અમદાવાદ : પોલીસ ચોપડે નોંધાયેલી ફરિયાદ મુજબ અમદાવાદના નરોડા પાટિયા વિસ્તારમાં રહેતી જાગૃતિ (નામ બદલ્યું છે) એ આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી છે. જાગૃતિ હાલ સાબરકાંઠાના હિંમતનગરમાં રહે છે અને ઈડર ખાતે આવેલી પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. 9 ફેબ્રુઆરી 2012 ના રોજ જાગૃતિના લગ્ન સામાજિક રીતે રિવાજ મુજબ કમલેશ (નામ બદલ્યું છે) સાથે થયા હતા. જાગૃતિનો પતિ કમલેશ શાહીબાગ પૂર્વ મહિલા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે નોકરી કરે છે અને તેના સસરા સાબરકાંઠા વિજયનગર ખાતે આવેલ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે નોકરી કરે છે.
લગ્ન બાદ અભ્યાસનો વાંધો : 9 ફેબ્રુઆરી 2012 ના રોજ જાગૃતિના લગ્ન થયા ત્યાર બાદથી તે તેની સાસરી વિજયનગર સાબરકાંઠા ખાતે ગઈ હતી અને ત્યારબાદ અભ્યાસ ચાલુ હોય જેથી બે વર્ષ ઇડર તેમજ એક વર્ષ તલોદ ખાતે રહેતી હતી અને જાહેર રજાના દિવસોમાં તે પોતાની સાસરીમાં રહેવા માટે જતી હતી. તે સમયે તે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી પણ કરતી હતી, લગ્નના આશરે એક વર્ષ બાદ તેનો પતિ કમલેશ એસ.આ.પીમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે નોકરી લાગ્યો હતો. જેથી તેઓ નરોડા ખાતે એસ.આર.પી કેમ્પમાં તેઓની નોકરી પર ગયા હતા અને નોકરીમાંથી રજા મળે ત્યારે અવારનવાર ઘરે આવતો હતો. જે દરમિયાન યુવતીએ પણ સરકારી નોકરી અર્થે બે ત્રણ સ્પર્ધાત્મક પરીક્ષા આપી હતી, જેમાં તે નાપાસ થઈ હતી, જેથી તે પતિના ઘરે જાય તે વખતે સસરા તેમજ સાસુ પરીક્ષામાં નાપાસ થવા બાબતે મહેણાં મારીને "તું અભ્યાસ કરવા પાછળ તેમજ પરીક્ષાઓ આપવા પાછળ ખોટા ખર્ચાઓ કરે છે" તેવું કહીને બોલાચાલી કરીને માનસિક ત્રાસ આપતા હતા.
આ અંગે ફરિયાદ નોંધી ગુનામાં સામેલ આરોપીઓને પકડવા માટેની કાર્યવાહી હાથ ધરાઈ છે. આરોપીઓના ઝડપાયા બાદ વધુ તપાસ હાથ ધરાશે...એસ. જે. ભાટીયા(PI, નરોડા પોલીસ સ્ટેશન)
નોકરી મળતાં અમદાવાદ રહેવા આવ્યાં : જેથી યુવતીએ આ બાબતે પતિને જાણ કરતા પતિએ સાસુ સસરાનો ઉપરાણું લઈને તેને ઘરની ગાળો આપી હતી. તે સાસરીમાં હોય ત્યારે તેની નણંદ અવારનવાર ઘરે આવતી અને તેને પરીક્ષામાં નાપાસ થવા બાબતે મહેણાં મારતી હતી. લગ્નના ત્રણ વર્ષ બાદ જાગૃતિને ગાંધીનગરમાં પ્રાથમિક શાળા ખાતે શિક્ષિકા તરીકે નોકરી લાગી હતી જેથી તે પતિ સાથે નરોડા પાટિયા ખાતે રહેવા આવી ગઈ હતી. ત્યારબાદ આશરે દોઢ વર્ષ બાદ તેના પતિને અમદાવાદ શહેર પોલીસ દળમાં બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ તરીકે નિમણૂક થતા તે એસ.આર.પી માંથી રાજીનામું આપી અમદાવાદ શહેર ખાતે પોલીસ કોન્સ્ટેબલ તરીકેની ફરજમાં જોડાયો હતો.
સંતાન ન થતાં પતિ અને સાસરીયાનો ત્રાસ : ત્યારબાદ જાગૃતિ અને તેનો પતિ કમલેશ અવારનવાર રજાના સમયે વતન ખાતે જતા હતા. તે વખતે તેના સાસુ લગ્ન થયાનો ઘણો સમય થવા છતાં સંતાનમાં કોઈ બાળક કેમ નથી તેવું કહીને "તું તો વાંઝણી છે" તેમ કહીને મહેણા ટોણા મારતા હતા અને સસરા પણ સંતાન ન હોવા બાબતે માનસિક ત્રાસ આપતા હતા.
છૂટાછેડા આપવાની ના કહી : એક વર્ષ અગાઉ એવું તે તેના પતિ સાથે નરોડા ખાતે હાજર હતી, તે વખતે તેના પતિએ "તારે બાળકો થતા નથી, જેથી તું મને છૂટાછેડા આપી દે" તેવું જણાવતા જાગૃતિએ છૂટાછેડા આપવાની ના કહેતા પતિ ઉશ્કેરાયો હતો અને તેની સાથે બોલા ચાલી ઝઘડો કરીને ગાળો આપી હતી અને ધમકી આપી હતી કે "જો તું મને છૂટાછેડા નહીં આપે, તો હું તને જાનથી મારી નાખીશ" જેથી જાગૃતિ ડરી ગઈ હતી, તે વખતે સ્કૂલમાં વેકેશન હોવાથી તે ત્યાંથી નીકળીને તેના ભાઈના ઘરે હિંમતનગર જતી રહી હતી અને જ્યાં એકાદ માસ જેટલું રોકાયા બાદ સ્કૂલનું વેકેશન પૂર્ણ થતા તે અમદાવાદ ખાતે પરત આવી હતી અને પતિથી અલગ ભાડાના મકાનમાં રહેતી હતી. ત્યારબાદ તેને પતિ સાથે વાતચીત થતા બંને વચ્ચે બોલાચાલી ઝઘડા બાબતે સમાધાન તથા તે પતિ સાથે રહેવા માટે ગઈ હતી.
છૂટાછેડા આપવા દબાણ : તે વખતે પણ તેની નણંદ અવારનવાર તેના ઘરે આવતી હતી અને સંતાન ન હોવા બાબતે તેને મહેણાં મારી "તું મારા ભાઈને સંતાનનું સુખ આપી શકતી ન હોવ તો તારે મારા ભાઈને છૂટાછેડા આપી દેવા જોઈએ" તેમ કહીને બોલાચાલી કરીને હેરાન કરતી. તે દરમિયાન જાગૃતિને પતિ કમલેશના મોબાઈલ ફોનમાં આવેલ મેસેજ મારફતે જાણવા મળ્યું હતું તે તેના પતિને તેની સાથે નોકરી કરતી એક મહિલા સાથે પ્રેમ સંબંધ છે, જેથી તેણે પતિને આ બાબતે પૂછતા તેણે બોલા ચાલી ઝઘડો કરી ગાળો આપી માર માર્યો હતો અને "હું તને છુટાછેડા આપી પ્રેમિકા સાથે લગ્ન કરવાનો છું" તેવું કહ્યું હતું.
પતિની પ્રેમિકા પણ દબંગ નીકળી : જેથી થોડાક દિવસો પછી જાગૃતિએ પોતાનો સંસાર બચાવવા પતિના મોબાઈલ ફોનથી પતિને જેની સાથે પ્રેમ સંબંધ છે, તે યુવતીને ફોન કરીને પતિ સાથે પ્રેમ સંબંધ ન રાખવા માટે સમજાવતા તે યુવતી એકદમ મુશ્કેલાઈ હતી અને ફોન ઉપર ગંદી ગાળો આપી હતી. તેમજ જાગૃતિને પતિને છૂટાછેડા આપી દે તેમ કહીને ફોન કાપી નાખ્યો. એ બાદ પણ જાગૃતિએ અવારનવાર પતિની પ્રેમિકાને સમજાવતા તે વાત માની ન હતી.
મારી નાંખવાની ધમકી આપી : 29મી મે 2023 ના રોજ જાગૃતિનો પતિ કમલેશ ઘરેથી જતો રહ્યો હતો અને તેની પ્રેમિકા સાથે મૈત્રી કરાર કરી લીધો હતો. જે બાદ મૈત્રી કરારનો ફોટો જાગૃતિને મોકલ્યો હતો. જે બાદ તેણે પતિને ફોન કરતા પતિએ તેને , તેના ભાઈ અને માતાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.5 જૂન 2023 ના રોજ જાગૃતિ ઘરે હાજર હતી, તે વખતે તેનો પતિ કમલેશ તેની પાસે આવ્યો હતો અને "હું તારી સાથે રહેવા માંગતો નથી, અને તારી પાસે મારા જે પૈસા છે, તે મને આપી દે" તેમ કહીને બોલા ચાલી ઝઘડો કરી ગાળો આપી હતી. સાથે ઘરના રસોડામાં રાખેલા ચપ્પુ લઇ આવી જાગૃતિને ચપ્પુ બતાવી "જો તું મને પૈસા નહીં આપે તો હું તને જાનથી મારી નાખીશ" તેવી ધમકી આપી હતી.
ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી : તે દરમિયાન સોસાયટીમાં હાજર તેનો ભાઈ ત્યાં આવી ગયો હતો અને તેણે 100 નંબર ઉપર ફોન કરીને પોલીસને જાણ કરી હતી અને તે સમયે પણ તેના પતિએ "જો તું મારા વિરુદ્ધ પોલીસ ફરિયાદ આપીશ, તો હું હત્યા કરી લઈશ અને તારું નામ લખીને તને ખોટા કેસમાં ફસાવી દઈશ" તેવી ધમકી આપતા જાગૃતિએ જે તે સમયે ફરિયાદ આપી ન હતી.
ઘરેલુ હિંસા ફરિયાદ નોંધાવી : જોકે ત્યારબાદ પતિના ઘરેથી તે કીમતી સોનાના દાગીના અને બચતના પૈસા રાખ્યા હતા, તે લીધા વગર પહેરવાના કપડાં લઈને ભાઈના ઘરે જતી રહી હતી અને ત્યારબાદ અત્યાર પતિ દ્વારા અને સસરા તેમજ કાકા સસરા દ્વારા અવારનવાર છુટાછેડા માટે અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા હોય તેમાં તેનો પતિ જે યુવતી સાથે મૈત્રી કરાર કર્યા હોય તેની સાથે પોતાના જ ઘરમાં રહેતો હોય તે અંગેની જાણ થતા અંતે આ સમગ્ર મામલે નરોડા પોલીસ મથકે ઘરેલુ હિંસા, મારામારી, ધમકીઓ આપવા અંગે ફરિયાદ નોંધાવી છે.