અમદાવાદ: છેલ્લા 4 મહિનામાં 3થી 4 એવા કેસ સામે આવ્યા છે. જેમાં, આરોપીઓ સીએમઓ ઓફિસની ઓળખાણ આપીને ગુનો કરી રહ્યા છે. હવે આરોપીઓને સત્ય માનવા કે સરકારને? ત્રાજવામાં બન્નેમાંથી વાતની સત્યતાનો વજન કોનો વધારે આવે અને કોનો વજન ઓછો એ કહેવું અહિંયા મુશ્કેલ છે. કારણ કે મોદી સરનેમ લઇને જો કેસ થતા હોય તો આ તો સીએમ ઓફિસ અને પીએમ ઓફિસ છે. બીજી બાજુ કોઇનામાં હિંમત છે કે સત્તાના માણસ સિવાય સત્તા નામથી ખેલ ખેલી શકે? પણ આવું બની રહ્યું છે. કદાચ આ તમામ સવાલોના જવાબ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પણ હજુ સુધી પહોંચી નથી. પત્રકારના નામે આશિષ કંજારિયા સામે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ત્રીજો ગુનો નોંધાયો છે. રૂપિયા 6 લાખ તેમજ ટ્રસ્ટીના ભાઈને ધમકી આપી કુલ 8 લાખ રૂપિયાની ખંડણી પેટે પડાવ્યા હતા.
2 લાખ પડાવી લીધા: અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં આવેલી આનંદ નિકેતન શાળાના ટ્રસ્ટી કમલ શિવપ્રસાદ મંગલે ફરિયાદ નોંધાવી છે. જેમાં આરોપીએ 2019 થી 2023 સુધીમાં તેઓની સ્કૂલમાં એડમિશન કરાવવા માટે આવીને એડમિશન કરાવી પેરેન્ટ્સ પાસેથી 2 લાખ પડાવી લીધા હતા. ફરિયાદીએ એડમિશન આપવાની ના પાડતા ખોટી રીતે હેરાન કરી, ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રૂપિયા 6 લાખ રૂપિયા પડાવ્યા હતા. ફરિયાદીના નાના ભાઈ ગિરધર ગોપાલ સેટેલાઈટ મોડેલ હાઇટ્સ ખાતે આવેલ મંગલ પેપર પ્રાઇવેટ લિમિટેડની ઓફિસ જઈ તેને પણ સી.એમ.ઓ ઓફિસમાં ઓળખાણ હોવાનું તેમજ પૈસા નહીં આપો તો જીએસટી અને ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ રેડ પડાવવાની ધમકીઓ આપી હતી
ધમકી દઈ પૈસા લીધાઃ પોલીસ સ્ટેશનના ચોપડે નોંધાયેલ એફઆઈઆરના આધારે મળેલી માહિતી અનુસાર જુદી જુદી રીતે ધમકીઓ આપીને બે લાખ રૂપિયા પડાવી લીધા હતા. આ સમગ્ર મામલે અંતે તેઓએ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. પત્રકારના નામે શાળા સંચાલકોને ડરાવી ધમકાવી ખંડણી માંગનાર બોગસ પત્રકાર આશિષ કંજારિયા સામે વધુ બે ખંડણીની ફરિયાદ નોંધાય છે. જેમાં અમદાવાદના બોપલ પોલીસ સ્ટેશનમાં તેમજ ક્રાઈમ બ્રાન્ચમાં ગુનો નોંધાયો છે.
રીમાન્ડ પર છેઃ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મણિનગરમાં શાળાના ટ્રસ્ટી પાસેથી 10 લાખ રૂપિયાની ખંડણી માંગવા મામલે આશિષ કંજારિયાની હાલમાં જ ધરપકડ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા, અને હાલમાં વધુ બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે. ત્યારે આ મામલે વધુ એક ફરિયાદ ક્રાઈમ બ્રાન્ચમાં આશિષ કંજારિયા સામે દાખલ થઈ છે.
6 લાખ રૂપિયાની ખંડણી: થલતેજમાં આવેલી ઉદગમ સ્કૂલ ઓફ ચિલ્ડ્રન્સના ટ્રસ્ટી મનન ચોક્સી ખંડણીની ફરિયાદ નોંધાવી છે. વર્ષ 2019 માં ફરિયાદી મનન ચોકસીને અવારનવાર વોટ્સએપ કોલ કરીને આશિષ કંજારીયાએ એડમિશનના નામે 6 લાખ રૂપિયાની ખંડણી માગી શિક્ષણ વિભાગ તેમજ જુદી જુદી સરકારી કચેરીમાં શાળા વિરુદ્ધ ખોટી અરજીઓ કરી તેમ જ ધમકીઓ આપી શાળા બંધ કરાવી દેવાની અને જામીન પણ ન મળે તેવા કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપી હતી.
ફરિયાદ થઈઃ બોગસ પત્રકાર આશિષ કંજારીયા સામે અમદાવાદ ગ્રામ્યના બોપલ પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ નોંધાઈ છે. જે અનુસાર બોપલ ખાતે રામ વિદ્યાલય ટ્રસ્ટી શશી ભટ્ટે ફરિયાદ નોંધાવી છે. જેમાં વર્ષ 2017 માં આશિષ કંજારીયાએ તેઓને પોતે વાલી મંડળનો પ્રમુખ અને આરટીઆઈ એક્ટિવિસ્ટ તેમજ પોલખોલ યુટ્યુબ ચેનલ ચલાવું છું કહીને પ્રકારની ધમકીઓ આપી વાર્ષિક 50 હજાર રૂપિયાની માંગણી કરી હતી.
તમામ દિશામાં તપાસ: આરોપી આશિષ કંજારીયાએ 16 જેટલી શાળાઓ તેમજ 2 ટ્રાવેલ એજન્સી અને 2 ઔદ્યોગિક એકમ પાસેથી 76 લાખ જેટલી રકમ પડાવી હોવાનું તપાસમાં ખુલ્યું છે. જેથી ક્રાઈમ બ્રાન્ચે આરોપીના વધુ બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા જે પૂર્ણ થયા તેને કોર્ટમાં રજૂ કરી બાદમાં અન્ય ગુનાઓ અંગે તપાસ શરૂ કરવામાં આવશે.
ક્રાઈમ બ્રાન્ચના પીઆઈનું શું કહેવું છેઃ આ અંગે ક્રાઈમ બ્રાન્ચના PI મિતેષ ત્રિવેદીએ જણાવ્યું હતું કે' આશિષ કંજારીયાએ પોતાની એડ ના નામે ટ્રસ્ટના બેંક ખાતામાં 26-27 સ્કૂલો પાસેથી ઓનલાઇન તેમજ અન્ય લોકો પાસેથી રોકડ રકમ મેળવી છે. ખંડણીની રકમનો આંકડો અંદાજે 75 લાખનો થયા છે. આરોપીએ શાળા સિવાય પાઠ્યપુસ્તક મંડળ પાસેથી પણ પૈસા પડાવ્યા છે. હાલ તમામ દિશામાં તપાસ ચાલુ છે.