- સ્વાસ્થ્ય વર્ધક વસાણા આરોગવાની જામી ઋતુ
- કોરોનાને કારણે વસાણાઓની ઘરાકીઓમાં 25 ટકાની ઘટ
- ગયા વર્ષની સરખામણીમાં ભાવમાં કોઈ ફેરફાર નહીં
અમદાવાદઃ સમગ્ર ભારત દેશ તેની સાંસ્કૃતિક વૈવિધ્યતા માટે જાણીતો છે. ત્યારે ભારત દેશના રાજ્યમાં એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જતા પહેરવેશ અને ખોરાક બદલાતો હોય છે. મહત્વનું છે કે, અહીં ઋતુ પ્રમાણે ખોરાક લેવાની પરંપરા જોવા મળે છે. ગુજરાતમાં ત્રણેય પ્રકારની ઋતુઓ જોવા મળે છે. તેથી ત્રણેય ઋતુઓમાં ઋતુ પ્રમાણેના ખોરાક લેવાની પરંપરા છે. જે શરીરને પોષણ આપે છે અને મનને શાંતી આપે છે.
વસાણા આરોગવાથી સ્વાસ્થ્ય જળવાય છે
શિયાળાની ઋતુમાં ડિસેમ્બરના અંત ભાગમાં ઠંડી પૂર બહારમાં ખીલી છે, ત્યારે ગુજરાતીઓ સામાન્ય રીતે વસાણા આરોગતા હોય છે. આ વસાણાઓમાં અડદિયા પાક, સાલમ પાક, મેથીપાક, ખજૂરપાક, સિંગપાક, કચરિયુંનો સમાવેશ થાય છે. ગુજરાતમાં લોકો કહેતા હોય છે કે, શિયાળામાં જેટલો સારો ખોરાક ખાવાય તેટલો ખાવો જોઈએ શિયાળાનો ખોરાક બાર મહીનાનું સ્વાસ્થ્ય નક્કી કરે છે.
શરીરમાં ઉંજણનું કાર્ય કરે છે, વસાણા
આ વસાણાઓમાં ડ્રાયફ્રુટ, ઘી, તેલ, ગોળ, સૂંઠ જેવા સ્વાસ્થ્ય વર્ધક પદાર્થો હોય છે.આ વસાણા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. વસાણા આરોગવાથી શરીરમાં ઉંઝણનું કાર્ય થાય છે. તૈલીય પદાર્થ લેવાથી ચામડી શુષ્ક થતી બચે છે.
ઉતરાયણ પહેલા ઘરાકીની આશા
આ વખતે વસાણાઓના વેચાણ પર કોરોનાનું ગ્રહણ લાગ્યું છે.ગયા વર્ષ કરતા 25 ટકા જેટલી ઘરાકી ઘટી છે. વસાણાનું માર્કેટ મહિલાઓ અને ગૃહ ઉદ્યોગોને આર્થિક મદદ કરે છે. આ વખતે ગયા વખત કરતાં ભાવમાં કોઈ વધુ ફેરફાર જોવા મળ્યો નથી. હવે વસાણા વિક્રેતાઓ ઉતરાણ તરફ મીટ માંડીને બેઠા છે.