અમદાવાદ: શહેરના પૂર્વ વિસ્તારમાં દારૂના ગોડાઉન અનેક વખત ઝડપાયા છે, પરંતુ હવે શહેરનો પશ્ચિમ વિસ્તાર પણ દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિ માટે ગુનેગારોનું મનપસંદ બનતું હોય તેવું લાગી રહ્યું છે, શહેરની ઝોન 1 એલસીબીની ટીમે કપાસની ગાંસડીની આડમાં ગોડાઉન તેમજ ટ્રકની અંદર રાખેલા ભારતીય બનાવટના વિદેશી દારૂના લાખોની કિંમતના જથ્થાને ઝડપી પાડ્યો છે.
દારૂ છુપાવી રાખવામાં આવ્યો: ઝોન 1 એલસીબીની ટીમ રથયાત્રા અનુસંધાને દારૂ અને જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ અંગે કામગીરી કરી રહી હતી. તે દરમિયાન ઝોન વન એલસીબી પીએસઆઇ એચ.એચ જાડેજા તેમજ તેઓની ટીમને બાતમી મળી હતી કે ગોતા વિસ્તારમાં એક જગ્યાએ દારૂ છુપાવી રાખવામાં આવ્યો છે.જે બાતમીના આધારે ગોતામાં સિલ્વર ઓક કોલેજના પાછળના ભાગે વિસત એસ્ટેટમાં આવેલ જય અંબે ગ્રેનાઇટ માર્બલના કમ્પાઉન્ડમાં રેડ કરી હતી.
પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ: ત્યાં તપાસ કરવામાં આવતા કપાસની ગાંસડીની આડમાં ગોડાઉનમાં તેમજ ટ્રકમાં અલગ અલગ કંપનીની ભારતીય બનાવટના વિદેશી દારૂની 8,376 જેટલી બોટલો મળી આવી હતી. 23 લાખ 92 હજારથી વધુની કિંમતની દારૂ તેમજ એક ટ્રક કબ્જે કરાયો હતો. દારૂની ગેરકાયદેસરની પ્રવૃત્તિ કરવા માટે ખોટી નંબર પ્લેટ લગાવીને એક ઈકો ગાડીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હોય તેને પણ કબજે કરી 35 લાખ 42 હજારથી વધુનો મુદ્દામાલ પોલીસે કબજે કરી સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
પોલીસે વધુ તપાસ શરૂ કરી: આ મામલે પોલીસ દ્વારા સત્તાવાર બહાર પાડવામાં આવેલા નિવેદન બહાર પાડવામાં આવ્યા હતા. જેમાં ટ્રક ચાલક અને દારૂનો જથ્થો મંગાવનાર તેમજ ગોડાઉન રાખનાર અને જય અંબે ગ્રેનાઇટ માર્બલનો કબજો ધરાવનાર વ્યક્તિ અને વિદેશી દારૂનો જથ્થો લેવા આવનાર ઇકો ગાડીના ચાલક સામે ગુનો દાખલ કરવામાં આવ્યા હતા.તેઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે અને આ સમગ્ર મામલે સ્થાનિક પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.