અમદાવાદ : શહેરમાં ફરી એક વાર ગુરુ શિષ્યના સંબંધોને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. શહેરના થલતેજ વિસ્તારમાં આવેલી પ્રતિષ્ઠીત ઈન્સ્ટીટ્યૂટના શિક્ષકે ધોરણ 7માં અભ્યાસ કરતી 12 વર્ષની વિદ્યાર્થીનીને સોશિયલ મીડિયામાં બિભત્સ મેસેજ કરી માંગણી કરતા અંગે મણીનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે.
શું છે સમગ્ર મામલો : અમદાવાદના મણીનગર પોલીસ મથકે આ મામલે ફરિયાદ નોંધાઈ છે. થલતેજ વિસ્તારમાં ગુરુદ્વારા પાછળના ભાગે આવેલી જાણીતી ઈન્સ્ટીટ્યૂટમાં 12 વર્ષની સગીરા ટ્યૂશનમાં અભ્યાસ કરે છે. 25મી જુન 2023થી લઈને 10મી જુલાઈ 2023 સુધી વિદ્યાર્થીનીને શિક્ષક શ્રેય મિસ્ત્રીએ સોશિયલ મીડિયામાં મેસેજ કર્યા હતા. જેમાં પહેલા સગીરા સારી લાગે છે તેવા મેસેજ કરીને બાદમાં સગીરા પાસે બિભત્સ ફોટાની માંગ કરી હતી અને એટલે ન અટકી લંપટ શિક્ષકે સગીરાને બિભત્સ ફોટા નહીં મોકલે તો અને તેની વાતો નહી માને તો ફેલ કરી દઈશ તેવી રીતે ડરાવી ધમકાવી હતી.
આ અંગે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરાઈ છે. આરોપી દ્વારા મોકલવામાં આવેલા મેસેજને લઈને પણ તપાસ હાથ ધરાઈ છે. આરોપી બી ટેક ભણેલો છે અને છેલ્લાં એક વર્ષથી આ ઈન્સ્ટીટ્યૂટમાં નોકરી કરે છે. - ડી.પી ઉનડકટ (PI, મણીનગર પોલીસ સ્ટેશન)
સગીરા પાસે આવી માંગણી : આરોપીએ સગીરને પાસ કરાવી દેવાની વાત કરીને અઘટીત માંગણીઓ કરતા સગીરાએ કંટાળીને આ મામલે પરિવાજને જાણ કરી હતી. આ મામલે મણીનગર પોલીસ સ્ટેશનમાં 26 વર્ષીય શ્રેય મિસ્ત્રી સામે પોક્સો તેમજ છેડતીની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. પકડાયેલો આરોપી IIT કેરલમાં પસંદ થયો હોય તેવો ખુલાસો થયો છે. આ મામલે ઝડપાયેલા આરોપીએ અન્ય કોઈ સગીરા પાસે આવી માંગણી કરી છે કે હેરાન કરી છે કે કેમ તે અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી છે.