અમદાવાદ :સુરેન્દ્રનગરના સાયલા હાઈવે પર થયેલી કરોડોની ચાંદીની લૂંટનો ભેદ ઉકેલાયો છે. 992 કિલો ચાંદી અને ઇમિટેશન જ્વેલરી લઇને અમદાવાદ તરફ જતી બોલેરો ગાડીને આંતરી ડ્રાઇવર અને ક્લીનરનું અપહરણ કરી માર મારી ચાંદીની લૂટ ચલાવવામાં આવી હતી. સમગ્ર મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મધ્યપ્રદેશથી ગુનામાં સામેલ આરોપીની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓની તપાસમાં અનેક ખુલાસા થયા છે.
અલગ અલગ ટીમો આરોપીઓને પકડવા કામે લાગી : રાજકોટ અમદાવાદ હાઇવે પર સાયલા પાસે બોલેરો કારમાંથી કરોડો રૂપિયાની ચાંદી અને ઈમિટેશન જ્વેલરી ભરેલીની 17 ફેબ્રુઆરીએ લૂંટ થઈ હતી. લૂંટની ઘટના સામે આવતા રાજકોટ રેન્જ, સુરેન્દ્રનગર પોલીસ તેમજ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અલગ અલગ ટીમો આરોપીઓને પકડવા કામે લાગી હતી. જેમાં 10 દિવસ બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મધ્યપ્રદેશથી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. ત્રણ પકડાયાં છે તેમ છતાં 12 જેટલા આરોપી પોલીસની પહોંચથી બહાર છે.
આ પણ વાંચો અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે પર 1400 કિલો ચાંદી અને ઈમિટેશનની થઇ લૂંટ, પોલિસે કરી નાકાબંધી
ઓપરેશન ડીપ સર્ચ : લૂંટના ભેદ ઉકેલવા ક્રાઇમ બ્રાંચ દ્વારા "ઓપરેશન ડીપ સર્ચ" શરૂ કરી અલગ અલગ ટીમોને મધ્યપ્રદેશ મોકલવામાં આવી હતી. જ્યા તપાસમાં સામે આવ્યું કે લૂંટ કર્યા બાદ મુદ્દામાલ જે ટ્રકમાં ભરી ગયા હતા. તે ટ્રકના માલિક દમણ હતાં, જેની પૂછપરછમાં સામે આવ્યું કે તેને ટ્રક મધ્યપ્રદેશનાં દેવાસમાં જીતેન્દ્ર ઝાંઝાને વેચી નાખી હતી. જેના આધારે પોલીસે જીતેન્દ્ર ઝાંઝાની ધરપકડ કરી હતી. જે બાદ જીતેન્દ્રના સાગરીતોએ ચાંદી લૂંટને અંજામ આપ્યા હોવાનું સામે આવ્યું હતું.
50 લાખનો મુદ્દામાલ મળી આવ્યો : પોલીસે જીતેન્દ્ર ઝાંઝાની પૂછપરછ કરતા સામે આવ્યું કે ચાંદી લૂંટનો મુદ્દામાલ દેવાસના ચૌબારાધીરા ગામમાં રહેતા જીતેન્દ્ર ચૌહાણના મકાનની પાછળના ભાગમાં વરંડામાં દાટવામાં આવ્યો છે. પોલીસને તપાસ કરતા 75 કિલો એટલે કે 50 લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો. જેથી પોલીસે જીતેન્દ્ર ચૌહાણ તેના પત્ની બબીતા ચૌહાણ તેમજ કુંદન સુથારની ધરપકડ કરી છે. જોકે પોલીસની વધુ પૂછપરછમાં સામે આવ્યું કે સાયલા ચાંદી લૂંટમાં ટ્રક માલિક જીતેન્દ્ર ઝાંઝાએ તેના સાળા અને અન્ય લોકો મારફતે દાગીના છુપાવવા 10 ટકા ભાગ આપવાનું નક્કી કર્યું હતું. જેથી જીતેન્દ્ર અને તેની પત્નીએ પોતાના ઘરના પાછળના ભાગમાં લૂંટના માલની ચાંદી દાટી દીધી હતી. જોકે જીતેન્દ્ર ઝાંઝાએ કુંદન ઉર્ફે ગોલુ વિશ્વકર્મા થકી દંપતિનો સંપર્ક કર્યો હતો. જેથી પોલીસે દંપતિ સાથે કુંદનની પણ ધરપકડ કરી છે.
જીપીએસ લૂંટ બાદ બંધ કરી દીધું હતું : ચાંદી લૂંટને અંજામ આપવા બધા લૂંટારાઓ જુદી જુદી 3 કારમાં આવ્યાં હતાં. લૂંટ કરેલી ગાડીમાં કંપની દ્વારા લગાવવામાં આવેલી જીપીએસ લૂંટ બાદ ઉજ્જૈન નાગડા રોડ પર બંધ કરી દેવામાં આવ્યું હતું. ટ્રક માલિક જીતેન્દ્રએ લૂંટ બાદ ચિડાવડ ખાતે બોલાવ્યા હતા અને ત્યાં મુદ્દામાલનો ટ્રક દસેક દિવસ લઈ જવા જણાવ્યું હતું. જેના બદલામાં ઉધાર નાણાં માફ કરી દેશે અને ટ્રક પણ મફતમાં આપી દેવાની લાલચ આપી હતી. જેથી ટ્રક ડુંગરિયા ગામના શેખર રાવતનામના શખ્સના ખેતરમાં છુપાવવામાં આવી હતી. જોકે હાલ પણ મુખ્ય આરોપીઓ અને મુદ્દામાલ શોધવા ક્રાઇમ બ્રાંચની અલગ અલગ ટીમો મધ્યપ્રદેશમાં કામગીરી કરી રહી છે.
આ પણ વાંચો રાજકોટમાં બે ઈસમો 15 કિલો ચાંદીની લૂંટ ચલાવી ફરાર
રામમૂર્તિ ગેંગનો ગુનાહિત ઇતિહાસ : પકડાયેલી રામમૂર્તિ ગેંગ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને અલગ અલગ રાજ્યોમાં કરોડોની લૂંટને પણ અંજામ આપી ચૂક્યા છે. રામમૂર્તિ ગેંગના શખ્સો બાઈકસ્ટંટમાં કાબેલ હોવાથી ધૂમ ફિલ્મના નિર્માણ સમયે આ લોકોને સ્ટંટ કરવા માટે પણ બોલાવવામાં આવ્યા હતાં.જોકે ફિલ્મના નાણાંની બાબતે રકઝક થઇ હતી તેથી ગેગના લોકોએ બાઇકસ્ટંટ માટે મનાઈ કરી દીધી હતી. આ ગેંગ દ્વારા 11 કરોડની લૂંટને પણ અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે. હાલ તો પોલીસે આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરી છે અને વધુ 12 ફરાર આરોપીઓની તપાસ હાથ ધરી છે.
3 આરોપીઓને ઝડપી લેવાયા : આ અંગે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના DCP ચૈતન્ય મંડલીકે જણાવ્યું હતું કે ઘટનાના પહેલા દિવસથી ક્રાઈમ બ્રાન્ચ તપાસમાં હતી અને અંતે ઘટના દિવસોની મહેનત બાદ આ 3 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. જોકે આ ગુનામાં સામેલ અન્ય આરોપીઓ હજુ પણ વોન્ટેડ હોવાથી તેઓની ધરપકડ કર્યા બાદ અન્ય મુદ્દામાલ કબ્જે કરવામાં આવશે.