અમદાવાદ: દિવસેને દિવસે કોરોના વાઇરસના દર્દીઓની સંખ્યા વધી રહી છે. ત્યારે દુધેશ્વર વિસ્તારમાં કોરોના પોઝિટિવ યુવક સગીરાને ભગાડી ગયો હતો. જેથી કોર્ટે આરોપીના આગોતરા જામીન ફગાવ્યા હતા.
કોર્ટે આરોપી ઈરફાન શેખના જામીન ફગાવતા નોંધ્યું હતું કે, તેની વિરુદ્ધ ગંભીર ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેથી તેને આગોતરા જામીન આપી શકાય નહીં. સગીરાને ભગાડી જવાના કેસમાં આરોપી વિરુદ્ધ IPCની કલમ 364 અને પોકસોની કલમ 11(6) મુજબ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. સગીરાના માતા-પિતા દ્વારા માધવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી કે, આરોપી તેમની 15 વર્ષીય સગીરાને દુષ્કાર્મ કરવાના ઇરાદે અને લગ્ન કરવાની ખોટી લાલચ આપી વાલીપણામાંથી ભગાડી ગયો હતો.
આ ફરિયાદના આધારે પોલીસે પોકસો સહિતની કલમ મુજબ ફરિયાદ દાખલ કરી હતી. આરોપીની ધરપકડ પહેલા જ તેનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. આરોપી અગાઉ પણ એકવાર સગીરાને ભગાડી ગયો હતો. જો કે બંને પક્ષ વચ્ચે એક વખતે સમાધાન થઈ ગયું હતું.
આ સમગ્ર કેસની વિગત એવી છે કે, દુધેશ્વર વિસ્તારમાં 4 જૂનના રોજ 22 વર્ષીય આરોપી ઈરફાન શેખના ઘર પાસે રહેતી 15 વર્ષીય સગીરાને ભગાડી ગયો હતો. ત્યાર બાદ સાંજે તેના માતા-પિતા દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જો કે બે દિવસ બાદ એટલે કે 6 જૂનના રોજ પોલીસ ધરપકડ પહેલાં આરોપીનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા તેને સિવિલ હોસ્પિટલ ખાતે ક્વોરન્ટાઇન કરવામાં આવ્યો હતો. આ સમયગાળા દરમિયાન ધરપકડ ટાળવા માટે આરોપીએ આગોતરા જામીન અરજી દાખલ કરતા કોર્ટે ગુનો ગંભીર માની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી.