અમદાવાદ : અમદાવાદના શહેરકોટડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 22મી જૂન 2023 ના રોજ રાતના સમયે આંગડિયા પેઢીના કર્મચારી સાથે થયેલી 46.51 લાખ રૂપિયાની લૂંટનો ભેદ ઉકેલાયો છે. આ મામલે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે ગુનામાં શામેલ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે, આરોપીઓ પાસેથી લૂંટમાં ગયેલ મુદ્દામાલ પૈકી 6.81 લાખનો મુદ્દામાલ પણ રિકવર કરવામાં આવ્યો છે. આ ગુનામાં સામે આરોપીઓ દિલ્હીની ગેંગના હોવાનું તપાસમાં ખુલ્યું છે.
22મી જૂને બની હતી લૂંટની ઘટના : અમદાવાદના શહેરકોટડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા બાપુનગરમાં 22મી જૂનના રોજ રાત્રિના સમયે આંગડિયા પેઢીના કર્મચારી સાથે લૂંટની ઘટના બની હતી, જેમાં આંગડિયા પેઢીના કર્મચારી રોકડ રકમ 46.51 લાખ લઈને યોગેશ્વર પાર્ક ખાતે પોતાના ઘરે ફ્લેટના પાર્કિંગમાં પહોંચ્યા અને તે સમયે એક વાહન ઉપર આવેલા ત્રણ જેટલા શખ્સોએ તેઓની પાસે રહેલા થેલામાં કુલ 46.51 લાખ રૂપિયા ભરેલી બેગ ઝૂંટવી લીધી હતી, આરોપીઓ ભાગવા જતા બુમાબુમ થતા આસપાસનાં લોકોએ આરોપીઓને રોકવાનો પ્રયત્ન કરતા તેઓ દ્વારા એક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ મામલે ગુનામાં શામેલ આરોપીઓ નજીકનાં સીસીટીવીમાં પણ કેદ થયા હતાં.
આ અંગે સીટીએમ ચાર રસ્તા પાસેથી આરોપીઓની ધરપકડ કરાઈ છે. આરોપીઓ દિલ્હીની ગેંગના છે, લૂંટ કરતા પહેલા તેઓ પોતે આંગડિયા પેઢીમાંથી અહિયાથી દિલ્હી પૈસા મોકલતા અને આંગડિયા પેઢી વિશે માહિતી મેળવતા હતા. હાલ આ મામલે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ સ્થાનિક પોલીસને સોંપાઈ છે...એ.ડી. પરમાર (પીઆઈ, ક્રાઈમ બ્રાંચ )
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધાં : લૂંટની ઘટના બનતા સ્થાનિક પોલીસે ગુનો દાખલ કર્યો હતો અને સ્થાનિક પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ આ ગુનાના કામે આરોપીઓની તપાસમાં લાગી હતી. તેવામાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ ગુનામાં સામેલ ત્રણ આરોપીઓને સીટીએમ ચાર રસ્તાથી એક્સપ્રેસ હાઈવે જતા રોડ ઉપર AMC ની પાર્કિંગ દિવાલ પાસેથી ઝડપી પાડ્યા હતા. આ મામલે ક્રાઈમ બ્રાન્ચે દિલ્હીની ગેંગના રાહુલ ઉર્ફે નક્ટો ઉર્ફે સંદીપ ઉર્ફે રાજન ગુપ્તા તેમજ ગૌરવ હુડ્ડા અને સુનિલકુમાર ઉર્ફે બાલીસિંગ નામના આરોપીઓની ધરપકડ કરી છે.
મોડસ ઓપરેન્ડી શું હતી : આરોપીઓ પાસેથી 6.81 લાખની રોકડ કબ્જે કરવામાં આવી છે. આરોપીની તપાસમાં સામે આવ્યું હતું કે તેઓ દ્વારા આંગડિયા પેઢીમાં પોતે પૈસા મોકલીને આંગડિયા પેઢીમાં કેટલા કર્મચારીઓ કામ કરે છે અને કોણ પૈસાની હેરાફેરી કરે છે, તે તમામ બાબતોની રેકી કરતા હતા. જે બાદ લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવતો હતો. શહેરકોટડામાં થયેલી લૂંટ પહેલા પણ આરોપીઓએ બે દિવસ પહેલા જ રેકી કરીને તે જ આંગડિયા પેઢીમાંથી પૈસા મોકલ્યા હતા. જે બાદ લૂંટને અંજામ આપતા પહેલા એક બાઈક શહેર કોટડા વિસ્તારમાંથી જ ચોરી કરી હતી અને તે વાહન ઉપર જ આ ગુનાને અંજામ આપ્યો હતો.
આરોપીઓ દિલ્હીના અઠંગ ગુનેગારો : ગુનામાં ઝડપાયેલો આરોપી રાહુલ ઉર્ફે નક્ટો ઉર્ફે સંદીપ ગુપ્તા વર્ષ 2009માં દિલ્હીમાં મારામારીના ગુનામાં, 2021માં લૂંટના ગુનામાં, 2013માં ખૂનની કોશિશના અને ત્રણ ચેઈન સ્નેચિંગના ગુનામાં, વર્ષ 2018માં ફાયરિંગના ગુનામાં, 2020 માં હત્યાના કોશિશના ગુનામાં, 2021માં મારામારીના ગુનામાં તેમજ 2022માં ખંડણીના ગુનામાં ઝડપાયો હોવાનું અને અનેક વાર જેલવાસ ભોગવી ચુક્યો હોવાનું સામે આવ્યું છે. અન્ય આરોપી સુનિલકુમાર ઉર્ફે બાલી વર્ષ 2017માં દિલ્હીમાં ખૂનની કોશિશના ગુનામાં, 2018માં મારામારીના ગુનામાં અને 2019 માં લૂંટના ગુનામાં ઝડપાયો હતો.
20 લાખ રૂપિયા જીગાના પિસ્ટલ ખરીદવા આપ્યા : આ મામલે ગુનામાં શામેલ આરોપીઓ સાથે અન્ય આરોપીઓ પણ સામેલ હતા, જોકે તેઓ લૂંટ પહેલા ત્યાંથી જતા રહ્યા હોવાનું સામે આવ્યું છે. તેમજ ઝડપાયેલા આરોપીઓએ લૂંટમાં મેળવેલા 46.51 લાખમાંથી 20 લાખ રૂપિયા જીગાના પિસ્ટલ ખરીદવા માટે આપ્યા હોવાનું સામે આવ્યું છે. જીગાના પીસ્ટલ આધુનિક હોય અને તેમાં એક જ વારમાં 6 રાઉન્ડ ફાયરિંગ કરી શકાતું હોય છે અને ગેંગસ્ટર અતિક અહેમદની હત્યામાં પણ આવા જ હથિયારનો ઉપયોગ થયો હતો, જોકે આ ગુનામાં સામેલ આરોપીઓ દ્વારા લૂંટ સમયે જે રિવોલ્વરથી એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હોય તે રિકવર કરવાનું બાકી હોય તેને લઈને પણ તપાસ શરૂ કરાઈ છે.