અમદાવાદ:કોરોના વાયરસના ૭ જેટલા પોસીટીવ કેસ ગુજરાતમાં પણ જોવા મળ્યા છે. જેને લઈને સમગ્ર રાજ્યભરમાં એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે રાજ્યનું જેલ તંત્ર પણ કોરોના વાયરસ સામે લડવા માટે સજ્જ છે. જેલ તંત્ર દ્વારા કેવા પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે જાણીએ...
અમદાવાદ:કોરોના વાયરસને લઈને તંત્ર પણ સજ્જ કેદીઓને કોર્ટમાં સીધા રજૂ કરવામાં આવતા નથી. પરંતુ વીડિયો કોન્ફેરેન્સથી કેદીને રજૂ કરવામાં આવે છે. રાજ્યની ૨૫ જેલોમાં કેદીઓને ૩૩ અદાલતોમાં વીડિયો કોન્ફેરેન્સથી રજૂ કરવામાં આવે છે. જેલમાં કેદીઓની મુલાકાત પણ બંધ કરાવી દેવામાં આવી છે. કોઈ અત્યંત જરૂરી મુલાકાત હોય તો તે વીડિયો કોન્ફેરેન્સ અને અંતર રાખીને મુલાકાત કરાવવામાં આવે છે. કેદીઓને બહારથી મળતું ટીફીન પણ બંધ કરી દેવામાં આવ્યું છે. જેની જગ્યાએ જેલમાં બનાવેલા ભોજન જ આપવામાં આવે છે. રાજ્યના કુલ 15000 જેટલા કેદીઓ છે. જેની સામે 93 જેટલા ડોક્ટરનો સ્ટાફ રાખવામાં આવ્યો છે. જેમાં અલગ-અલગ પ્રકારના ડોક્ટર છે.
આ ઉપરાંત જેલમાં સતત દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. કેદીઓ તથા જેલ સિપાહીઓને પણ માસ્ક આપવામાં આવ્યા છે. જેલ સિપાહીને પણ સ્કેનીંગ કરવામાં આવે છે. અને તેમાં પણ શંકા દેખાય તો તાત્કાલિક સારવાર માટે મોકલી આપવામાં આવે છે.
આમ દેશભરમાં 31 માર્ચ સુધી એલર્ટ છે. ત્યારે હવે ગુજરાત પણ એલર્ટ પર છે અને રાજ્યનું જેલ તંત્ર પણ એલર્ટ છે. ૩૧ માર્ચ સુધી જેલ તંત્ર દ્વારા તમામ તકેદારીઓ રાખવામાં આવશે.જોકે હજુ સુધી જેલમાં કોઈ પણ કેદીને કોરોના વાયરસના લક્ષણ હોય તેવું સામે આવ્યું નથી.