અમદાવાદ: યુવતીને સગીર યુવક સાથે સોશિયલ મીડિયા પર મિત્રતા કરવી ભારે પડી છે. સગીરે યુવતી સાથે શારીરિક અડપલા કરતા યુવતીએ તેની સાથેના સંબંધ તોડી દીધા હતા. જે બાદ સગીરના મિત્રોએ યુવતીના પરિવારને જાણ કરવાની ધમકી આપી તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. જે અંગે ફરિયાદ નોંધાતા મેઘાણીનગર પોલીસે એક સગીર સહિત બે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
ધમકી આપી તેની સાથે દુષ્કર્મ ગુજાર્યો: મેઘાણીનગર પોલીસે આ મામલે ઉર્વેશ સુથાર અને ચિરાગ પટેલ નામના બે શખ્સોની ધરપકડ કરી છે. બંને આરોપીઓએ એક યુવતીને ધમકાવી તેના સંબંધોની પરિવારને જાણ કરવાની ધમકી આપી તેની સાથે દુષ્કર્મ ગુજાર્યો હતો. સાથે જ યુવતીનો દુષ્કર્મ સમયનો વિડીયો વાયરલ કરવાની ધમકી આપી ફરી એક વખત શારીરિક સંબંધની માંગ કરી હતી. જેથી યુવતીએ તમામ હકીકત તેના પરિવારજનોને જણાવતા મામલો પોલીસ મથકે પહોંચ્યો. જેથી પોલીસે બળાત્કારની કલમો હેઠળ ગુનો નોંધી બંનેની ધરપકડ કરી છે.
સોશિયલ મીડિયા થકી એક સગીર સાથે મિત્રતા કરી: શહેરના મેઘાણીનગર વિસ્તારમાં રહેતી યુવતી સોશિયલ મીડિયા થકી એક સગીર સાથે મિત્રતા કરી હતી. જે બાદ સગીર અને યુવતી નિકોલ ખાતે આવેલા કપલ બોક્સમાં ગયા હતા. જ્યાં સગીરે યુવતી સાથે શારીરિક અડપલા કરતા યુવતીએ તેની સાથેના સંબંધો કાપી સોશિયલ મીડિયા પર સગીરને બ્લોક કર્યો હતો. જે બાદ સગીરના બે મિત્રોએ યુવતીને ધમકાવી સગીર સાથેના તેના સંબંધોની પરિવારને જાણ કરવાની ધમકી આપી આરોપી ચિરાગના ઘરે લઈ જઈ તેની સાથે બંને મિત્રોએ દુષ્કર્મ ગુજાર્યો હતો અને ફરી વખત શારીરિક સંબંધની માંગ કરતા યુવતીએ તમામ હકીકત તેની માતા અને પરિવારજનોને જણાવી હતી.
આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી: મેઘાણીનગર પોલીસે યુવતીએ નોંધાવેલી ફરિયાદના આધારે યુવતીના મિત્ર વિરુદ્ધ છેડતી અને તેના બે મિત્રો ચિરાગ પટેલ અને ઉર્વેશ સુથાર વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધી ધરપકડ કરી છે. આ અંગે જી ડિવિઝનના ACP વી.એન યાદવે જણાવ્યું હતું કે આ બાબતને લઈને મેઘાણીનગર પોલીસ મથકે ગુનો નોંધાયો હતો, જેથી પોલીસે ગુનામાં સામેલ આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.