અમદાવાદ : સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા આંબલી ગામમાં બિલ્ડરની ઓફિસમાં થયેલી ધાડનો ભેદ ઉકેલાયો છે. આ મામલે ગેંગમાં સામેલ 6 શખ્સોમાંથી ત્રણ આરોપીઓની ધરપકડ કરાઈ છે. ઓફિસની બહાર પાર્ક કરેલી વૈભવી ગાડીઓને જોઈને એક આરોપીએ પોતાના મિત્ર થકી ધાડ પાડવાની આયોજન કરી રાજસ્થાનથી ગેંગ બોલાવી હતી. આ મામલે સરખેજ પોલીસે હિતેશ મીણા અને જીતેન્દ્ર મીણા તેમજ ગુનામાં સામેલ એક સગીરને પકડી પાડ્યા છે. આ ગુનામાં સંડોવાયેલી ગેંગ ચડ્ડી બનીયાનધારી નહીં પરંતું રાજસ્થાનની ગેંગ હોવાનો ખુલાસો થયો છે.
મોટી મોટી ગાડીઓ જોઇ લૂંટનો પ્લાન બનાવ્યો : સરખેજ પોલીસે પકડેલો આરોપી જીતેન્દ્ર મીણા લૂંટવાળી જગ્યાએથી અવારનવાર પસાર થતો હતો. ત્યાં અવાર નવાર મોંઘીદાટ ગાડીઓ આવતી હોવાથી જીતેન્દ્રને ઇન્કમટેક્સની રેડ તથા ત્યાં કરોડપતિ લોકો આવતા હોવાની બિલ્ડીંગમાં મોટી રકમ રોકડમાં રાખવામાં આવેલો હોવાનું અનુમાન હતું. જેને પગલે લૂંટ કરવાનું નક્કી કર્યું અને પહેલા તેણે ચોરીની ટેવ ધરાવનાર તેના ગામના રાકેશ મીણાને જાણ કરી અન્ય આરોપીઓને રાજસ્થાનથી બોલાવી લૂંટને અંજામ આપ્યો હતો.
આ પણ વાંચો Ahmedabad Crime : જમાલપુરમાં ધોળે દિવસે આંગડિયા કર્મી પાસેથી લૂંટાયા 26 લાખ, આરોપી ફાયરિંગ કરી ફરાર
આવી રીતે કરી હતી લૂંટ : આરોપીઓએ હાઉસ ઓફ આદી નામની આંબલી ગામમાં આવેલી બિલ્ડરની ઓફિસ પર પહેલા રેકી કરી. આરોપીઓએ ત્યાં રહેતા બે લોકોમાંથી એકને પાઇપ મારી હત્યાની કોશિષ કરી તો એકને બંધક બનાવી કરોડોની લૂંટ ચલાવવાનું માનીને અંદર ઘૂસ્યા હતાં જોકે તેઓને માત્ર 60 હજાર રોકડ અને ટીવી મોબાઈલ તેમજ વાહન સહિત કુલ એક લાખની લૂંટ કરી હતી. આરોપીઓ ભોગ બનનાર એક કર્મીની બાઇક પણ લૂંટી ગયા હતાં, જેની જાણ પોલીસને થતાં પોલીસે બાઇક ટ્રેક કરતા નારણપુરા તરફ હોવાની દિશા મળતા ત્યાં પહોંચતા બાઇક બિનવારસી મળ્યું હતું.
પોલીસો ગરીબના દેખાવમાં આખી રાત બેસી રહ્યાં : બાઇક લેવા કોઇ આવે તેની રાહમાં પોલીસની 20 જેટલા કર્મચારીઓની ટીમ આખી રાત વેશપલટો કરી ગરીબ અને સીધા સાદા માણસો દેખાય તેમ બેસી રહી. આખરે વાસુદેવ નામનો એક વ્યક્તિ બાઇક લેવા આવ્યો અને પોલીસે તેને ઝડપી પાડ્યો. જો કે તે બાઇકની ચાવી તેને રાકેશ મીણાએ આપી અને તેના કહેવા પર લેવા આવ્યો હોવાની કબૂલાત કરી.
લૂંટમાં ગયેલો માલ પણ મળી આવ્યો : બાઇક લેવા આવનારા વાસુદેવે પોલીસ આગળ કબૂલાત કરી નાખી આરોપી રાકેશ મીણા તો ચોરીના કેટલાય ગુનામાં સંડોવાયેલો છે. તે એક બે મહિનાના ગાળામાં માલારામ મીણા અને લલિત ઉર્ફે લલ્લુ ધુલિયા સાથે ગુજરાતમાં ચોરીની ઘટનાને અંજામ આપે છેે. આરોપી સોલામાં એક ઓરડી રાખીને રહે છે. જેથી પોલીસ તાત્કાલિક તે ઓરડીમાં પહોંચી હિતેશ મીણાને ઝડપી પાડ્યો. તેણે કુલ છ શખ્સો લૂંટમાં હોવાની પોલીસ સમક્ષ કબૂલાત કરી, જે પૈકી રાકેશ અને લલિત બે દિવસ પહેલા રાજસ્થાનથી આવી કિશોર સાથે મળી રેકી કરવા લાગ્યા હતા. પોલીસે ઓરડીમાં તપાસ કરતા લૂંટમાં ગયેલો માલ પણ મળી આવ્યો હતો. બિલ્ડરને ત્યાં લૂંટ કોના કહેવા પર કરી તેની પૂછપરછમાંં આરોપી રીઢા ચોર એવા જીતેન્દ્ર મીણાનું નામ જાણવામાં આવ્યું જે બાદ પોલીસે તેને પણ ઝડપી લીધો હતો.
હોસ્પિટલમાં નોકરી કરતો હતો ચોર : જીતેન્દ્ર બોપલમાં રહી હોસ્પિટલમાં નોકરી કરતો હતો. તે આ લૂંટવાળી જગ્યા પાસેથી નીકળે ત્યારે મોંઘીદાટ ગાડીઓ જોઇ તેને કરોડોની લૂંટનો વિચાર આવ્યો અને તેણે ટીપ આપી આરોપીઓને બોલાવી લૂંટ કરાવી અને ઓછી રકમ મળતા આઠ આઠ હજારનો ભાગ અન્ય આરોપીઓને આપી દીધો હતો.
અન્ય આરોપીઓને ઝડપી લેવા ટીમ રવાના : હાલ સરખેજ પોલીસે હિતેશ અને મુખ્ય આરોપી જીતેન્દ્રની ધરપકડ કરી સગીર આરોપી સામે કાર્યવાહી કરી છે. તયારે હવે પોલીસે રાકેશ, માલારામ અને લલિતની શોધખોળ કરવા ટીમો રાજસ્થાન રવાના કરી છે. ચોરટોળકીએ તપાસ કરતી પોલીસને ભટકાવવા માટે ચડ્ડીબનિયનધારી ગેંગ હોવાનો ડોળ ઊભો કર્યો હતો. ત્યારે હાલ ત્રણેલ લોકોને સાથે રાખી પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી વધુ તપાસ તો શરૂ કરી છે પણ ફરાર આરોપીઓને શોધવા પણ તજવિજ હાથ ધરી છે.
રિમાન્ડ માટેની તજવીજ હાથ ધરાઈ : આ અંગે સરખેજ પોલીસ સ્ટેશનના PI વી.જે ચાવડાએ જણાવ્યું હતું કે આરોપીઓ મોટી રકમની લૂંટના ઇરાદે રાજસ્થાનથી અમદાવાદ આવ્યા હતા જોકે હાલ અન્ય વોન્ટેડ આરોપીઓની ધરપકડ માટે કવાયત તેજ કરાઈ છે. અને પકડાયેલા આરોપીઓના રિમાન્ડ માટેની તજવીજ હાથ ધરાઈ છે.