અમદવાદ : દેશમાં સતત વધી રહેલી મોંઘવારીના કારણે મધ્યમ તેમજ ગરીબ વર્ગને જીવવું મુશ્કેલ બની ગયું છે. મોંઘવારીના મારથી પીસાતા સામાન્ય માણસ પર ઘર વપરાશની તમામ વસ્તુઓના થયેલા ભાવ વધારાએ ખરાબ અસર કરી છે, ત્યારે પ્રવર્તમાન સરકાર પણ ભાવ વધારા પર અંકુશ લાવવા સદંતર નિષ્ફળ નીવડી છે. જેને લીધે આર્થિક રીતે પછાત એવા મધ્યમવર્ગીય લોકો ખરાબ સ્થિતિમાં જીવવા મજબૂર બન્યા છે. તો દેશ સહિત ગુજરાતમાં પણ તાજેતરમાં રોજિંદા વપરાશમાં લેવામાં શાકભાજી મોંઘા થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. ત્યારે હવે ઘર વપરાશની વસ્તુઓ તેમજ શાકભાજીના વધતા ભાવને લઈને કોંગ્રેસ મેદાને ઉતરી છે.
મોંઘવારીનો વિરોધ : અમદાવાદ શહેરમાં આજે ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ જેનીબેન ઠુમંરની અધ્યક્ષતામાં વધતી જતી મોંઘવારીના વિરોધનો પ્રોગામ યોજાયો હતો. જેમાં કોંગ્રેસના તમામ હોદ્દેદાર બહેનો અને મહિલા આગેવાન બહેનોએ ઉપસ્થિત રહી મોંઘવારી વિરુદ્ધ મોરચો ખોલવા આહવાન કરવામાં આવ્યું હતું. શહેરના અમરાઈવાડી વિસ્તારમાં પ્રવર્તમાન સરકાર દ્વારા ઝીંકાયેલા અસહ્ય ભાવ વધારાને લઈને કોંગ્રેસ આગેવાનો તેમજ કાર્યકર બહેનોએ સૂત્રોચ્ચાર સાથે ભાવ વધારાના રાક્ષસને ડામવા સરકારને અપીલ કરી હતી.
કૃત્રિમ ભાવ વધારો : જોકે રિટેલ માર્કેટના વેપારીઓ પર કોઈ સરકારી નિયંત્રણ ન હોય તેવી રીતે વેપારીઓ ગમે ત્યારે કોઈપણ એક શાકભાજીનો ભાવ વધારીને વધુ પડતો નફો કરી લેતા હોય છે. થોડા સમય અગાઉ બટાકા, ડુંગળી અને લીંબુમાં કૃત્રિમ ભાવ વધારો જોવા મળ્યો હતો. જેમાં કૃત્રિમ ભાવ વધારો ઊભો કરીને ગ્રાહકોને લૂંટવાની મોડસ ઓપરેન્ડી કરતા વેપારીઓ હવે કૃત્રિમ અછત બતાવીને લોકોના ખિસ્સા હળવા કરવાની ટ્રીક અજમાવતા શીખી ગયા છે.
મોટી હોટેલમાંથી ટામેટાં ગાયબ : વેપારીઓને આ ટ્રીક એવી માફક આવી ગઈ છે કે અચાનક કોઈ એક વસ્તુનો ભાવ વધારીને કૃત્રિમ તંગી ઉભી કરી મનફાવે તે ભાવે વેચે છે. જેની અસર સીધી રસોડામાં દેખાય છે, ત્યારે હાલમાં જ ટામેટામાં તોતિંગ ભાવ વધારો ઝીંકાયો છે. ગૃહિણીઓના બજેટ પર ટામેટાના વધી રહેલા ભાવની સીધી અસર પડી છે. રસોડામાંથી જ નહીં, પરંતુ માર્કેટની મોટી હોટેલમાંથી અચાનક જ ટામેટા ગાયબ થઈ ગયા છે. ટામેટાના ભાવ વધી જતાં ઘર ઉપરાંત હોટલો, રેસ્ટોરન્ટોમાં પણ ટામેટા ગાયબ થઈ ગયા છે.
કોંગ્રેસ પ્રજા સાથે : મોંઘવારીને ડામવા કોંગ્રેસ હવે લોકોની સાથે છે અને કમરતોડ મોંઘવારી વિરૂદ્ધ જલદ કાર્યક્રમો સહિત ઉગ્ર દેખાવો પણ કરવામાં આવ્યા હતા. ગુજરાત કોંગ્રેસ મોડે મોડે પણ હવે સજાગ બની છે, ત્યારે મોંઘવારીને લઇને આગળ કેવા કાર્યક્રમો આપશે અને સરકાર આ દેખાવો બાદ મોંઘવારી પર અંકુશ લાવશે કે કેમ તે આવનારો સમય જ બતાવશે.