અમદાવાદ : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે લેન્ડ ગ્રેબિંગના અનેક ગુનાઓમાં નાસતા ફરતા આરોપી કનુ ભરવાડ અને ફજલ મકરાણીની ધરપકડ કરી છે. આ મામલે પકડાયેલા આરોપી સામે અમદાવાદ શહેર અમદાવાદ જિલ્લા તેમજ ગાંધીનગર જિલ્લામાં અલગ અલગ 16થી વધુ ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું હતું. જેમાં તેની ધરપકડ થઇ ચૂકી હતી. ત્યારે સીઆઈડી ક્રાઇમ અમદાવાદ, સોલા પોલીસ સ્ટેશન અને ગાંધીનગર ડભોડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના હેઠળ વોન્ટેડ હતો. આમ કુલ 19 ગુનાનો આરોપી ભૂમાફિયા કનુ ભરવાડ પકડાયો છે.
જમીન માલિકો પાસેથી કરોડોની રકમ મેળવી લેતો આ મામલે ઝડપાયેલા આરોપી કનુ ભરવાડે તેના સાગરીતો સાથે મળીને અમદાવાદ શહેર જિલ્લા તેમજ ગાંધીનગર જિલ્લાના ખેડૂતોની ખોટી સહીઓ કરી નોટરાઈઝ બાનાખત રજીસ્ટર પાવર ઓફ એટર્ની જેવા દસ્તાવેજો બનાવી આવી જમીનોમાં દીવાની દાવા ઉભા કરી ખોટા દસ્તાવેજોના આધારે જમીન હડપ કરવાનું કૃત્ય કર્યું હોવાનું સામે આવ્યું હતું અને સમાધાન પેટે જમીન માલિકો પાસેથી કરોડોની રકમ મેળવી લેતો હોવાનું સામે આવ્યું છે.
ક્યાં ક્યાં ગુનાઓ નોંધાયા આયોજનબદ્ધ તરીકાથી ખેડૂતોની જમીનો પચાવી પાડનાર ભૂમાફિયા ગુનાઓનું લાંબુ લિસ્ટ નોંધાયેલું બહાર આવ્યું છે. આરોપી કનુ ભરવાડ સામે વસ્ત્રાપુર, સોલા, વટવા, નારોલ, સરખેજ, સાણંદ, કણભા, અસલાલી, સાંતેજ અને ડભોડા પોલીસ સ્ટેશનમાં કુલ 16 જેટલા ગુના નોંધાયા હોવાનું સામે આવ્યું છે તેમજ તે સોલા, ડભોડા અને અમદાવાદ CID ક્રાઇમના 3 જેટલા ગુનામાં પકડવાનો બાકી હોય તેની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે.
ચાર દિવસના રિમાન્ડ પકડાયેલા આરોપી સામે આર્થિક ગુના નિવારણ શાખામાં પણ નોંધાયેલો ગુનો હોવાથી તેને આર્થિક ગુના નિવારણ શાખાને તેને સોંપ્યો છે અને આ મામલે આગળની કાર્યવાહી આર્થિક ગુના નિવારણ શાખાએ શરૂ કરી આરોપીના ચાર દિવસના રિમાન્ડ મેળવીને પૂછપરછ શરૂ કરી છે.
આ પણ વાંચો 5 કરોડ રૂપિયાની ખંડણી માંગવા મામલે ભૂમાફિયાની ધરપકડ
અન્ય આરોપીઓ અંગે તપાસ આ અંગે આર્થિક ગુના નિવારણ શાખાના પીઆઈ એ.એમ. દેસાઈએ જણાવ્યું હતું કે આર્થિક ગુના નિવારણ શાખામાં નોંધાયેલા ગુનામાં અગાઉ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને પકડાયેલો આરોપી વોન્ટેડ હતો. ત્યારે હવે તેના ચાર દિવસના રિમાન્ડ મેળવી સમગ્ર બાબતે વધુ પૂછપરછ અને અન્ય આરોપીઓ અંગે તપાસ હાથ ધરવામાં આવશે.