અમદાવાદ : અમદાવાદમાં નકલી સાધુ-અઘોરીનો વેશ ધારણ કરી ચોરી કરનાર ઝડપાયો છે. આરોપી રસ્તે જતાં રાહદારીઓને હિપ્નોટાઈઝ કરી નજર ચુકવી સોના-ચાંદીના દાગીના સેરવી ફરાર થઈ જતો હતો. આ મામલે ઝોન 1 LCB ટીમે અનિલ અરવિંદ મદારી નામના ગાંધીનગરના શખ્સની ધરપકડ કરી છે.
ઠગ સાધુ : શહેરમાં અલગ અલગ વિસ્તારમાં સાધુ કે અઘોરી જેવો વેશ ધારણ કરી લોકોને લૂંટતો આરોપી ઝડપાયો છે. આરોપી રસ્તે આવતા-જતા રાહદારીને વાકચાતુર્યથી હિપ્નોટાઈઝ કરી તેઓની નજર ચુકવી સોના-ચાંદીના ઘરેણાં તફડાવી લેતો હતો. ગાંધીનગર દહેગામના મદારીનગરમાં રહેતો 19 વર્ષીય અનિલ અરવિંદ વિરમનાથ મદારી નામનો શખ્સ આ ગુના આચરતો હતો. ઝોન 1 LCB ટીમ પેટ્રોલીંગમાં હતી જે દરમિયાન બાતમીના આધારે આરોપીની ધરપકડ કરી છે. આરોપી યુવકની તપાસ કરતા તેની પાસેથી કિંમત રુપિયા 2 લાખ 33 હજાર 517 ના 51.02 ગ્રામ વજનના દાગીના કબ્જે કર્યા હતા.
આરોપી દ્વારા રસ્તે જતાં રાહદારીઓને રોકીને વાતોમાં ભોળવી હિપ્નોટાઈઝ કરી દાગીના પડાવી લેવામાં આવતા હોય આ મામલે હાલ તો પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જોકે આવી જ મોર્ડર્સ ઓપરેન્ડીથી નવરંગપુરા વિસ્તારમાં પણ એક ગુનો બન્યો હોય હાલ પકડાયેલા આરોપી અનિલ અરવિંદ મદારીની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. -- હરીશકુમાર એમ. કણસાગરા (ઈન્ચાર્જ ACP, એ ડિવિઝન અમદાવાદ)
આવી રીતે કરતો કાંડ : પકડાયેલા આરોપીએ સાધુ અઘોરીનો વેશ ધારણ કરી સોલા હાઈકોર્ટ વિસ્તારમાં એક વૃદ્ધ પાસેથી દાગીના પડાવ્યા હતા. જેમાં આરોપીએ 62 વર્ષીય વૃદ્ધને રોકી વાતોમાં ભોળવી હાથમાં પહેરેલી સોનાની 3 વીંટી અને લકી એમ કુલ 1.20 લાખના દાગીના તફડાવી રફુચક્કર થઈ ગયો હતો. જે મામલે ભોગ બનનારે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે ગુનો નોંધી ઝોન 1 એલસીબી ટીમે આરોપીની ધરપકડ કરી સોલા પોલીસને હવાલે કર્યો છે. તેવામાં આ પ્રકારની ઠગાઈથી અત્યાર સુધીમાં કેટલા લોકો પાસેથી દાગીના પડાવી છેતરપિંડી આચરી છે તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. આ આરોપી સાથે કારમાં ડ્રાઈવર તરીકે પણ એક યુવક ફરતો હોય તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે.