અમદાવાદ: ભારત જેમ જેમ ટેકનોલોજીમાં હરણફાળ ભરી રહ્યું છે તેમ તેમ ટેકનોલોજીનો દુરુપયોગ પણ વધુ થઈ રહ્યો છે. ઓનલાઇન છેતરપિંડીના કિસ્સાઓમાં પણ ચિંતાજનક હદે વધારો થઈ રહ્યો છે. આવો વધુ એક ઓનલાઇન ફ્રોડનો કિસ્સો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયો છે.
ઓનલાઇન ફ્રોડથી 79 લાખથી વધુ ગુમાવ્યા: તારીખ 30 મે 2023ના રોજ સાંજના સાડા પાંચથી છ વાગ્યાના સુમારે વિટ્રાગ ફોમ પ્રાઇવેટ લિમિટેડના નામથી બેન્ક ઓફ બરોડા હિંમતનગરના એકાઉન્ટમાં રજિસ્ટર્ડ વોડાફોન કંપનીના સીમ પરથી પાસવર્ડ તેમજ પિન મેળવી કોઈ અજાણ્યા શખ્સોએ સીમ સ્વેપ કરી જાણ બહાર કંપનીના ખાતામાંથી 79 લાખ 70 હજાર જેટલી માતબર રકમ ટ્રાન્સફર કરી લેતા આ અંગે સાયબર ક્રાઇમમાં ગુનો નોંધાયો હતો. જે અંગે ક્રાઇમ બ્રાન્ચે તપાસ આરંભતા ગૌતમ નામના આરોપીને ઝડપી લીધો હતો.
ટેકનોલોજીનો જાણકાર હતો આરોપી: લાખો રૂપિયાના ઓનલાઇન ટ્રાન્સફર મામલે પોલીસે ઝડપેલા આરોપી ગૌતમ મૂળ ઝારખંડનો રહેવાસી હતો. હાલ મહારાષ્ટ્રના પૂનામાં incedo technology institute Ltd. કંપનીમાં એક્ઝિક્યુટિવ તરીકે ફરજ બજાવતો હતો. ટેકનોલોજીના દરેક સ્ટેપનો જાણકાર આરોપી ગૌતમે બીજા અન્ય એક આરોપી સાથે મળી ફરિયાદીની કંપનીના રજીસ્ટર્ડ સીમનો ઉપયોગ કરીને એકાઉન્ટમાંથી પોતાના ખાતામાં 38 લાખ ટ્રાન્સફર કર્યા બાદ આ રકમ wazix કંપનીમાં નાખી USD ખરીદ કરવા ટ્રાન્સફર કર્યા હતા. બાકીના નાણાં આઈસીઆઈસીઆઈ બેંકમાં 41 લાખ 70 હજાર ટ્રાન્સફર કર્યા હતા.
આરોપીની ધરપકડ: જોકે કંપનીએ સમયસૂચકતા વાપરી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી લઇ પૂછપરછ કરતા તમામ વિગતો બહાર આવી હતી. જોકે ત્યાર બાદ પોલીસે આરોપીઓના એકાઉન્ટમાં ટ્રાન્સફર થયેલા તમામ નાણાં એકાઉન્ટ ફ્રીઝ કરાવી 50 લાખ ફરિયાદીને પરત અપાવતા મોટું નુકશાન થતાં બચાવ્યું હતું. નોંધનીય છે કે હાલ ટેકનોલોજીનો વ્યાપ વધ્યો છે ત્યારે ઓનલાઇન છેતરપિંડીના કિસ્સાઓ પણ વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. ત્યારે સાયબર ક્રાઇમ દ્વારા પણ આવી ઓનલાઇન છેતરપિંડી પર વધારે ધ્યાન આપવામાં આવી રહ્યું છે. જોકે ટેકનોલોજીમાં એક્સપર્ટ હેકરો પણ પોલીસને પડકાર આપતા હોય તેમ છેતરપિંડી કરી આબાદ બચી જતાં હોય છે.