અમદાવાદ : શહેરમાં ગેસ સિલિન્ડરના સપ્લાયર પાસેથી ખંડણી વસૂલી માર મારવાના ગુનામાં સામેલ બે આરોપીઓને વાડજ પોલીસે ઝડપી લીધા છે. જોકે આ ગુનામાં ફરાર મુખ્ય આરોપી મહિલા હોય તે ફરાર થઈ જતા તેને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. મહત્વનું છે કે મહિલાનો પતિ જેલમાં હોવાથી પત્ની તેના નામે ધમકીઓ આપી રૂપિયા વસૂલતી હતી. સાથે જ આરોપીઓએ કોની કોની પાસેથી રૂપિયા પડાવ્યા છે તે અંગે પણ પોલીસે તપાસ શરૂ કરી છે.
શું હતો સમગ્ર મામલો : અમદાવાદના વાડજ પોલીસ મથકે દિનેશ પરમાર નામના યુવકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી નારણપુરા શાસ્ત્રીનગર ખાતે સુવિધા ગેસ એજન્સીમાં સીલીન્ડર ડિલિવરીનું કામ છેલ્લાં 10 વર્ષથી કરે છે. છેલ્લા 2 વર્ષથી તે વાડજમાં રામાપીરના ટેકરા પાસે આવેલા કૃષ્ણનગરની ચાલી અને રબારી વસાહત તેમજ પુર પીડિત નગર ખાતે સીલીન્ડરની ડીલીવરી કરે છે. તેવામાં કૃષ્ણનગરની ચાલીમાં રહેતી વર્ષા મેવાડા, રાજુ ચાવડા તેમજ હિતેષ ઉર્ફે મેમરી ચાવડા દ્વારા ફરિયાદીને વિસ્તારમાં ગેસ સીલીન્ડરની ડીલીવરી કરવી હોય તો મહિને 10 હજાર રોકડ તેમજ એક સિલિન્ડર આપવા પડશે, નહીંતર જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી. જેના કારણે છેલ્લાં 2 વર્ષથી યુવક આરોપીઓને પૈસા ખંડણી આપતો અને ગેસ સીલીન્ડર પણ આપતો હતો.
ફરિયાદી પાસે પૈસા ન હોવાથી : ચાલુ મહિનાનો હપ્તો બાકી હોય અને ફરિયાદી પાસે પૈસા ન હોવાથી તેણે આરોપીઓનો નંબર બ્લેક લિસ્ટ કરી દીધો હતો. એક સપ્તાહ પહેલા ફરિયાદી સીલીન્ડરની ડીલીવરી માટે ગયો હતો, ત્યારે ત્રણેય આરોપીઓએ ફરિયાદીને પૈસા માંગી માર માર્યો હતો, જેના કારણે ફરિયાદીએ નંબર બ્લોક કરી દિધો હતો, જોકે આરોપીઓએ ફરિયાદીને વ્હોટ્સએપ પર ઓડિયો મેસેજ કરતા ફરિયાદીની પત્નિ જાણ થઈ હતી. અને અંતે આ મામલે ફરિયાદીએ વાડજ પોલીસ મથકે મારમારી અને ખંડણીની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનામાં સામેલ બે આરોપીની ધરપકડ કરી છે.
ધમકી આપી રૂપિયા પડાવતી હતી : આરોપીઓની પૂછપરછમાં હકીકત સામે આવી જેમાં ફરાર આરોપી વર્ષના મેવાડાનો પતિ ભરત મેવાડા અગાઉ આચરેલા હત્યાના ગુનામાં જેલમાં હતો. તે જ વાતનો લાભ ઉઠાવી તેના પતિના નામે ધમકી આપી રૂપિયા પડાવતી હતી.
આ અંગે ગુનો નોંધી બન્ને આરોપીઓની ધરપકડ કરાઈ છે, જોકે મહિલા આરોપી વોન્ટેડ હોય તેને પકડવા ટીમો કામે લગાડવામાં આવી છે. મહિલાનો પતિ છેલ્લાં ઘણાં વર્ષોથી જેલમાં બંધ છે અને તેના નામે જ આરોપીઓ લોકોને ડરાવતા હતા. - એચ.એમ કણસાગરા (ACP, બી ડિવિઝન)
આરોપીનો ગુનાહિત ઈતિહાસ : વાડજ પોલીસે મારામારી ખંડણી અને ધમકીના ગુનામાં તપાસ કરતા ઝડપાયેલા આરોપી રાજુ ચાવડા અને હિતેશ ચાવડાનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો છે. આરોપીઓના ડરથી લોકો પોલીસ ફરિયાદ ન કરતા હોવાનું પણ પોલીસ માની રહી છે. સાથે જ આરોપીઓએ અન્ય કેટલા લોકો પાસેથી રૂપિયા પડાવ્યા છે. તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.