અમદાવાદ : શહેરમાં ફરી એક વાર એસીબીએ સપાટો બોલાવ્યો છે. આ વખતે એસીબીની રડારમાં સબ રજિસ્ટ્રારની કચેરી આવી હતી. તેમાં દોઢ લાખ રૂપિયાની લાંચ લેતાં સરકારી બાબુને ઝડપી પાડ્યો હતો. આ સરકારી કર્મચારીના ઘરમાં તપાસ કરતા એસીબીને મોટી રકમ મળી આવી છે. તેમજ એસીબીને સરકારી કર્મચારીના ઘરમાંથી દારૂની બોટલો પણ મળી આવી હતી. આ મામલે અલગથી એક ગુનો વાસણા પોલીસ મથકમાં નોંધાયો છે.
શું હતો મામલો ? સત્તાવાર માહિતી અનુસાર લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોએ શુક્રવારે અમદાવાદની વેજલપુર સબ રજીસ્ટ્રાર કચેરીમાં છટકું ગોઠવીને લાંચ ખોર કર્મચારીને ઝડપી પાડ્યો હતો. જેમાં દોઢ લાખ રૂપિયાની લાંચ લેતા સબ રજિસ્ટ્રાર તુલસીદાસ મારકણાની ધરપકડ કરી હતી. આ કિસ્સામાં આરોપીએ ફરિયાદી પાસે એક દસ્તાવેજ કરી આપવાના 5 હજાર રૂપિયા લેખે કુલ ૩૦ દસ્તાવેજ કરી આપવા પૈસાની માંગ કરી હતી. આમ લાંચ પેટે ગેરકાયદેસર રીતે ફરિયાદી પાસેથી કુલ દોઢ લાખ રૂપિયાની માંગણી કરી હતી.
ACB નું છટકું : ફરીયાદી આ લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો. એસીબીએ લાંચના છટકાનું આયોજન કરતા આરોપી ફરિયાદી પાસેથી લાંચના દોઢ લાખ રૂપિયા લેતા રંગેહાથ ઝડપાઈ ગયો હતો.
લાંચ ખોર સરકારી બાબુ : આ અંગે એસીબીની મદદનીશ નિયામક જી.વી પઢેરીયાએ જણાવ્યું હતું કે, આરોપી અગાઉ વર્ષ 1989થી 2006 સુધી આર્મીમાં ફરજ બજાવતા હતા. સેનામાંથી નિવૃત્ત થયા બાદ 2013માં PSI ની પરીક્ષામાં પાસ થયા હતા. તેઓ અંડર ટ્રેનીંગ હતા તે દરમિયાન તેઓની સબ રજિસ્ટ્રાર તરીકે પસંદગી થઈ હતી. આથી તેઓ PSI ની નોકરી છોડી સબ રજિસ્ટ્રાર તરીકે જોડાયા હતા. ત્યારથી તેઓએ ભાવનગરના ગારિયાધાર, હાલોલ, ધોધંબા અને છેલ્લે વેજલપુર ખાતે સબ રજિસ્ટ્રાર તરીકે નોકરીમાં ફરજ બજાવે છે.
આરોપીએ આ પ્રમાણે કેટલા દસ્તાવેજ કર્યા, લાંચની કેટલી રકમ લીધી તેની તપાસ ચાલુ છે. તેમજ આ સ્કેમમાં તેઓની સાથે સામેલ અન્ય અધિકારીની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. આરોપી પાસે કચ્છ અને સંખેડામાં જમીન હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. જમીનના ક્ષેત્રફળમાં ફેરફાર માટે સ્ટેમ્પ ડ્યુટી ઓછી ભરવી પડે તે રીતે સાંઠગાંઠ ધરાવી પૈસા પડાવતા હતા. હાલ વધુ તપાસ ચાલુ છે.-- જી.વી પઢેરીયા (મદદનીશ નિયામક, ACB અમદાવાદ)
આરોપી દારુનો શોખીન ? ક્લાસ 3 ઓફિસર સબ રજીસ્ટ્રાર અધિકારી તુલસીદાસ માકરણીની ધરપકડ બાદ એસીબીની ટીમે તેઓની સામે ગુનો દાખલ કર્યો હતો. ઉપરાંત તાત્કાલિક સમયસૂચકતા વાપરીને તેના નિવાસસ્થાને જઈને તપાસ શરૂ કરી હતી. આ તપાસમાં આરોપીના ઘરેથી એસીબીને 58.28 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા છે. તેમજ ઘરમાંથી જુદી જુદી બ્રાન્ડની દારૂની 12 બોટલ પણ મળી આવી હતી. આથી પ્રોહીબીશનનો અલગથી ગુનો વાસણા પોલીસ મથકમાં દાખલ કરવામાં આવ્યો છે.
પોલીસ તપાસ : પકડાયેલા સરકારી બાબુનો નોકરીનો સમયગાળો અને તેઓના પગાર અને ખર્ચ કાઢીને વધતી રકમ અને મળી આવેલી રોકડને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે. આરોપી કેટલા સમયથી સરકારી ખાતામાં નોકરી કરે છે. ઉપરાંત મળી આવેલી રકમમાંથી કેટલી રકમ અને અપ્રમાણસર મિલકત છે તે તમામ દિશામાં એસીબીએ તપાસ શરૂ કરી છે.