અમદાવાદ : મણીનગર વિસ્તારમાં એક યુવતી સાથે લવ સેક્સ ઓર ધોકાની ઘટના બની છે. મેટ્રિમોનિયલ સાઈટ પરથી યુવતીનો સંપર્ક સાધી ઠગ યુવકે તેને લગ્નની લાલચ આપી હોટલમાં લઈ જઈ શરીર સંબંધ બાંધ્યા હતા. તેની પાસેથી ટુકડે ટુકડે લાખો રૂપિયા પડાવ્યા હતા. જે બાદ પૈસા પરત ન કરી કે તેની સાથે લગ્ન ન કરી વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી હતી. આ સમગ્ર બાબતે મણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. મણિનગર પોલીસે આ અંગે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી છે.
મણીનગરની યુવતી : અમદાવાદના મણીનગર વિસ્તારમાં રહેતી 32 વર્ષીય યુવતીએ આ અંગે ફરિયાદ નોંધાવી છે. યુવતી ભાઈ-ભાભી સાથે રહે છે અને અસલાલી ખાતે આવેલી ખાનગી કંપનીમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે નોકરી કરે છે. એક વર્ષ પહેલા યુવતીએ પોતાનો બાયોડેટા જીવનસાથી ડોટ કોમ ઉપર મૂક્યો હતો. જેથી તેને વ્હોટ્સએપ પર આકાશ નામના યુવકનો મેસેજ આવ્યો હતો. જે બાદ બંને વચ્ચે વાતચીત શરૂ થઈ હતી.
ઓનલાઇન મુલાકાત : બંને જણા એકબીજાને પસંદ કરતા હોવાથી બીજા દિવસે આરટીઓ સર્કલની બાજુમાં આવેલ હોકો નામના કેફેમાં મુલાકાત થઈ હતી. મુલાકાત દરમિયાન બંને વચ્ચે એકબીજાના પરિવાર વિશે વાતચીત થઈ હતી. યુવતીને વિચારવાનો સમય જોઈતો હતો અને સમયની વાત કરતા યુવકે હું સાચો છું લોયલ રહેવા માંગુ છું. તો જે યુવતી લોયલ ઇન્ટરેસ્ટ હોય એ જ રહેવા માંગશે અને હાલમાં મારી પાસે મંગળસૂત્ર અને સિંદૂર પુરવા માંગુ છું. તેમ કહીને વાતનું દબાણ કર્યું હતું. પરંતુ યુવતીએ તેની વાત માની ન હતી.
લગ્નનો વાયદો : જે બાદ આકાશે લગ્ન કરશે તે રીતે દબાણ કરી મંગળસૂત્ર અને સિંદૂર ભરવા માટે ફરીથી મળવાનું કહીને યુવતીને હોટલ રૂમમાં લઈ જવાની વાત કરતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. જે બાદ આકાશે યુવતીને લગ્ન કરવાનો પાકો વિશ્વાસ ઉભો કરતા યુવતી આકાશને મળવા માટે આરટીઓ સર્કલની પાસે આવેલ હોટલ કિંગ પેલેસમાં ગઈ હતી. ત્યાં આકાશે યુવતીને મંગળસૂત્ર પહેરાવ્યું હતું અને સુંદર સિંદૂર પણ કર્યું હતું. જે બાદ તેની જોડે બળજબરી પૂર્વક શારીરિક સંબંધ બાંધ્યો હતો. આ જગ્યાએ આકાશ તેને અવારનવાર લગ્ન કરવાની લાલચ આપી હોટલમાં લઈ જઈ મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધતો હતો.
આકાશે મને લગ્નની લાલચ આપી જબરદસ્તી હોટલની રૂમમાં લઈ જઈ મંગળસૂત્ર પહેરાવી અને માંગમાં સિંદૂર ભરીને ઈમોશનલ બ્લેકમેલ કરીને દુષ્કર્મ ગુજાર્યું હતું. ટુકડે ટુકડે પૈસા પણ પડાવ્યા હતા. તેના દ્વારા આ રીતે અન્ય યુવતીઓ સાથે પણ છેતરપિંડી કરવામાં આવી હોય જેથી આ મામલે મેં ફરિયાદ નોંધાવી છે. -- ભોગ બનનાર યુવતી
રૂપિયા પડાવ્યા : જે પછી 19 જુલાઈના રોજ આકાશનો જન્મદિવસ આવતો હોય આકાશે જીદ કરી તેની માટે iphone ફોનની માંગ કરતા યુવતીએ લોન લઈને આકાશને 1,36,000 ની કિંમતનો iphone અપાવ્યો હતો. જે ફોન તેણે બીજા દિવસે એક લાખ રૂપિયામાં વેચી નાખ્યો હતો. જે બાદ આકાશે પોતાની બહેન માટે iphone લેવો છે અને 70 હજાર રૂપિયાની જરૂર છે. તેવું જણાવી યુવતી પાસેથી પૈસા પડાવ્યા હતા. યુવતીએ માતા-પિતાને મળવાનું જણાવતા આકાશે જણાવ્યું હતું કે, 24 જુલાઈના રોજ પોતાનો જન્મદિવસ છે. તે દિવસે તેના માતા-પિતા આવશે ત્યારે મુલાકાત કરાવશે. તેમ છતાં તેને જન્મ તારીખ પસાર થઈ ગઈ હોવા છતાં પણ તેણે મુલાકાત કરાવી ન હતી.
બળાત્કાર ગુજાર્યો : જે બાદ નવેમ્બર મહિનામાં આકાશે યુવતીને જણાવ્યું હતું કે, પોતાને મેક ડોનાલ્ડમાં ધંધો કરવા માટે જગ્યા ભાડે રાખી છે. ભાડાની રકમ ૩૦ હજાર રૂપિયા ખૂટે છે હું થોડા સમયમાં તને પાછા આપી દઈશ તેવું જણાવી તેની પાસેથી ₹30,000 મેળવ્યા હતા. યુવતીના પિતાની તબિયત સારી ન રહેતી હોવાથી તેઓ હયાત હોય ત્યાં સુધીમાં તેના લગ્ન થઈ જાય તેવી ઈચ્છા તે ધરાવતી હોવાથી આકાશને જણાવ્યું હતું. આકાશ થોડાક દિવસોમાં લગ્ન કરી લઈશું તેવું જણાવતો હતો. ડિસેમ્બર 2022 માં રોજ યુવતી આકાશના ઘર સુધી પહોંચી ગઈ હતી. તે વખતે આકાશને જાણ થતા આરટીઓ સર્કલ પાસે આવેલી એક દુકાનમાં તેને બોલાવી હતી. યુવતી આકાશને મળવા જતા આકાશે તું અત્યારે મારી સાથે હોટલમાં આવીશ તો જ હું તારા પિતાજીને મળવા આવીશ. તેવું જણાવી યુવતીને હોટલમાં લઈ જઈ તેની સાથે ફરિવાર બળાત્કાર ગુજાર્યો અને આવતા અઠવાડિયામાં આવી જઈશ તેવું જણાવ્યું હતું.
આ મામલે ગુનો દાખલ કરી આરોપીના રિમાન્ડ મેળવી તપાસ શરૂ કરાઈ છે. તેણે ફરિયાદી સિવાય અન્ય કેટલી યુવતીઓ સાથે આ રીતે સંબંધ કેળવી પૈસા પડાવ્યા છે. તે અંગે તપાસ ચાલુ છે. -- બળદેવ દેસાઈ (ઈન્ચાર્જ DCP, ઝોન 6 અમદાવાદ)
આર્થિક ફાયદો : જે બાદ તેણે થોડા દિવસો પછી ફરીવાર પોતાને પચાસ હજાર રૂપિયાની જરૂર છે. ટૂંક સમયમાં પાછા આપી દઈશ એવું જણાવતા યુવતીએ ફરીવાર તેને પૈસા આપ્યા હતા. બાદમાં 30,000 રૂપિયા પરિવાર આપ્યા હતા. એ બાદ આકાશે યુવતીને જણાવવામાં આવ્યું હતું કે. મારા નાના ગુજરી ગયા છે અને અમારે રિવાજમાં સાસરી પક્ષ તરફથી મામાને 15 ગ્રામની સોનાની ચેન અને 10 ગ્રામ વજનની વીંટી આપવાનો રિવાજ છે. તો ગમે ત્યાંથી આ બંને વસ્તુની વ્યવસ્થા કરી આપ. જેથી મારા માતા-પિતા અને મામા મામી ખુશ થઈ જશે અને આપણે કહીશું, તે રીતે આપણા લગ્ન કરાવશે. પરંતુ તે વખતે યુવતીના પિતા આઈસીયુમાં દાખલ હોય જેથી તેણે આ વસ્તુઓની વ્યવસ્થા કરી આપી ન હતી.
શંકા જતા તપાસ : જેમાં આકાશે તેને જણાવ્યું હતું કે, પોતાના મિત્રના પિતા જોડે આ બંને વસ્તુ બનાવવા માટે આપી છે. બે ત્રણ દિવસમાં આવી જશે, પરંતુ 30 હજાર રૂપિયા ખૂટે છે. તેથી યુવતીએ તેને 15000 રૂપિયા ટ્રાન્સફર કરી આપ્યા હતા. જે બાદ આકાશે આપણા લગ્ન 27 માર્ચ 2023ના રોજ થઈ જશે તેવું જણાવ્યું હતું. 27મી માર્ચ 2023 ના રોજ એ રાહ જોવા છતાં પણ આકાશે લગ્નનો વાયદો પૂરો કર્યો ન હતો અને મોડી રાત્રે જણાવ્યું હતું કે, મારા દાદાને હોસ્પિટલમાં દાખલ કર્યા છે.
પોલ ખૂલી : આકાશ યુવતી સાથે લગ્ન કરતો ન હોય જેથી તે આકાશના બેકગ્રાઉન્ડની તપાસ કરવા માટે સુરેન્દ્રનગર ખાતે તેના વતનમાં ગઈ હતી. તેની માતાને મળતા તેઓએ જણાવ્યું હતું કે, તેઓને સમગ્ર બાબત જણાવતા આકાશની માતાએ જણાવ્યું હતું કે આકાશને છેલ્લા દસેક વર્ષથી ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે. આકાશ ગમે તે વ્યક્તિઓ પાસેથી પૈસા મેળવી પરત આપતો ન હોય, જેના કારણે પોતાની ઈજ્જત જતી હોવાથી તેને ઘરમાંથી કાઢી મૂક્યો છે.
પોલીસ તપાસ : જેથી યુવતી અમદાવાદ ખાતે આવી ગઈ હતી. અમદાવાદમાં આકાશે જે સરનામું આપ્યું હતું ત્યાં જઈને તપાસ કરતા આકાશ તે જગ્યાએ ન રહેતો હોવાનું સામે આવ્યું હતું. જાણવા મળ્યું હતું કે. આકાશે યુવતી સિવાય પણ અન્ય છોકરીઓને આ રીતે ફસાવીને તેઓની સાથે શારીરિક સંબંધ બાંધી લગ્ન ન કરી છેતરપિંડી આચરી છે. જેથી અંતે સમગ્ર મામલે મણીનગર પોલીસ સ્ટેશનમાં આકાશ વાલોદરા નામના યુવક સામે બળાત્કાર અને છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.