અમદાવાદ : રાજ્યમાં સામાન્ય બાબત પર એકાબીજાની હત્યા પર આવવું અથવા તો હત્યાને અંજામ આપવો તે નોર્મલ થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે. અમદાવાદ શહેરના સરદારનગરમાં વિસ્તારમાં ત્યારે વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં એક મિત્રએ બીજા મિત્રની જ હત્યાને અંજામ આપ્યો છે. આ મામલે સરદારનગર પોલીસે ગુનો દાખલ કરી આરોપીને રાઉન્ડ અપ કર્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં યુવતીની બાબતને લઈને આ હત્યાને અંજામ આપવામાં આવ્યો હોવાનો ખુલાસો થયો છે.
શું છે સમગ્ર મામલો : અમદાવાદમાં સરદારનગર વિસ્તારમાં આવતા એરપોર્ટ રોડ પરની સોસાયટીમાં રહેતા સુમિત અડવાણી નામના યુવકની હત્યાની ઘટના બની છે. 25મી ફેબ્રુઆરીના રોજ બપોરના સમયે કુબેરનગર પાસે જી વોર્ડ પાસે શાન હોટેલની પાછળ મૃતક સુમિત અડવાણી અને તેનો મિત્ર લક્ષ્મણ ઉર્ફે લખું ઠાકોર જઈ રહ્યા હતા, ત્યારે અચાનક કોઈ બાબતને લઈને બંને વચ્ચે ઝઘડો થતા લક્ષ્મણ ઠાકોરે અચાનક પોતાની પાસે રહેલા તીક્ષ્ણ હથિયાર વડે ઉપરાછાપરી ઘા મારી સુમિત અડવાણીની હત્યા કરી હતી. આ અંગે મૃતકના પરિવારજનોને જાણ થતાં સરદારનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો : Rape case: સાત વર્ષની માસુમને પીંખીને હત્યા કરનાર આરોપીને ફાંસીની સજા
પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલાસો : આ ઘટનાને લઈને સરદારનગર પોલીસે ગુનામાં સામેલ આરોપીને રાઉન્ડ અપ કર્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે બંને મિત્રો વચ્ચે યુવતીની બાબતને લઈને ઝઘડો થયો હતો. તેમજ તેની અદાવત રાખીને હથિયારથી 6 જેટલા ઘા મારીને મિત્રની ક્રૂરતાપૂર્વક મૃત્યુ નિપજાવી હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો : MLA Raju Pal murder case : ધારાસભ્ય રાજુ પાલ હત્યા કેસના મુખ્ય સાક્ષીની ગોળી મારી હત્યા
આરોપીને રાઉન્ડ અપ કર્યો : જી વોર્ડમાં ઠાકોર વાસમાં રહેતા લક્ષ્મણ ઠાકોરની પ્રેમિકા બાબતે મૃતક સુમિત અડવાણી સાથે બોલાચાલી થઈ હતી. જે બોલાચાલી ઉગ્ર બનતા હત્યા જેવી ગંભીર ઘટના બનવા પામી છે. આ મામલે મૃતકના પિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી છે. આ અંગે જી ડિવિઝનના ACP વી.એન યાદવે જણાવ્યું હતું કે, હત્યાનો ગુનો નોંધી આરોપીને રાઉન્ડ અપ કર્યો છે. હત્યા પાછળનું કારણ જાણવા કવાયત હાથ ધરાઈ છે. ઉલ્લેખનીય છે કે, લોકો સામાન્ય વાતને લઈને ઉશ્કેરાય જઈને હત્યાને અંજામ આપતા હોય છે. ત્યારે તેની પાછળ હત્યા કરનાર તેમજ હત્યામાં મૃત્યુ પામનાર એમ બે પરિવારનો માળો વિખાઈ જતો હોય છે.