરોપી કોંગ્રેસનો : આરોપીને સાયબર કાઈમે બાતમીના આધારે ઝડપીને એલિસબ્રિજ પોલીસને સોંપતા પોલીસે ગુના સંદર્ભે ધરપકડ કરી છે. ઝડપાયેલો આરોપી ગિરીશ સંઘવી અગાઉ કોંગ્રેસમાં સોશિયલ મીડિયા સેલમાં પ્રમુખ હોવાનું પણ સામે આવ્યું છે. તેમજ વર્ષ 2009માં દુષ્પ્રેરણ સહિતના ગુનામાં તેની હોવાનું પણ ખુલ્યું હતું.