અમદાવાદ : ધોળકા તાલુકાના આવેલા એક ગામમાં એક પુત્ર એ પિતાની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. જેમાં અવારનવાર પિતા પુત્ર વચ્ચે થતા ઝગડા અને પુત્રની પિતાના ચારિત્ર પર શંકા કારણ સામે આવ્યું છે. જોકે આરોપી પુત્ર એ હત્યાને અકસ્માત ખપાવવા બનાવ્યો હતો માસ્ટર પ્લાન. પણ પોલીસે ગુનાનો ભેદ ઉકેલી આરોપીની ધરપકડ કરી છે.
શું હતો સમગ્ર બનાવ : ધોળકા તાલુકામાં આવેલા બેગવા ગામ પરામાં 10 દિવસ પહેલા એટલે કે 22 ફેબ્રુઆરીએ ભરત ખોરદીયા (પગી) ને. અજાણ્યા વાહને ટક્કર મારી મૃત્યુ નીપજાવ્યું હોવાની ફરિયાદ જશીબેન ખોરદીયાએ કોઠ પોલીસ મથકે નોંધાવી હતી. જેમાં માથામાં ગંભીર ઈજાઓ થતા હેમરેજ થતાં ભરત પગીનું મૃત્યુ થયું હોવાનું જણાવતા પોલીસે પોસ્ટમોટર્મ કરાવ્યા બાદ તપાસ શરૂ કરી હતી.
દીકરાઓ હત્યાની કરી કબુલાત : આ બનાવ પોલીસને શંકાસ્પદ લાગતા આ મામલે સ્થાનિક પોલીસની સાથે ગ્રામ્ય LCB પણ તપાસ કરી રહી હતી, ત્યારે LCBને માહિતી મળી હતી કે મૃતક ભરત પગીને અવારનવાર તેના દીકરા મહેન્દ્ર પગી સાથે બોલાચાલી તેમજ જાહેરમાં ઝઘડો અને છૂટા હાથની મારામારી થતી હતી. જેથી ગ્રામ્ય LCB એ કેસની ઊંડાણપૂર્વક તપાસ કરતા અને મૃતકના દીકરા મહેન્દ્ર પગીની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા આરોપી દીકરો ભાંગી પડયો હતો અને પિતાના હત્યાની કબૂલાત કરી હતી.
આ પણ વાંચો : Kushinagar Mother Killed Son: ગુસ્સે ભરાયેલી માતાએ ચાર વર્ષના પુત્રને ચાકુ વડે ઘા મારી હત્યા
પિતાની હત્યા કરવા પાછળનું કારણ : આરોપી મહેન્દ્ર પગીએ જણાવ્યું હતું કે, પિતા ભરત પગી સાથે તેને અવારનવાર ઝઘડો થતો હતો અને ઘટનાના દિવસે પણ કોઈ બાબતને લઈને બંને વચ્ચે બોલાચાલી ઝઘડો ઉગ્ર થતા મહેન્દ્રે ઘર બહાર પડેલા ધોકાથી પિતાને માથામાં ફટકો મારતા પિતા ભરત પગી ત્યાં જ ઢળી પડ્યા હતા. જે બાદ પોતે ફસાઈ જશે તેવા ભયથી આરોપીએ પિતાની મૃત્યુ અકસ્માત મોત ખપાવવાનો પ્લાન બનાવ્યો હતો. મૃતકને હોસ્પિટલમાં લઈ જઈ અજાણ્યા વાહન ચાલકે તેઓને ટક્કર મારતા તેઓને ઈજાઓ થઈ હોવાનું જણાવ્યું હતું. માતા થકી પોલીસમાં જાણ કરતા પોલીસે અકસ્માત મૃ્ત્યુ દાખલ કરી હતી.
પુત્રની પત્ની સાથે આડા સંબંધ : આ સમગ્ર મામલે આરોપી પુત્રને પોતાના પિતાના જ પોતાની પત્ની સાથે આડા સંબંધ હોવાની આશંકા હોવાની પણ બાબત સામે આવી છે. જે મામલે સમગ્ર ગામમાં ચર્ચા ચાલતી હોય અને હત્યા પાછળનું કારણ પણ તે જ હોવાની વાત ચર્ચાઈ રહી હોય તેને લઈને પોલીસે આ વિષય અંગે પણ આરોપીની પૂછપરછની પ્રક્રિયા શરૂ કરી છે. જોકે આ મામલે આરોપી મહેન્દ્ર પગીની માતા અને પત્ની પણ સમગ્ર ઘટનાથી જાણકાર હોય અને છતાં પણ મામલો દબાવવાનો પ્રયાસ કર્યો હોવાથી પોલીસે તે અંગે પણ વધુ કાર્યવાહી શરૂ કરી છે.
પોલીસનું નિવેદન : આ અંગે અમદાવાદ જિલ્લા SP અમિતકુમાર વસાવાએ જણાવ્યું હતું કે, કોઠ પોલીસ મથકે દાખલ થયેલી જાણવાજોગમાં શરૂઆતથી જ પોલીસને આરોપી પર શંકા હતી. તેની વધુ તપાસ કરવામાં આવતા હત્યાનો ખુલાસો થયો છે. જોકે આ મામલે આરોપીની વધુ પૂછપરછ અને અન્ય બાબતો અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.