અમદાવાદ : અમદાવાદ સહિત રાજ્યભરમાં એક જ વ્યક્તિના ફોટાનો દુરુપયોગ કરીને અનેક સીમ કાર્ડ એક્ટિવ કરવા મામલે રાજ્ય પોલીસ સતર્ક બની છે. આ મામલે અલગ અલગ જિલ્લાઓમાં પોલીસને માર્ગદર્શન આપી તમામ ગેરરીતિ અટકાવવા આદેશ અપાયા છે. જેના ભાગરૂપે 29 હજાર જેટલા ઈશ્યુ થયેલા સીમ કાર્ડ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરીને ગુના દાખલ કરી આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
ઇનપુટ મળ્યાં : ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન અમદાવાદના અધિકારી અને પોલીસ મહાનિર્દેશક CID ક્રાઇમ તેમજ રેલવેઝ દ્વારા મહત્વના ઇનપુટ આપવામાં આવ્યા હતા જેમાં એક જ વ્યક્તિના ફોટો ઉપર વિવિધ ડોક્યુમેન્ટનો દુરુપયોગ કરીને 29 હજારથી વધારે સીમ કાર્ડ ઈશ્યુ થયેલા હોવાનું ધ્યાને આવ્યું હતું. જેના અનુસંધાને રાજ્યમાં આવા બોગસ સીમકાર્ડ મામલે POS વિરુદ્ધ રાજ્ય સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ અને એટીએસ દ્વારા રાજ્યના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન તેમજ સાયબર ક્રાઇમ સેલ અને SOG દ્વારા સંયુક્ત ઓપરેશન કરવા અને ગુના દાખલ કરાવવા આયોજન કરવામાં આવ્યું હતું.
બોગસ સીમ મોડસ ઓપરેન્ડી : જે અન્વયે પોલીસ અધિક્ષક ATS અને પોલીસ અધિક્ષક સ્ટેટ સાઈબર ક્રાઇમ સેલ તેમજ નાયબ પોલીસ અધિક્ષક સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ તેમજ નાયબ પોલીસ અધિક્ષક ATS દ્વારા વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રાજ્યમાં તમામ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન સાયબર ક્રાઇમ સેલ અને SOGના ઇન્ચાર્જ અધિકારીઓને બોગસ સીમ મોડસ ઓપરેન્ડી બાબતે માહિતગાર કરી આ બાબતે સંયુક્ત રીતે કામગીરી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
ડોક્યુમેન્ટ અને ફોટાનો દુરુપયોગ : ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશનના ઇનપુટનો અભ્યાસ કરતા સામે આવ્યુ હતું કે મોબાઈલ સીમ વેચનાર દ્વારા સામાન્ય વ્યક્તિઓના ફોટો અને ઓનલાઈન ચોઈસ નંબર મેળવવા માટે આવતા ગ્રાહકોના ડોક્યુમેન્ટ અને ફોટાનો દુરુપયોગ કરીને POS દ્વારા સીમકાર્ડ એક્ટિવ કરાવી તેને ઓનલાઇન ફ્રોડ, સાયબર ક્રાઈમ ફ્રોડ, સટ્ટા બેટિંગ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ગુનેગારોને ઊંચા ભાવે વેચી નાખવામાં આવતા હોવાની શક્યતાઓ જણાતા રાજ્યમાં આવી પ્રવૃત્તિમાં સંડોવાયેલા POS ધારકો ઉપર પણ સઘન કામગીરી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
486 જેટલા ફોટોગ્રાફનો દુરુપયોગ : સ્ટેટ સાયબર ક્રાઇમ તથા ATS દ્વારા ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન તરફથી મળેલી માહિતી મુજબ 486 જેટલા ફોટોગ્રાફનો દુરુપયોગ કરીને 29 હજારથી વધારે મોબાઈલ નંબરની માહિતીનું સઘન એનાલિસિસ કરી 29 હજાર જેટલા મોબાઈલ નંબરોમાંથી એક્ટિવ મોબાઈલ નંબરોના લોકેશન તેમજ આવા બોગસ સીમકાર્ડ રિસીવ કરનાર પીઓએસની માહિતી શહેર જિલ્લા વાઇસ અલગ તારવી તેમાં 16 હજાર જેટલા બોગસ સીમના કસ્ટમર એપ્લિકેશન ફોર્મની માહિતી મંગાવી તેનો એનાલિસિસ કરી સંબંધીત શહેર જિલ્લાઓમાં સંપૂર્ણ માહિતી મોકલી આવી હતી.
આ પણ વાંચો અમદાવાદમાં સીમકાર્ડ અપગ્રેડ કરાવવાનું કહીને અજાણ્યા શખ્સોએ છેતરપિંડી આચરી
રાજ્યભરમાં કુલ 15 ગુના દાખલ : આ માહિતીના આધારે રાજ્યના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અને સાયબર ક્રાઇમ સેલ, SOG દ્વારા પીઓએસ ખાતે સઘન કામગીરી શરૂ કરવામાં આવી હતી, જેના ભાગરૂપે આજ દિન સુધીમાં રાજ્યમાં નવસારી જિલ્લા ખાતે ચાર ગુના દાખલ કરી પાંચ આરોપીઓ, સુરત શહેર ખાતે ત્રણ ગુના દાખલ કરી ત્રણ આરોપીઓ, અમદાવાદ શહેર ખાતે ત્રણ ગુના દાખલ કરી ચાર આરોપીઓ, ભાવનગર જિલ્લા ખાતે ત્રણ ગુના દાખલ કરી ચાર આરોપીઓ, રાજકોટ ગ્રામ્ય અને સુરત ગ્રામ્ય ખાતે એક એક ગુના દાખલ કરી એક એક આરોપીઓની અટક કરવામાં આવી છે. આ કાર્યવાહીમાં રાજ્યભરમાં કુલ 15 ગુના દાખલ કરી 18 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. સંબંધિત ગુનાઓમાં 20 જેટલા POS દ્વારા 7 હજારથી વધુ બોગસ સીમકાર્ડ બાબતે કામગીરી કરવામાં આવી છે.
આરોપીઓની ધરપકડ : આ સમગ્ર મામલે પોલીસે નવસારીમાંથી હિતેશ દેવનાની, અભિષેક પાંડે, જય ટંડેલ તેમજ સુરતમાંથી સાગર પટેલ, દીક્ષિત ગજેરા, પ્રદીપ રામાવત અને ભાવનગરમાંથી ઘનશ્યામ વાંઝા, અમદાવાદમાંથી અમર બિયાવરવાલા, જૈમીન પરમાર, જયમીન ઠક્કર અને રાહુલ તેમજ રાજકોટમાંથી હરેશ સાંકળિયા સુરત ગ્રામ્યમાંથી શકલેન શેખ, સરફરાજ મિર્ઝા અને આલોક પટેલની ધરપકડ કરવામાં આવી છે.
ધ્યાનમાં રાખવા જેવી બાબતો : નવું સીમકાર્ડ ખરીદ કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો જાણી લો. સીમકાર્ડ ખરીદતી વખતે પોતાના આધારકાર્ડનો ફોટો કે કોપી દુકાનદારને ન આપતા ફક્ત આધારકાર્ડ નંબર જ આપવો.નવું સીમકાર્ડ મેળવીને કાર્ડને દુકાનદારના મોબાઇલમાં એક્ટિવ ન કરાવતા પોતાના મોબાઈલમાં જ એક્ટિવ કરાવવું.સીમકાર્ડ ખરીદતી વખતે CAF કસ્ટમર એપ્લિકેશન ફોર્મ માટે દુકાનદારને એક જ વાર ફોટો પાડવા દેવો, જો બીજી વાર દુકાનદાર ફોટો પાડવા જણાવે તો પહેલો ફોટો સબમીટ કરવામાં આવેલ નથી તેની ખરાઈ કરવી.