અમદાવાદ: રાહુલ ગાંધી પર મોદી સરનેમને લઇને સુનાવણી આવતીકાલે થવાની છે. જેને લઇને કોંગ્રેસદ્વારા દરેક બાબતે સરકારને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ત્યારે હવે તારીખ 1 મે ગુજરાત સ્થાપના દિવસે ગુજરાત કોંગ્રેસ દ્વારા તાલુકા તાલુકાએ જનતાના પ્રશ્નોને વાચા આપવાના કામની શરૂઆત કરાશે. જનતાને પડી રહેલી મુશ્કેલી અને તેમના નિવારણ માટે જનમંચ કાર્યક્રમ યોજાશે.
જનમંચ કાર્યક્રમ: જનમંચ કાર્યક્રમ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે '1 મે રોજ ગુજરાત સ્થાપના દિવસે સામાન્ય ગુજરાતી જનતા માટે જનમંચ કાર્યક્રમ ચલાવવામાં આવશે. આ કાર્યક્રમ અંતર્ગત યુવાનો,મહિલાઓ,વેપારીઓ,ખેડૂતો, પીડિતો,વંચિતો, શોષીતો પોતાની સમસ્યાના પ્રશ્નોના અવાજને બુલંદ કરવા માટે આ જનમંચ કાર્યક્રમ શરૂ કરવામાં આવશે. કોંગ્રેસ હંમેશા જનતાના પ્રશ્નોને વાચા આપી રહી છે. આગામી સમયમાં પણ જનતાના પ્રશ્નોને વાચા આપતી પણ રહેશે.
સુવિધા આપવાનો અધિકાર: કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે' કોંગ્રેસ પક્ષ સામાન્ય જનતાને મંચ પૂરો પાડશે. જ્યાં ગુજરાતની જનતા પોતાનો ટેક્સ ભરે છે. જે સરકારને મત આપે છે. તેમને સરકારે તમામ પ્રકારની સુવિધા આપવાનો અધિકાર છે. રાજ્યના યુવાનો,મહિલાઓ,ખેડૂતોની સમસ્યા જાણવા અને તેમના અવાજને બુલંદ બનાવવા માટે કોંગ્રેસ જનમંચ કાર્યક્રમ ગુજરાતના સ્થાપના દિવસના દિવસે જ અમલમાં મૂકવા જઈ રહી છે.
યુવાનોનું શોષણ: વધુમાં જણાવ્યું હતું કે ' ગુજરાતમાં આજે યુવાનોને મોંઘું શિક્ષણ લીધા પછી પણ નોકરી મળી રહી નથી. ફિક્સ પગારમાં યુવાનોનું શોષણ કરવામાં આવી રહ્યું છે. મોટા ઉદ્યોગો સ્થાનિકો 85 ટકા રોજગારી આપવાનો નિયમ પણ પાળવાના આવતો નથી. મનરેગામાં 100 દિવસનો રોજગાર આપવાની વાત કરવામાં આવતી હતી. તેમાં પણ પૂરો પગાર મળતો નથી. ગુજરાતમાં કાયદો વ્યવસ્થા કથળી ગઈ છે. રાજ્યમાં આજે ખુલ્લેઆમ દારૂ વહેંચાઈ રહ્યા છે. મહિલાની છેડતી અને તેમની સાથે અત્યાચાર વધી રહ્યા છે. પોલીસ તંત્રને ફરિયાદ અને જાણ કરવા છતાં કાર્યવાહી થતી નથી. ગેરકાયદેસર દબાણો અને જાણ કરવા છતાં કાર્યવાહી થતી નથી.
સરકાર નિષ્ફળ: વધુમાં કહ્યું કે ' દવાખાનામાં વધુ ફી વસુલવામાં આવે છે. રાજ્યમાં આરોગ્ય સેવા ધ્વસ્ત થઈ ગઈ છે. SCS ,PHC પેટા કેન્દ્રમાં ડોક્ટરના સ્ટાફ સાથે દવાઓની ઘટ પણ જોવા મળી રહી છે. સરકારી અને ખાનગી હોસ્પિટલમાં નિયમોથી પણ વધારે ફી વસૂલવામાં આવી રહી છે. વિકલાંગતા અને અન્ય ફિટનેસ સર્ટિફિકેટ મેળવવામાં પણ તકલીફ પડી રહી છે. શાળામાં બાળકોના આરોગ્યની નિયમિત તપાસ કરવામાં આવતી નથી. કુપોષિત બાળકોને પણ પૂરતા પોષક આહાર આપવામાં પણ સરકાર નિષ્ફળ નીકળી છે. આ તમામ પ્રશ્નોની વાચા આપવા અને જનતાની સમસ્યાઓને દૂર કરવા માટે કોંગ્રેસ તારીખ 1 મે ના રોજ જનમંચ કાર્યક્રમ ગુજરાતના તમામ તાલુકા આયોજન કરવામાં આવ્યું છે.