અમદાવાદ : અમદાવાદ શહેરમાં ડ્રગ્સનો કારોબાર ફરી એક વાર ધમધમતો હોય તેવુ લાગી રહ્યું છે. આ મહિનામાં શહેર એસઓજી ક્રાઈમે અનેક કેસ કરીને ડ્રગ્સ સપ્લાયર અને પેડલરની ધરપકડ કરી છે. અને સફેદ ડ્રગ્સના કાળા કારોબારમાં હવે મહિલાઓ પણ સામેલ થતી જાય છે તેવુ જોવા મળી રહ્યું છે. બે દિવસ પહેલા જ એસઓજીએ ફતેવાડી નજીકથી 7 લાખની કિંમતના મેફેડ્રોન સાથે એક મહિલા સહિત 3 લોકોની ધરપકડ કરી હતી, તેવામાં હવે સારંગપુર પાસેથી 10 લાખથી વધુની કિંમતના 100 ગ્રામથી વધુ ડ્રગ્સ સાથે વધુ એક મહિલા ઝડપાઈ છે.
છેલ્લાં બે દિવસમાં બે NDPS ના કેસ કરવામાં આવ્યા છે. એક કેસમાં મહિલા સહિત 3 આરોપીઓ અને અન્ય કેસમાં સારંગપુર પાસેથી એક મહિલાને 100 ગ્રામથી વધુ મેફેડ્રોન સાથે પકડી પાડવામાં આવી છે. આ મહિલા બે વર્ષથી આ કામ સાથે સંકળાયેલી હતી, તેનો પતિ પણ ચરસના કેસમાં જેલમાં બંધ છે. આ મામલે વધુ તપાસ ચાલુ છે...જયરાજસિંહ વાળા(ડીસીપી,શહેર એસઓજી ક્રાઈમ)
ડ્રગ્સની કિંમત 10.39 લાખ : શહેર એસઓજીની ટીમ અલગ અલગ રીતે તપાસમાં હતી ત્યારે બાતમી મળી હતી કે સારંગપુર સર્કલ પાસે આવેલા ધંટાકર્ણ માર્કેટ પાસે એક મહિલા ડ્રગ્સ સાથે હાજર છે, જેથી એસઓજીની ટીમે સ્થળ પરથી સમીમબાનુ ઉર્ફે સમ્મો તનવીર શેખ નામની 43 વર્ષીય મહિલાને ઝડપી પાડી હતી. પકડાયેલી મહિલા વેજલપુર વિસ્તારમાં રહેતી હોય તેની તપાસ કરતા તેની પાસેથી 103 ગ્રામ 900 મીલીગ્રામ મેફેડ્રોનનો જથ્થો મળી આવ્યો હતો. જે ડ્રગ્સની અંદાજીત કિંમત 10.39 લાખ થાય છે.
કેરિયર તરીકેનું કામ : મહિલા સામે પોલીસે ગુનો નોંધી તપાસ કરતા સામે આવ્યું હતું કે તે મુંબઈથી ડ્રગ્સ લાવીને અમદાવાદમાં આપવાનું કેરિયર તરીકેનું કામ કરતી હતી. એક ટ્રીપમાં તેને 4-5 હજાર રૂપિયા મળતા હતા, તેમજ તે છેલ્લાં 2 વર્ષમાં 5 વાર આ પ્રકારે મુંબઈથી ડ્રગ્સ લાવીને અમદાવાદમાં જે-તે પેડલરને આપી ચુકી છે. વધુ તપાસ કરતા સામે આવ્યું કે તેનો પતિ તનવીર શેખ પણ ચરસના ગુનામાં જ હાલ જેલમાં કેદ છે. જેથી એસઓજી ક્રાઈમે મહિલાની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
અન્ય આરોપીઓની શોધખોળ : ઝડપાયેલી મહિલાની પૂછપરછ કરતા તેની પાસેથી મળી આવેલુ ડ્રગ્સ તે મુંબઈના સાબીર નામનાં શખ્સ પાસેથી લાવી હતી તેમજ અમદાવાદમાં શાહબાજખાન પઠાણને આપવાની હોવાની કબૂલાત કરી છે. જેથી પોલીસે ગુનામાં સામેલ અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.