અમદાવાદ: નવરંગપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં શુક્રવારે ડી. નરેશકુમાર આંગડીયા પેઢીમાં નોકરી કરતા કમલેશ પ્રજાપતિ અને છગનલાલ અલગ અલગ પેઢીમાંથી 50,19,650 રૂપિયાની રકમ એકત્રિત કરી થેલો લઈને એકટીવા પર કાલુપુર તરફ જઈ રહ્યા હતા, ત્યારે નેહરુબ્રિજ પતંગ હોટલ સામે એક એક્ટિવા ઉપર આવેલા ત્રણ અજાણ્યા ઈસમોએ થેલો આચકી ફરાર થઈ ગયા હતા. આ મામલે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.
એક એકટીવા અને રીક્ષાનો ઉપયોગ: આ સમગ્ર ઘટનાની જાણ થતા ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ આરોપીઓને પકડવા માટે તપાસમાં લાગી હતી. ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, આ ગુનામાં ફરિયાદી પોતે જ બીજા માણસોને ટીપ આપીને આ ગુનો કરવા પોતાની સાથે રાખ્યા છે અને આ ગુનામાં એક એકટીવા અને રીક્ષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેથી ક્રાઈમ બ્રાન્ચે સીસીટીવી ફૂટેજ અને એકટીવા તેમજ રીક્ષાના નંબરના આધારે આ ગુનામાં સામેલ કમલેશ પ્રજાપતિ, અશ્વિન પ્રજાપતિ, મેહુલ સિંહ ઉર્ફે મનુ રાજપુત, મયંક ઉર્ફે ઝંડુ જયસ્વાલ અને સૌરભ ઉર્ફે સોયબ કામલે નામના પાંચ આરોપીઓને દાણીલીમડા ગુલાબનગર પાસે આવેલા કચરાના ઢગલા પાસેથી ઝડપી પાડ્યા હતા.
કુલ 51,99,500 રૂપિયાનો મુદ્દામાલ કબજે: પકડાયેલા આરોપીઓ પાસેથી ક્રાઈમ બ્રાન્ચે રોકડ રકમ 49,98,500 રૂપિયા તેમજ ચાર મોબાઈલ ફોન અને ઓટો રીક્ષા તેમજ એક્ટિવા સહિત કુલ 51,99,500 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. પકડાયેલા આરોપીઓને પૂછપરછ કરતા સામે આવ્યું કે, ફરિયાદી કમલેશ પ્રજાપતિએ અન્ય આંગડિયા પેઢીમાં કામ કરતા મિત્ર અશ્વિન પ્રજાપતિ સાથે મળીને થોડાક દિવસો પહેલા આ લૂંટ કરવા માટે પ્લાન બનાવ્યો હતો. પ્લાનને અંજામ આપવા માટે મેહુલ રાજપુત, મયંક ઉર્ફે ઝંડુ અને સૌરભ ઉર્ફે સોયબને પોતાની સાથે આ ગુનામાં સામેલ કર્યા હતા.
50 લાખ ભરેલો થેલો ઝૂંટવી લીધો: ગુનો બન્યો તે દિવસે ફરિયાદી કમલેશ પ્રજાપતિ સતત વ્હોટ્સએપ તેમજ ફોનથી સંપર્કમાં રહી અન્ય આરોપીઓ સાથે વાતચીત કરતો હતો અને પતંગ હોટલ સામે નહેરુબ્રિજ પર આ લૂંટને અંજામ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પ્લાન મુજબ આરોપીઓએ ભેગા મળીને જ્યારે કમલેશ પ્રજાપતિ અને છગનલાલ એક્ટિવા લઈને પસાર થઈ રહ્યા હતા, ત્યારે તેઓની પાસે રહેલ 50 લાખ ભરેલો થેલો ઝૂંટવીને 3 આરોપીઓ ફરાર થઈ ગયા હતા. લૂંટ કર્યા બાદ મળેલી રકમમાંથી કમલેશ પ્રજાપતિને 25 લાખ તેમજ અશ્વિન પ્રજાપતિ અને મેહુલ ઉર્ફે મનુંને 10-10 લાખ રૂપિયા તેમજ મયંક ઉર્ફે ઝંડુ તેમજ સૌરભ ઉર્ફે સોયબને અઢી-અઢી લાખ રૂપિયા આપવાનું નક્કી કર્યું હતું, તે મુજબ વહેચણી કરવામાં આવી હતી.
શોર્ટકટમાં પૈસા કમાવા ગુનાને અંજામ: આ મામલે ક્રાઈમ બ્રાન્ચે કમલેશ પ્રજાપતિની તપાસ કરતાં સામે આવ્યું કે તે પોતે ડી. નરેશકુમાર આંગડિયા પેઢીમાં છેલ્લા ચાર પાંચ વર્ષથી કામ કરતો હતો અને શોર્ટકટમાં પૈસા કમાવા માટે તેણે આ ગુનાને અંજામ આપવા માટેનો પ્લાન બનાવ્યો હતો. તેના માટે તેણે અન્ય આરોપીઓને એકત્ર કરીને પોતે દરરોજ મોટી રકમની હેરાફેરી કરતો હોવાથી આ પ્રકારે મોટી રકમ મેળવીને ગુનાને અંજામ આપવાનું નક્કી કર્યું હતું. આ ગુનામાં ઝડપાયેલા આરોપીઓમાં મયંક ઉર્ફે ઝંડુ શહેરકોટડામાં મારામારીના સાત ગુનામાં પકડાયો છે અને બે વખત પાસા ભોગવી ચુક્યો છે તેમજ મેહુલ ઉર્ફે મનુ બાપુનગરમાં મારામારીના એક ગુનામાં અને કમલેશ પ્રજાપતિ અંબાજીમાં ઇંગલિશ દારૂના ગુનામાં સામેલ હોવાનું સામે આવ્યું છે. આ અંગે ક્રાઈમ બ્રાન્ચના ACP ભરત પટેલે જણાવ્યું હતું કે ગુનો બન્યા બાદ મુખ્ય આરોપી પોતે ફરિયાદ કરવા પહોંચ્યો હતો જોકે અન્ય આરોપીઓને ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં ઝડપી લેતા મુખ્ય આરોપીનો ભાંડો ફૂટી ગયો હતો, હાલ તમામ આરોપીઓને ઝડપી તમામ રોકડ કબ્જે કરી છે.
આ પણ વાંચો:
Morbi bridge accident case: મોરબી ઝૂલતાપુલ દુર્ઘટનામાં વધુ 2 આરોપીઓએ હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા