રાજ્યની ખાનગી સ્કૂલોમાં 25 ટકા પ્રમાણે બેઠકો અંદાજે 1 લાખ 18 હજાર બેઠકો માટે RTE અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં અંદાજે 99,000 વિદ્યાર્થીઓને પ્રવેશની ફાળવણી કરી દેવામાં આવી હતી. જે વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો હતો, તેમને અગાઉ તા.13મી સુધીમાં પ્રવેશ કન્ફર્મ કરવાની સૂચના અપાઇ હતી. પરંતુ નિર્ધારીત સંખ્યા પ્રમાણે વિદ્યાર્થીઓના પ્રવેશ કન્ફર્મ ન થતાં બે દિવસની મુદત વધારીને તા.15મી કરવામાં આવી હતી.
મહત્ત્વનું છે કે, મુદ્દત વધાર્યા પછી પણ અંદાજે 87,000 વિદ્યાર્થીઓને પ્રવેશ કન્ફર્મ કરાવ્યો હતો. જેના કારણે અંદાજે 13 હજારથી વધારે બેઠકો ફાળવ્યા છતાં ખાલી પડી હતી. આ ઉપરાંત, અગાઉ અંદાજે 19,000 બેઠકો ખાલી પડી હતી. આમ, કુલ મળીને અંદાજે 30,000 બેઠકો ખાલી પડી છે. આ બેઠકો માટે હવે લઘુમતિ સ્કૂલો અંગે RTEનો ચુકાદો આવ્યા બાદ કાર્યવાહી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.
- કુલ 1.18 લાખ બેઠક પૈકી 99,000 વિદ્યાર્થીને પ્રવેશ ફાળવાતાં 19,000 બેઠક ખાલી પડી હતી
- જેમને પ્રવેશ ફાળવવામાં આવ્યો તે પૈકી 13,000 વિદ્યાર્થીઓએ પ્રવેશ ન લેતાં બેઠક ખાલી પડી
- ખાલી બેઠકો માટે લઘુમતિ શાળાઓ અંગેનો ચુકાદો આવ્યા બાદ કાર્યવાહી કરાશે