અમદાવાદ : રાજ્યવ્યાપી હથિયારોના ગેરકાયદેસર વેચાણના નેટવર્કનો ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. ક્રાઈમ બ્રાન્ચે 12 હથિયાર સાથે કુખ્યાત આરોપી હનીફ બેલીમ સહિત 4 આરોપીઓની ધરપકડ કરીને ખેડબ્રહ્માના આંગડિયા પેઢીની લૂંટ વિથ મર્ડરનો ભેદ ઉકેલ્યો છે. આરોપીઓની તપાસમાં મહત્વનો ખુલાસો થયો છે.
12 હથિયાર સાથે ઝડપાયા : ક્રાઇમ બ્રાન્ચે આ મામલે હનીફ ઉર્ફે સબીર બેલીમ, અસલમ સોલંકી, મોહંમદખાન ઉર્ફે જામ મલેક અને આસિફખાન ઉર્ફે રેબર મલેકને શાંતિપુરા સાણંદ રોડ નજીકથી 12 હથિયાર સાથે ઝડપી પાડયા છે. પકડાયેલા આરોપીઓ પાસેથી બંદૂક, તમંચો, રિવોલ્વર, પિસ્ટલ અને કાર્ટિઝ જપ્ત કરવામાં આવ્યા છે.
નેટવર્કનો માસ્ટર માઈન્ડ : આ મામલે પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં રાજ્યવ્યાપી ગેરકાયદેસર હથિયાર વેચાણના નેટવર્કનો ખુલાસો થયો છે. પકડાયેલો આરોપી હનીફ ઉર્ફે સબીર હથિયારોના નેટવર્કનો માસ્ટર માઈન્ડ હોવાની હકીકત સામે આવી છે. હનીફે હથિયારો વેચાણ આપવા માટે અસલમ સોલંકી, મોહમ્મદ ઉર્ફે જામ તથા આસિફખાનને બોલાવ્યા હતા અને તમામ આરોપીઓ હથિયાર ખરીદીને જઈ રહ્યા હોવાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે હથિયારો સાથે પકડી પાડ્યા હતા.
આંતરરાજ્ય ગુનાખોરીની જાળ : હથિયારના વેચાણનું નેટવર્ક પાટણ અને મધ્યપ્રદેશ સુધી લાબું હોવાનું ખુલ્યું છે. પકડાયેલા આરોપી હનીફે પાટણના મૌલિકસિંહ ઉર્ફે મુનાબાપુ વાઢેર નામના વોન્ટેડ આરોપી પાસેથી તમામ હથિયાર લીધા હતા. જેમાંથી એક બંદૂક પાટણના કાળુભા રાઠોડને વેચી અને થોડા સમય રાખ્યા બાદ બંદૂક પરત આપીને પિસ્તોલ મંગાવી હતી.
ખાસ કોડવર્ડનો ઉપયોગ : હથિયારોના વેચાણ માટે આરોપી દ્વારા એક ખાસ કોડવર્ડનો ઉપયોગ કરવામાં આવતો હતો જેમાં "મહોબત સે દે રહા હું" આ શબ્દનો કોડવર્ડ તરીકે ઉપયોગ કરતા હતા. જેમાં આરોપી કોઈને પણ હથિયાર વેચવા જાય ત્યારે પૈસા અંગે વાત કરવામાં આવે ત્યારે આ કોડવડ ઉપયોગ કરીને હથિયાર વેચવામાં આવતું હતું.
આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ : આ મામલે પકડાયેલા આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોવાનું પણ સામે આવ્યું છે, જેમાં હનીફ ઉર્ફે સબીર વિરુદ્ધ ખેડબ્રહ્મામાં લૂંટ વિથ મર્ડર, હિંમતનગર, પાટણ અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં હથિયારના કેસમાં વોન્ટેડ હતો. આ ઉપરાંત અગાઉ દારૂ, જુગાર અને હથિયારના કેસમાં ઝડપાયો હતો અને તે એક વાર પાસા પણ ભોગવી ચુક્યો હોવાનું સામે આવ્યું છે. જ્યારે અન્ય આરોપી મોહમદખાન ઉર્ફે જામ સુરેન્દ્રનગરમાં હથિયારના કેસમાં, આસિફખાન મારામારીના 2 કેસોમાં ઝડપાયો હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો Surat Crime : ઓડિશાથી સુરતમાં ગાંજા સપ્લાયનું નેટવર્ક ચલાવનાર પરીડા બંધુની ધરપકડ
હથિયારોના વેચાણનું નેટવર્ક શરૂ કર્યું : મોસ્ટ વોન્ટેડ આરોપી હનીફ બેલીમ 3 વર્ષ પહેલાં ખેડબ્રહ્મામાં આંગડિયા લૂંટ અને હત્યા બાદ રાજસ્થાન, પંજાબ, યુપી, બિહાર, તમિલનાડુ, કર્ણાટકમાં નાસતો ફરતો હતો તે સમયગાળા દરમ્યાન તેણે હથિયારોના વેચાણનું નેટવર્ક શરૂ કર્યું હતું. તે પોતે મધ્યપ્રદેશથી હથિયારો લાવીને ગુજરાતમાં વેચાણ કરતો હતો.
હજુ બે આરોપી વોન્ટેડ : હથિયારોની સોદાબાજીના આ નેટવર્કમાં મૌલિકસિંહ ઉર્ફે મૂનાબાપુ વાઢેર અને કાળુભા રાઠોડ હજુ વોન્ટેડ છે. જેથી ક્રાઇમ બ્રાન્ચએ બન્ને આરોપીની શોધખોળ શરૂ કરી છે..વોન્ટેડ આરોપી મૌલિકસિંહ પણ સોમનાથના ઉનામાં થયેલ આંગડિયા લૂંટમાં વોન્ટેડ હોવાનું ખુલ્યું છે, ત્યારે હાલમાં ક્રાઇમ બ્રાન્ચે આરોપીએ હથિયાર કોને કોને વેચ્યા અને તેનો કોઈ ગુનાખોરીમાં ઉપયોગ થયો હતો કે નહીં તે મુદ્દે આરોપીઓની વધુ પૂછપરછ શરૂ કરી છે.
અન્ય આરોપીઓની તપાસ : આ અંગે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના DCP ચૈતન્ય મંડલીકે જણાવ્યું હતું કે આરોપીઓ હથિયારની સોદાબાજી કરવાના હોવાની બાતમીના આધારે તેઓને પકડી પાડી હથિયારો કબજે કરવામાં આવ્યા છે. હથિયારોની સોદાબાજીમાં શામેલ અન્ય આરોપીઓની તપાસ હાથ ધરવામાં આવી છે.