અમદાવાદ : શહેર પોલીસ કમિશનર અને અધિક પોલીસ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જામીન પર જેલમાંથી બહાર આવેલા આરોપી મોન્ટુને જામીનની મુદ્દત પૂર્ણ થયા બાદ જેલમાં હાજર ન થતાં સાયબર ક્રાઇમ બ્રાન્ચને સૂચના આપવામાં આવી હતી. જેને લઈને સાયબર ક્રાઇમ બ્રાન્ચે ટૂંકા ગાળામાં આરોપીને રાજસ્થાનથી ઝડપી લઇ જેલના હવાલે કરી દીધો હતો.
હત્યા કેસનો આરોપી : અમદાવાદના ખાડિયા પોલીસ સ્ટેશનની હદમાં થોડા સમય અગાઉ રાકેશ ઉર્ફે બોબી સુરેશભાઈ મહેતા નામના વ્યક્તિના હત્યાની ઘટના બની હતી. જે ઘટના બાદ મર્ડરમાં શામેલ આરોપીની ખાડિયા પોલીસે ધરપકડ કરી જેલના હવાલે કરી દીધો હતો.ત્યારે બોબી હત્યા કેસમાં શામેલ અમદાવાદના ઇસનપુરમાં રહેતા મોન્ટુ ઉર્ફે સુરેશચંદ્ર ગાંધીને પકડવામાં આવ્યો હતો.
પેરોલ જમ્પ કરી ફરાર થયો : આરોપી મોન્ટુને કોર્ટમાં રજૂ કરાયા બાદ ચાલેલી કાર્યવાહીના પગલે બોબી સુરેશભાઈ મહેતા નામના વ્યક્તિના હત્યાના આરોપસરં નડિયાદ જેલમાં કાચા કામના કેદી તરીકે મોકલી દેવામાં આવેલો હતો. મોન્ટુએે 13 જુલાઈ 2023ના રોજ વચગાળાના જામીન માટે અરજી કરતા તેને જામીન મંજૂર થયા હતાં. જામીન મળ્યા બાદ આરોપી એ 27 જુલાઈએ નડિયાદ કોર્ટમાં હાજર થવાનું હતું પરંતુ આરોપી જેલમાં હાજર ન થઈ પેરોલ જમ્પ કરી ફરાર થઇ ગયો હતો.
આરોપી મોન્ટુ પેરોલ જમ્પ કરી ફરાર થતાં અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા આરોપીને પકડી લાવવા સૂચના આપવામાં આવી હતી, જે સૂચનાને અનુસંધાને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આરોપીને શોધવા અલગ અલગ ટુકડીઓ બનાવી વોચ રાખી હતી. ત્યારે આરોપી મોન્ટુ ઉર્ફે સુરેશચંદ્ર રાજસ્થાન હોવાની ખાનગી બાતમી ક્રાઇમ બ્રાન્ચના મળતાં ક્રાઇમ બ્રાન્ચે આરોપીને ઉદેપુર નાથદ્વારા હાઇવે પરથી ઝડપી લીધો હતો...જે. એમ. યાદવ ( ACP, સાયબર ક્રાઇમ )
કામના કેદી તરીકે નડિયાદ જેલમાં : પોલીસે આરોપી વિશે વધુમાં માહિતી આપતા જણાવ્યું હતું કે મર્ડર કેસમાં કાચા કામના કેદી તરીકે સજા ભોગવી રહેલા મોન્ટુ ઉર્ફે સુરેશચંદ્ર ગાંધીનો કેસ ચાલુ હતો અને આરોપી મર્ડર કેસમાં કાચા કામના કેદી તરીકે નડિયાદ જેલમાં હતો. આ આરોપી અગાઉ પણ ગુનાઇત પ્રવૃત્તિઓમાં સંકળાયેલો હોવાનું પોલીસે ખુલાસો કર્યો હતો.
આરોપી મોન્ટુ વિરુદ્ધ અનેક કેસ : પોલીસે વધુમાં જણાવ્યું હતું કે આરોપી મોન્ટુ વિરુદ્ધ જુગારધારા હેઠળ 15, હથિયાર ધારા હેઠળ 2 અને શરીર સંબંધી 6 ગુનાઓ નોંધાયેલા છે. ઉપરાંત આરોપી મોન્ટુએ કોર્ટમાંથી વચગાળાના જામીન મેળવી જામીન પર છૂટ્યા બાદ છેલ્લા ત્રણ માસથી જુદાજુદા રાજ્યોમાં પણ ગયો હોવાનું પોલીસે જણાવ્યું હતું, ત્યારે આવા રીઢા ગુનેગારને ઝડપવા સાથે પોલીસે આગળની કાર્યવાહી કરતાં જેલને હવાલે કર્યો છે.