અમદાવાદ : શહેરમાં પતિના અન્ય સ્ત્રી સાથેના આડા સંબંધ અને ઘરેલુ હિંસાથી કંટાળી વધુ એક યુવતીએ જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના સામે આવી છે. પતિના પરસ્ત્રી સાથે સંબંધ રાખવા અંગે પતિ-પત્ની વચ્ચે થતા ઝઘડાથી કંટાળી યુવતીએ એક વખત આપઘાતનો વિચાર કર્યો હતો. જોકે ત્યારે બાળકોનું વિચારી અટકી પગલું લેતા ગઈ હતી. પરંતુ ત્રાસ એટલી હદે વધી ગયો કે, અંતે તેમણે જીવનનો અંત લાવી દીધો. આ અંગે યુવતીની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
ફરિયાદ મુજબ માહિતી : અમદાવાદ કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મજૂર ગામ ગીતામંદિર ખાતે રહેતા મંજુલાબેન શ્રીમાળીએ આ અંગે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ચોપડે નોંધાયેલી ફરિયાદ મુજબ તેઓ હાલ તેઓના 19 વર્ષીય દીકરા સાથે ભાડે રહે છે. તેઓના પતિ 8 વર્ષ પહેલા મૃત્યુ પામ્યા હોવાથી તેઓ ભિક્ષાવૃત્તિ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓને સંતાનમાં ચાર દીકરી અને એક દીકરો છે, જેમાં 25 વર્ષીય દિકરી પૂનમના લગ્ન વર્ષ 2015 માં જ્ઞાતિના રીત રિવાજ મુજબ થયા હતા. યુવતીના લગ્ન બધા પુનાની ચાલીમાં રહેતા મયુર ઔદીચ્યની સાથે કુળદેવીના મંદિરે થયા હતા. લગ્ન બાદ તેઓની દીકરી પૂનમ તેની સાસરીમાં પતિ સસરા-સાસુ સાથે રહેતી હતી. દીકરીની નણંદ સોનલ અને અનિતાના પણ લગ્ન થઈ ગયા હતા.
ઘરેલુ હિંસા : દીકરી પૂનમના લગ્ન બાદ તે પતિ અને સાસરીયાઓ સાથે રહેતી હતી. થોડા સમય બાદ પતિ અને સાસુઓ નાની-નાની વાતે તેને કામમાં વાંક કાઢી મહેણાં મારી મારઝુડ કરતા હતા. તેમજ તેની નણંદ અવારનવાર આવીને તેના પતિ અને સાસુને ચડામણી કરતી અને મારઝુડ કરતા હતી. જે અંગે પૂનમ તેના માતાના ઘરે આવતી ત્યારે જણાવતી હતી. પરંતુ દીકરીનું લગ્ન જીવન ટકાવી રાખવા માટે તેઓ સહન કરવાનું કહેતા પૂનમ આ બાબતો સહન કરતી હતી.
નણંદ પણ માર મારતી : પૂનમને બાળકો થયા બાદ પણ તેના પતિ, સાસુ તેમજ નણંદ દ્વારા ત્રાસ આપવાનું ચાલુ રાખવામાં આવ્યું હતું. ફરિયાદી મહિલા બે વર્ષ પહેલાં તેઓના ગામથી અમદાવાદ ગીતામંદિરમાં રહેવા આવ્યા હતા. ત્યારથી તેઓની દીકરીની સાસરી નજીક હોય તે અવારનવાર ઘરે આવતી હતી. ત્યારે પણ તેના પર ત્રાસ ચાલુ હોવાનું જણાવતી હતી. આશરે દોઢ મહિના અગાઉ ફરિયાદીની દીકરી પૂનમ તેઓના ઘરે આવી હતી. ત્યારે તેણે તેના પતિને પરસ્ત્રી સાથે જોઈ જતા તેના પતિએ પૂનમને તેના ઘરે આવીને મારઝૂડ કરી હોવાનું જણાવ્યું હતું.
જમાઈ ધમકી આપતો : ફરિયાદીના જમાઈ મયુરને પત્ની પૂનમ માતાના ઘરે આવી છે. તેવી જાણ થતા તે પણ ઘરે આવ્યો હતો. ફરિયાદીની નજર સામે તેઓની દીકરી પૂનમને ગડદાપાટુનો માર માર્યો હતો. મહિલા દીકરીને છોડાવવા વચ્ચે પડતા જમાઈએ જણાવ્યું હતું કે, હું 17 ને લઈને ફરીશ, તમે મારું કંઈ નહીં બગાડી શકો. જો મારા રસ્તામાં આવશો તો બધાને જાનથી મારી નાખીશ. ત્યારબાદ તે ત્યાંથી જતો રહ્યો હતો. દીકરી પૂનમને થોડો સમય માતાના ઘરે રહી પરંતુ થોડાક સમય બાદ બાળકોના લીધે સાસરીમાં ગઈ હતી.
આત્મહત્યાનો પ્રયાસ : 15 દિવસ પહેલા પૂનમ રડતા રડતા માતાના ઘરે આવી હતી. તેણે માતા અને ભાઈને જણાવ્યું હતું કે, તેનો પતિ કોઈ સ્ત્રી સાથે ફોન ઉપર વાત કરે છે. જેથી તે સ્ત્રી કોણ છે તે જાણવા માટે ફોન લઈ લેતા પતિએ ફરીથી તેની સાથે મારઝૂડ કરી છે. તે મરવા માટે સાબરમતી નદીમાં ગઈ હતી, પરંતુ તેના બાળકોનો વિચાર આવતા તે પાછી આવી ગઈ હતી.
જમાઈને ઠપકો આપ્યો : માતા પૂનમ સાથે તેની સાસરીમાં જઈને મારઝૂડ કરવા બદલ અને બીજી સ્ત્રી સાથે આડા સંબંધ ન રાખવા બદલ જમાઈને ઠપકો આપ્યો હતો. પરંતુ તેનું ઉપરાણું લઈને યુવકની માતા અને બહેને ભેગા મળીને મહિલા સાથે ઝઘડો કર્યો હતો. ઉપરાંત માર મારીને ત્યાંથી કાઢી મૂક્યા હતા. જે પછી પંદર દિવસ સુધી તેઓની દીકરી પૂનમને મળવા કે વાતચીત કરવા દીધી ન હતી.
આ બાબતની હકીકત ફરિયાદીને ધ્યાને આવી હતી. જે બાદ તેઓએ દીકરીની અંતિમવિધિ કરી હતી. ત્યારબાદ આ અંગે દીકરીના પતિ મયુર અને તેની સાસુ દીનાબેન અને નણંદ સોનલ સામે આત્મહત્યા દુષ્પ્રેરણ અંગે કાગડાપીઠ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ અંગે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.આ અંગે આરોપીઓને પકડવાની કાર્યવાહી ચાલુ છે. સાક્ષીઓના નિવેદન અને અન્ય પુરાવાઓને આધારે તપાસ હાથ ધરવામાં આવી છે.-- હરદીપસિંહ ઝાલા (PI, કાગડાપીઠ પોલીસ સ્ટેશન)
ત્રાસીને ઝેરી દવા પીધી : 27 મી જુન 2023 ના રોજ રાત્રીના સવા આઠ વાગ્યા આસપાસ મહિલા તેઓના દીકરા સાથે ઘરે હતા. ત્યારે દીકરાના ઓળખીતા વ્યક્તિએ ફોન કરીને જણાવ્યું હતુ કે, તેઓની દીકરી પૂનમે દવા પીધી છે અને તેને ખાનગી હોસ્પિટલ નારોલ ખાતે દાખલ કરી છે. મહિલા તેઓના દીકરા તેમજ અન્ય દીકરી સાથે દવાખાને ગયા હતા. ત્યાં તેઓની દીકરી પૂનમ દાખલ હતી અને કઈ બોલતી ન હતી.
સારવાર દરમિયાન મૃત્યુ : ફરિયાદીના અનુસાર ચહેરા અને ગળાના ભાગે તેમ જ શરીરે માર માર્યાના નિશાન દેખાતા હતા. જેથી તેઓએ દીકરીના સાસરીયાઓને બનાવ વિશે પૂછતાં તેઓએ સરખો જવાબ આપ્યો ન હતો. તેઓએ તપાસ કરતા દીકરી પૂનમે 26 જૂન 2023 ના રોજ સાંજના સમયે સાસરીમાં આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. યુવતીને એલ.જી હોસ્પિટલ ખાતે દાખલ કરી હતી. તેના સાસરિયાઓએ આ બાબતે કોઈને જાણ કરી ન હતી. 27 જૂન 2023 ના રોજ રાતના 11 વાગે પૂનમનું મોત થયું હતું.